ત્રીજા દિવસે ઇંગ્લૅન્ડે સાત વિકેટે ૫૪૪ રન કર્યા, ભારત સામે ૧૮૬ રનની લીડ મેળવી : ૧૫૦ રન ફટકારનાર જો રૂટે બે ૧૪૦ પ્લસ રનની ભાગીદારી કરી, ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં બેન સ્ટોક્સ પહેલી વાર રિટાયર્ડ-હર્ટ થયો
વૉશિંગ્ટન સુંદરે ૫૭ રનમાં બે મોટી વિકેટ લઈને ટીમને રાહત આપી હતી.
મૅન્ચેસ્ટર ટેસ્ટના ત્રીજા દિવસે ઇંગ્લૅન્ડના બૅટર્સનો સંપૂર્ણ દબદબો જોવા મળ્યો હતો. ઇંગ્લૅન્ડે પહેલી ઇનિંગ્સમાં ૧૩૫ ઓવરમાં સાત વિકેટ ગુમાવીને ૫૪૪ રન કર્યા હતા. પહેલી ઇનિંગ્સમાં ભારતે ૩૫૮ રન કર્યા હોવાથી ઇંગ્લૅન્ડે હવે ૧૮૬ રનની લીડ મેળવી લીધી છે.
ભારતે છેલ્લે વર્ષ ૨૦૧૫ની સિડની ટેસ્ટમાં વિદેશમાં ૫૦૦થી વધુ રન એક ઇનિંગ્સમાં આપી દીધા હતા. એ મૅચ પછી ભારત સામે ટેસ્ટમાં ત્રણ વખત ૫૦૦થી વધુનો સ્કોર થયો છે જે ઇંગ્લૅન્ડે ૫૩૭ રન (રાજકોટ, ૨૦૧૬), ૫૭૮ રન (ચેન્નઈ, ૨૦૨૧) અને ગઈ કાલે મૅન્ચેસ્ટરમાં કર્યો હતો.
ADVERTISEMENT
ત્રીજા દિવસની રમતમાં ઇંગ્લૅન્ડે ૪૭મી ઓવરમાં ૨૨૫-૨ના સ્કોરથી પહેલી ઇનિંગ્સને આગળ વધારી હતી. જો રૂટે (૨૪૬ બૉલમાં ૧૫૦ રન) ત્રીજી વિકેટ માટે ઑલી પોપ (૧૨૮ બૉલમાં ૭૧ રન) સાથે ત્રીજી વિકેટ ૧૪૪ રનની ભાગીદારી અને કૅપ્ટન બેન સ્ટોક્સ (૧૩૪ બૉલમાં ૭૭ રન) સાથે પાંચમી વિકેટની ૧૪૨ રનની પાર્ટનરશિપ કરીને ટીમ માટે પહાડ જેવો સ્કોર ઊભો કર્યો હતો. ૧૧૭મી ઓવરની શરૂઆતમાં બેન સ્ટોક્સ સ્નાયુઓમાં ખેંચાણને કારણે રિટાયર્ડ-આઉટ થયો હતો જે તેની ઇન્ટરનૅશનલ કરીઅરની પહેલી ઘટના હતી. આજે તે લિયામ ડૉસન (બાવન બૉલમાં ૨૧ રન) સાથે ઇનિંગ્સને આગળ વધારશે.
લંચ બાદ ૭૭ અને ૮૧મી ઓવર દરમ્યાન યંગ સ્પિનર વૉશિંગ્ટન સુંદરે (૫૭ રનમાં બે વિકેટ) બે મોટી વિકેટ લઈને ટીમને રાહત આપી હતી, પણ ત્યાર બાદની વિકેટ પડવાની શરૂઆત ૧૨૦મી ઓવરમાં શરૂ થઈ હતી. સ્પિનર રવીન્દ્ર જાડેજા (૧૧૭ રનમાં બે વિકેટ) સહિત ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ (૧૧૩ રનમાં એક વિકેટ), જસપ્રીત બુમરાહ (૯૫ રનમાં એક વિકેટ) અને અંશુલ કમ્બોજ (૮૯ રનમાં એક વિકેટ)ને આ પહેલી ઇનિંગ્સમાં સફળતા મળી છે. માત્ર ફાસ્ટ બોલર શાર્દૂલ ઠાકુર (પંચાવન રનમાં ઝીરો) વિકેટલેસ રહ્યો હતો.
૭૭ વર્ષ બાદ ઇંગ્લૅન્ડના ટૉપ ફોર બૅટરે એકસાથે ૭૦+ રન કર્યા
ઇંગ્લૅન્ડના ટૉપ ફોર બૅટર ઝૅક ક્રૉલી (૮૪ રન), બેન ડકેટ (૯૪ રન), ઑલી પોપ (૭૧ રન) અને જો રૂટ (૧૫૦ રન)એ એકસાથે એક ઇનિંગ્સમાં ૭૦ પ્લસ રનનો સ્કોર કર્યો છે. ૭૭ વર્ષ બાદ ઇંગ્લૅન્ડની ટીમ માટે ટૉપ ફોર બૅટર્સે આ કમાલ કરી છે. આ પહેલાં વર્ષ ૧૯૨૬માં લૉર્ડ્સમાં અને ૧૯૪૮માં લીડ્સમાં ઑસ્ટ્રેલિયન ટીમ સામે આ રેકૉર્ડ થયો હતો.
૨૧મી સદીમાં બેન સ્ટોક્સે કૅપ્ટન તરીકે કરી આ કમાલ
એક ટેસ્ટમાં પાંચ વિકેટ અને ફિફ્ટી ફટકારનાર ઇંગ્લૅન્ડનો ત્રીજો કૅપ્ટન બેન સ્ટોક્સ બન્યો છે. ઇંગ્લૅન્ડના કૅપ્ટન તરીકે ૨૧મી સદીમાં આ પહેલો બનાવ છે. આ પહેલાં વર્ષ ૧૯૦૫માં સ્ટેનલી જેક્સન અને વર્ષ ૧૯૩૬માં ગબ્બી એલને આ કમાલ કરી હતી. બન્નેએ ઑસ્ટ્રેલિયા સામે આ રેકૉર્ડ કર્યો હતો.
50
ઇંગ્લૅન્ડમાં આટલી ટેસ્ટ વિકેટ લેનાર ઇશાન્ત શર્મા (૫૧ વિકેટ) બાદ બીજો ભારતીય બોલર બન્યો જસપ્રીત બુમરાહ.


