રિટાયરમેન્ટ પાછું ખેંચવાનો નિર્ણય યોગ્ય ઠરાવ્યો ઃ ૧૮૨ રન બ્રિટિશ બૅટર્સમાં સૌથી વધુ, વિવ રિચર્ડ્સનો ૧૮૯ રનનો વિશ્વવિક્રમ ન તોડી શક્યો
બેન સ્ટોક્સ
ટેસ્ટ-કૅપ્ટન બેન સ્ટોક્સે (૧૮૨ રન, ૧૨૪ બૉલ, ૯ સિક્સર, ૧૫ ફોર) બુધવારે લંડનના ઓવલમાં ન્યુ ઝીલૅન્ડ સામેની ત્રીજી વન-ડેમાં ધમાકેદાર પર્ફોર્મન્સથી ઇંગ્લૅન્ડને જિતાડવાની સાથે અનેક વિક્રમો પણ બનાવ્યા હતા. ઇંગ્લૅન્ડે સ્ટોક્સના રેકૉર્ડ-બ્રેક ૧૮૨ રન ઉપરાંત ડેવિડ મલાનના ૯૬ રનની મદદથી ૩૬૮ રન બનાવ્યા હતા. કિવી લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે પાંચ વિકેટ અને બીજી વન-ડે રમનાર બીજા લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર બેન લિસ્ટરે ત્રણ વિકેટ લીધી હતી. ન્યુ ઝીલૅન્ડ એકમાત્ર ગ્લેન ફિલિપ્સ (૭૨ રન, ૭૬ બૉલ, બે સિક્સર, પાંચ ફોર)ની હાફ સેન્ચુરીને કારણે ફક્ત ૧૮૭ રનના સ્કોરે ઑલઆઉટ થઈ ગયું હતું અને બ્રિટિશ ટીમનો ૧૮૧ રનથી વિજય થયો હતો.
આ મૅચમાં બેન સ્ટોક્સ સુપરસ્ટાર હતો. તેને વર્લ્ડ કપ પહેલાં જ વન-ડે ક્રિકેટનું રિટાયરમેન્ટ પાછું ખેંચી લેવા મનાવવામાં આવ્યો એ પ્રયાસ જરાય વ્યર્થ નથી ગયો. તેના ૧૮૨ રન હવે ઇંગ્લૅન્ડ વતી વન-ડે રમી ચૂકેલા તમામ બૅટર્સમાં સર્વશ્રેષ્ઠ છે. તેણે ઓપનર જેસન રૉયનો ૧૮૦ રન (૨૦૧૮માં મેલબર્નમાં ઑસ્ટ્રેલિયા સામે)નો પાંચ વર્ષ જૂનો વિક્રમ તોડ્યો છે.
ADVERTISEMENT
વન-ડે મૅચમાં ચોથા નંબરે કે નીચલા ક્રમે બૅટિંગ કરનાર વિશ્વના તમામ બૅટર્સમાં હવે સ્ટોક્સના ફક્ત ૧૨૪ બૉલમાં બનેલા ૧૮૨ રન બીજા નંબરે છે. તેણે કિવી બૅટર રૉસ ટેલરના ૧૪૭ બૉલમાં બનેલા અણનમ ૧૮૧ રન (૨૦૧૮માં ઇંગ્લૅન્ડ સામે)ને પાર કર્યા છે. વેસ્ટ ઇન્ડીઝના મહાન બૅટર વિવિયન રિચર્ડ્સે ૧૭૦ બૉલમાં બનાવેલા અણનમ ૧૮૯ રન (૧૯૮૪માં ઇંગ્લૅન્ડ સામે) આ લિસ્ટમાં સર્વોત્તમ છે.
84
બેન સ્ટોક્સે બુધવારે મિડવિકેટના એરિયામાં કુલ આટલા રન આઠ ફોર અને પાંચ સિક્સરની મદદથી બનાવ્યા હતા.
ડેવિડ મલાન સતત સારું રમી રહ્યો છે. પ્લેયર તરીકે તેનામાં અનેક ગુણ છે. મેં તેની સાથેની બૅટિંગ ખૂબ એન્જૉય કરી. : બેન સ્ટોક્સ
બોલ્ટે હેડલીનો રેકૉર્ડ તોડ્યો
કિવી બોલર્સમાં સૌથી વધુ પાંચ વિકેટની સિદ્ધિ છઠ્ઠી વાર મેળવી : ફ્રીલાન્સ પ્લેયર બનવા બદલ ખૂબ ખુશ છે
ઓવલમાં બુધવારે ઇંગ્લૅન્ડ સામે ન્યુ ઝીલૅન્ડનો ૧૮૧ રનના તોતિંગ માર્જિનથી પરાજય થયો, પણ એમાં પાંચ વિકેટની વિક્રમજનક સિદ્ધિથી ન્યુ ઝીલૅન્ડનો લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર ટ્રેન્ટ બૉલ્ટ (૯.૧-૦-૫૧-૫) પોતાના પર્ફોર્મન્સથી સંતુષ્ટ હતો. એનાં બે કારણ હતાં. એક, તેણે પોતાના જ દેશના મહાન ફાસ્ટ બોલર સર રિચર્ડ હેડલીનો એક વિક્રમ તોડ્યો હતો અને ફ્રીલાન્સ ક્રિકેટર તરીકે પોતે વધુ સારું પર્ફોર્મ કરી રહ્યો છે એવી તેને હવે ખાતરી થઈ રહી છે. બોલ્ટે બુધવારે છઠ્ઠી વખત વન-ડેમાં પાંચ કે વધુ વિકેટની સિદ્ધિ મેળવી. બુધવાર પહેલાં કિવી વન-ડે બોલર્સમાં હેડલીના પાંચ કે વધુ વિકેટના પાંચ પર્ફોર્મન્સિસ સર્વશ્રેષ્ઠ હતા. હેડલી ૭૨ વર્ષના છે. તેઓ ૧૯૭૩થી ૧૯૯૦ દરમ્યાન ૧૧૫ વન-ડે રમ્યા હતા. બોલ્ટ ગયા વર્ષે પાકિસ્તાન સામે ટી૨૦ વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં રમ્યા પછી ન્યુ ઝીલૅન્ડ સામે નહોતો રમ્યો. છેક તાજેતરમાં પાછો કિવી ટીમ વતી રમી રહ્યો છે. ગયા વર્ષે તેણે ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડ સાથેનો સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ રિન્યુ નહોતો કર્યો. જોકે આવતા મહિને ભારતમાં રમનારા વર્લ્ડ કપ માટેની ટીમમાં તેને રમાડવો જરૂરી બનતાં ક્રિકેટ બોર્ડે તેને ઇંગ્લૅન્ડ સામેની સિરીઝમાં પણ સમાવ્યો છે. ટૂંકમાં કહીએ તો, તે હવે ફ્રીલાન્સ ક્રિકેટર તરીકે ન્યુ ઝીલૅન્ડ વતી રમી રહ્યો છે. તે આઇપીએલ સહિત ઘણી લીગ ટુર્નામેન્ટમાં પણ ચમક્યો છે. બુધવારે ટ્રેન્ટ બોલ્ટે જૉની બેરસ્ટૉ, (૦), ડેવિડ મલાન (૯૬), જો રૂટ (૪), સૅમ કરૅન (૩) અને ગસ ઍટ્કિન્સન (૨)ની વિકેટ લીધી હતી.