સિરીઝમાં શાનદાર કમબૅક માટે ભારતીય પ્લેયર્સ સાંભળી રહ્યા છે...
જિમમાં એક્સરસાઇઝ કરતી વખતે ટીમ ઇન્ડિયાના બોલિંગ કોચ મોર્ને મોર્કલ સાથે (ડાબેથી) યશસ્વી જાયસવાલ, અભિમન્યુ ઈશ્વરન, આકાશ દીપ, રિષભ પંત, કરુણ નાયર અને ધ્રુવ જુરેલે પોઝ આપ્યો હતો.
ધી ઍન્ડરસન-તેન્ડુલકર ટેસ્ટ-સિરીઝમાં ઇંગ્લૅન્ડની ટીમ હાલમાં ૨-૧થી આગળ છે. સિરીઝ બચાવવા ભારતીય ટીમે ચોથી ટેસ્ટમાં જીત મેળવીને સિરીઝ બરાબર કરવી પડશે. ૨૩ જુલાઈની મૅન્ચેસ્ટર ટેસ્ટ પહેલાં ભારતીય ટીમે બેકનહૅમના કેન્ટ કાઉન્ટી ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રૅક્ટિસ-સેશન શરૂ કર્યાં છે. આ પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન યંગ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને હાથમાં ઇન્જરી પણ થઈ છે જેને કારણે તેની ટેસ્ટ-ડેબ્યુની રાહ લંબાઈ શકે છે.
ત્રીજી ટેસ્ટ-મૅચમાં હાર બાદ ભારતીય પ્લેયર્સ મનોબળ વધારવા માટે ડ્રેસિંગ રૂમમાં મનપસંદ મ્યુઝિક સાંભળી રહ્યા છે. અહેવાલ અનુસાર ડ્રેસિંગ રૂમમાં હનુમાન ચાલીસા, ઇંગ્લિશ પૉપ સૉન્ગ અને પંજાબી મ્યુઝિક વગાડવા માં આવી રહ્યાં છે. પ્લેયર્સે જિમમાં હળવા માહોલ વચ્ચે ફિટનેસ પર કામ કર્યું અને યાદગીરી માટે કેટલાક ફોટો પણ પડાવ્યા હતા.
ADVERTISEMENT
શ્રેયસ ઐયરે ફિટનેસ ટ્રેઇનિંગ કરી સ્વૅગ સાથે
છેલ્લા કેટલાક સમયથી વેકેશન અને કેટલીક ઇવેન્ટ માટે વિદેશમાં જોવા મળેલો શ્રેયસ ઐયર મુંબઈ પરત ફર્યો છે. તેણે હાલમાં પોતાના ટ્રેઇનિંગના ફોટો શૅર કર્યા હતા, જેમાં તેણે સ્ટાઇલિશ સનગ્લાસિસ પણ પહેર્યાં હતાં. રનિંગ-ટ્રૅક પર તે સ્વૅગ સાથે ફિટનેસ પર કામ કરતો જોવા મળ્યો હતો.

