Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ચેન્નઈએ સતત ૧૪ હાર પછી ૮ વર્ષે ૧૮૦+ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો

ચેન્નઈએ સતત ૧૪ હાર પછી ૮ વર્ષે ૧૮૦+ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો

Published : 11 May, 2026 02:57 PM | IST | Chennai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જૉશ ઇંગ્લિસની ૧૭ બૉલની ફિફ્ટીથી લખનઉએ ૨૦૪ રનનો ટાર્ગેટ આપ્યો હતો, ચેન્નઈએ ઉર્વિલ પટેલની ૧૩ બૉલની ફિફ્ટીના આધારે ૪ બૉલ પહેલાં જીત મેળવી

લખનઉના કૅપ્ટન રિષભ પંતની વિકેટ લઈને આક્રમક ઉજવણી કરતો ચેન્નઈનો જેમી ઓવરટન, ત્રણ વિકેટ લઈને તે પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.

લખનઉના કૅપ્ટન રિષભ પંતની વિકેટ લઈને આક્રમક ઉજવણી કરતો ચેન્નઈનો જેમી ઓવરટન, ત્રણ વિકેટ લઈને તે પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.


IPL 2026ની ૫૪મી મૅચમાં ગઈ કાલે ચેન્નઈ સુપર કિંગ્સે ચેપૉક સ્ટેડિયમમાં પાંચ વિકેટે જીત મેળવી હતી. લખનઉએ ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને ૨૦૩ રન કર્યા હતા. જવાબમાં ચેન્નઈએ ૧૯.૨ ઓવરમાં પાંચ વિકેટે ૨૦૮ રન કરીને ૨૦૪ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ચેન્નઈએ છેલ્લે એપ્રિલ ૨૦૧૮માં બૅન્ગલોર સામે ૧૮૦ પ્લસ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. એ સમયે ચેન્નઈએ યજમાન બૅન્ગલોરનો ૨૦૬ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ત્યાર બાદ ૮ વર્ષથી ચેન્નઈ સતત ૧૪ મૅચ હાર્યું છે. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર લખનઉએ ૩.૪ ઓવરમાં પોતાની ફાસ્ટેસ્ટ ટીમ ફિફટી પૂરી કરી હતી. ટીમે પ્લેઑફનો પોતાનો હાઇએસ્ટ ૯૧-૧નો સ્કોર પણ નોંધાવ્યો હતો. ઓપનર જૉશ ઇંગ્લિસે ચેપૉક સ્ટેડિયમની ફાસ્ટેસ્ટ ૧૭ બૉલની IPL ફિફટી નોંધાવ્યા બાદ ૨૫૭.૫૮ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૧૦ ફોર અને ૬ સિક્સની મદદથી ૩૩ બૉલમાં ૮૫ રન કર્યા હતા. ઑલરાઉન્ડર શાહબાઝ અહમદે ૩ ફોર અને ૩ સિક્સની મદદથી ૨૫ બૉલમાં ૪૩ રન કર્યા હતા. ચેન્નઈ માટે અનુભવી ફાસ્ટ બોલર જેમી ઓવરટને ૪ ઓવરમાં ૩૬ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. યંગ ફાસ્ટ બોલર અંશુલ કમ્બોજને બે વિકેટ અને સ્પિનર નૂર અહમદને એક વિકેટ મળી હતી. ૨૦૪ રનના ટાર્ગેટના રન-ચેઝ દરમ્યાન સંજુ સૅમસને ૧૪ બૉલમાં ૨૮ રન અને ઋતુરાજ ગાયકવાડે ૨૮ બૉલમાં ૪૨ રન કરીને શાનદાર શરૂઆત અપાવી હતી. ત્રીજા ક્રમે રમવા આવેલા ઉર્વિલ પટેલે ૨૩ બૉલમાં ૬૫ રન ઝૂડીને ૧૦ ઓવરમાં ચેન્નઈનો સ્કોર ૧૩૧-૨ સુધી પહોંચાડ્યો હતો. પહેલી ૧૦ ઓવરમાં ચેન્નઈનો આ હાઇએસ્ટ સ્કોર હતો. કાર્તિક શર્માએ ૨૦ બૉલમાં ૨૦ રન, શિવમ દુબેએ ૭ બૉલમાં ૧૫ રન અને પ્રશાંત વીરે ૧૨ બૉલમાં ૧૮ રન કરીને ચાર બૉલ પહેલાં ટાર્ગેટ ચેઝ કરવામાં મદદ કરી હતી. લખનઉ માટે સ્પિનર્સ દિગ્વેશ રાઠી અને શાહબાઝ અહમદે બે-બે વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર આવેશ ખાનને એક સફળતા મળી હતી. 

