ટૂંક સમયમાં તે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ધૂમ મચાવવા લાગ્યો. મેં આ વિકેટકીપરની ભૂમિકા થોડા સમય માટે ભજવી જેમ કે કોઈ ફિલ્મમાં મહેમાન ભૂમિકા
મહેન્દ્ર સિંહ ધોની, દિનેશ કાર્તિક
ટીમ ઇન્ડિયામાં મહેન્દ્ર સિંહ ધોનીની એન્ટ્રી બાદ કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો એનો ખુલાસો ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકે હાલમાં કર્યો છે. કાર્તિકે વર્ષ ૨૦૦૪માં ધોનીના ડેબ્યુના ત્રણ મહિના પહેલાં ભારત માટે રમવાનું શરૂ કર્યું, પણ ધોની વિકેટકીપર-બૅટર તરીકે સેટ થઈ ગયો ત્યારે કાર્તિકને ટીમમાં સ્થાન મેળવવામાં સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો.
તેણે કહ્યું કે ‘એ સમયે કેન્યામાં ઇન્ડિયા-A ટીમ માટે ધોની શાનદાર શૉર્ટ મારી રહ્યો હતો. કેટલાક લોકોએ તેની સરખામણી લાંબી સિક્સર મારવા માટે જાણીતા વેસ્ટ ઇન્ડીઝના ગૅરી સોબર્સ સાથે કરી હતી. ટીમ ઇન્ડિયામાં જ્યારે રેગ્યુલર વિકેટકીપર રાહુલ દ્રવિડે બૅટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું ત્યારે ધોનીએ એ ભૂમિકા પર શાનદાર પ્રદર્શન કરીને બધાને સંપૂર્ણપણે પ્રભાવિત કર્યા. ટૂંક સમયમાં તે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ધૂમ મચાવવા લાગ્યો. મેં આ વિકેટકીપરની ભૂમિકા થોડા સમય માટે ભજવી જેમ કે કોઈ ફિલ્મમાં મહેમાન ભૂમિકા.’
ADVERTISEMENT
દિનેશ કાર્તિકે વધુમાં કહ્યું કે ‘ટીમમાં આવી વ્યક્તિની એન્ટ્રીથી તમારે પોતાની જાતને પૂછવું પડે છે કે મારામાં શ્રેષ્ઠતા લાવવા માટે હું શું કરી શકું? એથી હું કાચિંડા જેવો બની ગયો. જો ટીમ ઇન્ડિયામાં ઓપનિંગ કે મિડલ ઑર્ડરની કોઈ જગ્યા ખાલી થાય તો હું ડોમેસ્ટિક ટીમમાં જઈને એ સ્થાન પર બૅટિંગ કરવાની વિનંતી કરી ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી કરવાનો રસ્તો શોધતો હતો, પરંતુ મારા માટે ખરો પડકાર એ બૅટિંગ-પોઝિશન પર જળવાઈ રહેવાનો હતો. હું મારી જાત પર એટલું પ્રેશર કરતો હતો કે ક્યારેક હું એ સ્થાન સાથે ન્યાય કરી શકતો નહોતો જેની ખરેખર જરૂર હતી. મેં સતત એવાં કામ કર્યાં જે મોટા ભાગના પ્લેયર્સ માટે અસ્વસ્થતાભર્યાં હતાં; જેમ કે મારી કરીઅરનાં છેલ્લાં પાંચ વર્ષમાં છઠ્ઠા કે સાતમા નંબર પર બૅટિંગ કરવી, પરંતુ મેં એ ભૂમિકા સ્વીકારી અને એમાં સફળ થવા માટે મારી શક્તિનો ઉપયોગ કર્યો. ધોનીએ મને ઘણું શીખવ્યું. ઘણી બાબતો સીધી રીતે સ્પષ્ટ નહોતી, પરંતુ અત્યંત પ્રભાવશાળી હતી.’


