બીસીસીઆઇના ભૂતપૂર્વ ચીફ વહીવટકાર વિનોદ રાયે પુસ્તકમાં કોહલીનો અભિગમ પણ બતાવ્યો છે
ફાઇલ તસવીર
એક સમય હતો જ્યારે અનિલ કુંબલેએ થોડા મહિના સુધી ભારતીય ટીમને કોચિંગ આપેલું ત્યારે વિરાટ કોહલી કૅપ્ટન હતો અને એ બન્ને વચ્ચેનો અણબનાવ ભારતીય ક્રિકેટ માટે અભૂતપૂર્વ હતો. કુંબલેના કોચિંગના (૨૦૧૬-’૧૭ના) એ કડવા અનુભવને ઘણાં વર્ષો થઈ ગયાં અને હવે તો કોહલી પણ કૅપ્ટન નથી. જોકે એ ઘટનાને ફરી તાજી કરી દે એવા કેટલાક મુદ્દા પર ભૂતપૂર્વ કમિટી ઑફ ઍડ્મિનિસ્ટ્રેટર્સ (સીઓએ) વિનોદ રાયે ‘નૉટ જસ્ટ અ નાઇટ વૉચમૅન ઃ માય ઇનિંગ્સ વિથ બીસીસીઆઇ’ પુસ્તકમાં પ્રકાશ પાડ્યો છે.
આ પુસ્તકમાં કુંબલે-કોહલી પ્રકરણ વિશે જે લખાયું છે એનો સાર એ છે કે કુંબલેને ત્યારે એવું લાગ્યું હતું કે તેની સાથે સારો વ્યવહાર નહોતો કરવામાં આવ્યો અને તેને ભારતીય ટીમના હેડ-કોચના હોદ્દા પરથી રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હતી. જોકે કોહલીનું ત્યારે એવું માનવું હતું કે ખેલાડીઓ (ખાસ કરીને યુવાન પ્લેયરો)ને કુંબલેની કોચિંગ-સ્ટાઇલ તેમના પર શિસ્ત ઠોકી બેસાડનારી અને ‘ધમકાવનારી’ લાગી હતી.
ADVERTISEMENT
કુંબલેનું વધુ પડતું શિસ્તપાલન વિનોદ રાયે પુસ્તકમાં લખ્યું છે કે ‘ટીમના કૅપ્ટન (કોહલી) અને ટીમ-મૅનેજમેન્ટ સાથેની ચર્ચામાં મને કહેવામાં આવ્યું હતું કે કુંબલેનું શિસ્તપાલન વધુપડતું છે અને એટલે જ ટીમના મેમ્બરો તેનાથી ખુશ નથી. કોહલીએ મને ત્યાં સુધી કહ્યું કે કુંબલે જે રીતે કામ લે છે એવી તેની સ્ટાઇલ ટીમના યુવાન પ્લેયરોને ડરાવનારી અને ધમકાવનારી લાગે છે.’
સચિને કુંબલેને ફરી નીમવા કહેલું ૨૦૧૭ની ચૅમ્પિયન્સ ટ્રોફી પછી કુંબલેએ ભારતના હેડ-કોચના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. જોકે સચિન તેન્ડુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણની બનેલી ક્રિકેટ ઍડ્વાઇઝરી કમિટીએ કુંબલેને હેડ-કોચના સ્થાને ફરી નિયુક્ત કરવાની ભલામણ કરી હતી.
કૅપ્ટનને બહુ મહત્ત્વ ન આપો : કુંબલે
સચિન ઍન્ડ કંપની તો કુંબલેને ફરી કોચ બનાવવા તૈયાર હતા, પરંતુ કોહલી સાથેની વાતચીતના આધારે વિનોદ રાયની સમિતિને લાગ્યું હતું કે કોહલીનું કહેવું ધ્યાનમાં લઈએ તો કુંબલેને ફરી કોચ બનાવવો હિતમાં નથી. કુંબલે ત્યારે યુકેથી પાછા આવ્યા બાદ આખા પ્રકરણ બદલ નારાજ હતો. વિનોદ રાયે પુસ્તકમાં લખ્યું છે કે કુંબલેએ ત્યારે અમને કહેલું કે કૅપ્ટનને કે ટીમને બહુ મહત્ત્વ ન આપવું જોઈએ, કારણ કે ટીમમાં શિસ્તની ભાવના અને પ્રોફેશનલિઝમ લાવવાનું કામ કોચનું હોય છે અને એટલે જ પ્લેયરોએ કોચનું માન જાળવવું જોઈએ. અમે કુંબલેને કહી દીધું હતું કે કોચિંગના હોદ્દાને લંબાવવા વિશે તેના એક વર્ષના કૉન્ટ્રૅક્ટમાં કોઈ જોગવાઈ છે જ નહીં.
આ પ્રકરણ દરમ્યાન કૅપ્ટન કોહલીએ મૌન જાળવીને ડહાપણનું કામ કર્યું હતું. જોકે કુંબલેએ પણ જાહેરમાં વિધાનો કરવાનું ટાળ્યું હતું. બન્નેનો અભિગમ ખૂબ પરિપક્વ હતો જેને કારણે સ્થિતિ કાબૂ બહાર જતી અટકી હતી.’


