હું એ જ વ્યક્તિ છું જેની સાથે ભારતે ચૅમ્પિયન્સ ટ્રોફી અને એશિયા કપ જીત્યાં, ઇંગ્લૅન્ડમાં સિરીઝ ડ્રૉ કરી
ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીર
સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ-સિરીઝની કારમી હાર બાદ પ્રેસ-કૉન્ફરન્સમાં ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીર દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો. તેને સવાલ કરવામાં આવ્યો કે શું તે હેડ કોચ તરીકે યોગ્ય વ્યક્તિ છે? એનો જવાબ આપતાં ગૌતમ ગંભીરે કહ્યું હતું કે ‘તે ક્રિકેટ બોર્ડે નક્કી કરવાનું છે. મેં મારી પહેલી પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ભારતીય ક્રિકેટ મહત્ત્વપૂર્ણ છે, હું નહીં અને હું અહીં એના પર અડગ છું. લોકો ભૂલી ગયા છે કે હું એ જ વ્યક્તિ છું જેણે ઇંગ્લેન્ડમાં એક યુવા ટીમ સાથે સારાં પરિણામો (ડ્રૉ ટેસ્ટ-સિરીઝ) આપ્યાં હતાં. હું એ જ વ્યક્તિ છું જેની કૅપ્ટનશિપમાં ભારતે ચૅમ્પિયન્સ ટ્રોફી અને એશિયા કપ જીત્યાં હતાં.’
ગૌતમ ગંભીરે વધુમાં કહ્યું હતું કે ‘આ હાર માટે દરેક વ્યક્તિ દોષિત છે અને એ મારાથી શરૂ થાય છે. મેં ક્યારેય એક વ્યક્તિને દોષ આપ્યો નથી અને ભવિષ્યમાં પણ હું આવું કરીશ નહીં. આ એક ઓછી અનુભવવાળી ટીમ છે. મેં પહેલાં પણ કહ્યું છે કે તેમણે શીખતા રહેવું પડશે અને પરિસ્થિતિ બદલવા માટે શક્ય એટલું બધું કરવું પડશે. ક્રિકેટને હળવાશથી ન લઈ શકાય.’ ગૌતમ ગંભીરના કોચિંગમાં ભારત ૧૮માંથી ૧૦ ટેસ્ટ-મૅચ હાર્યું છે.
ADVERTISEMENT
ગુવાહાટી ટેસ્ટ-મૅચમાં કારમી હાર બાદ લાગ્યા નારા : ગૌતમ ગંભીર હાય-હાય, ગૌતમ ગંભીર હાય-હાય
ગુવાહાટી ટેસ્ટ-મૅચમાં ભારતીય ટેસ્ટ-ટીમની શરમજનક હાર બાદ મેદાન પર હેડ કોચ ગૌતમ ગંભીર ટ્રોલ થયો હતો. પોસ્ટ-મૅચ પ્રેઝન્ટેશન દરમ્યાન મેદાન પર આવેલા ગૌતમ ગંભીર માટે ભારતીય ક્રિકેટ-ફૅન્સે ગૌતમ ગંભીર હાય-હાય, ગૌતમ ગંભીર હાય-હાયના નારા લગાવ્યા હતા. ભારતીય ટીમના એક અધિકારીના કહેવા પર સુરક્ષામાં તહેનાત પોલીસ જવાનોએ સ્થિતિને શાંત પાડવા એક યુવકને પકડ્યો પણ હતો. આ દરમ્યાન સપોર્ટ-સ્ટાફ સાથે ઊભેલો ગૌતમ ગંભીર નિરાશ જોવા મળ્યો હતો.