ઉર્વિલ પટેલે મધર્સ ડે પર ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારીને પપ્પાના નામની ચબરખી દેખાડી




લખનઉ સામે ચેન્નઈના ૨૭ વર્ષના ઉર્વિલ પટેલે ૨૮૨.૬૧ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને બે ફોર અને ૮ સિક્સની મદદથી ૬૫ રન કર્યા હતા. સાતમી IPL મૅચમાં પહેલી ફિફ્ટી ફટકાર્યા બાદ ડગઆઉટ તરફ નમસ્કાર કર્યા બાદ તેણે એક ચબરખી કૅમેરા તરફ દેખાડી હતી. આ ચબરખીમાં તેણે પપ્પા માટે એક વાક્ય અંગ્રેજીમાં લખ્યા બાદ દેવી-દેવતાઓનાં નામ ગુજરાતીમાં લખ્યાં હતાં. તેણે એમાં લખ્યું હતું, ‘ધિસ ઇઝ ફૉર યુ પાપા. સિદ્ધિ, જોગણી, ચેહર, ગોગા, સિકોતર માના આશીર્વાદથી.’

તોફાની બૅટિંગથી આ રેકૉર્ડ કર્યા મહેસાણાના ઉર્વિલ પટેલે


IPLમાં ઉર્વિલ પટેલે ફાસ્ટેસ્ટ ૧૩ બૉલમાં ફિફ્ટી ફટકારવાના મામલે યશસ્વી જાયસવાલની બરાબરી કરી છે. યશસ્વીએ ૨૦૨૩માં રાજસ્થાન તરફથી કલકત્તા સામે ૧૩ બૉલમાં ફિફ્ટી ફટકારી હતી. IPL ઇનિંગ્સના પહેલા ૮ બૉલમાં ૬ સિક્સ ફટકારનાર તે પ્રથમ બૅટર બન્યો છે. ૮ બૉલમાં જ તેણે રેકૉર્ડ ૪૧ રન ઝૂ઼ડી નાખ્યા હતા. IPL ઇનિંગ્સના પહેલા ૧૦ બૉલમાં ઉર્વિલ પટેલે રેકૉર્ડ ૪૨ રન કર્યા હતા. અગાઉ ૨૦૧૫માં એ. બી. ડિવિલિયર્સે મુંબઈ સામે અને યશસ્વી જાયસવાલે ૨૦૨૩માં કલકત્તા સામે પહેલા ૧૦ બૉલમાં ૪૧ રન કર્યા હતા. 

ચેન્નઈ સુપર કિંગ્સમાં કૅપ્ટન્સીની માગણી ન કરવા વિશે મૌન તોડતાં સંજુ સૅમસને કહ્યું... જ્યારે તમે નવા ઘરમાં એન્ટ્રી કરો છો ત્યારે વધુપડતી ડિમાન્ડ ન કરવી જોઈએ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની સીઝન પહેલાં સંજુ સૅમસન ચેન્નઈ સુપર કિંગ્સમાં જોડાયો ત્યારથી ચર્ચા હતી કે ઋતુરાજ ગાયકવાડને બદલે તે કૅપ્ટન બનશે. જોકે રાજસ્થાન રૉયલ્સના આ ભૂતપૂર્વ કૅપ્ટને ટીમમાં ઓપનર અને વિકેટકીપર-બૅટર તરીકેની ભૂમિકામાં જ પોતાનું યોગદાન આપવાનો નિર્ણય કર્યો હતો. સુપર કિંગ્સ પૉડકાસ્ટમાં સંજુને પૂછવામાં આવ્યું હતું કે ‘ચેન્નઈ ટીમમાં આવીને કૅપ્ટન બનવાનો વિચાર તારા મનમાં ક્યારેય આવ્યો હતો? એનો જવાબ આપતાં સંજુ સૅમસને કહ્યું હતું કે ‘હું એક ટીમમાં કૅપ્ટન્સી છોડીને બીજી ટીમમાં જોડાઈ રહ્યો હતો એથી આવા સમયે મને ખરેખર કોઈ ડિમાન્ડ કરવાની ઇચ્છા નહોતી. જ્યારે તમે નવા ઘરમાં જવાનો પ્રયાસ કરો ત્યારે તમારે વધારે માગણી ન કરવાની હોય. તમે જ્યાં જાઓ છો ત્યાં તમારી યોગ્યતા સાબિત કરવાનો પ્રયાસ કરવાનો હોય.’ સંજુ સૅમસને વધુમાં કહ્યું હતું કે ‘જ્યારે કોઈ મલયાલી વ્યક્તિને પસંદ કરે છે ત્યારે મલયાલી તેના વિશ્વાસને સાચો પાડવા પોતાનો જીવ પણ આપી દે છે. ચેન્નઈએ મારા પર વિશ્વાસ મૂક્યો છે એથી હું મારું સંપૂર્ણ સર્વસ્વ આપવા તૈયાર છું.’ હાલમાં સૂર્યાના સ્થાને ભારતના આગામી T20 કૅપ્ટન બનવાની રેસમાં શ્રેયસ ઐયરની સાથે સંજુ સૅમસનનું નામ પણ ચર્ચામાં છે. 

ફૅન-બૉય તરીકે ધોનીનું સ્ટિકર ડાયરીમાં ચોંટાડતો હતો સંજુ

૩૧ વર્ષના સંજુ સૅમસને ૪૪ વર્ષના મહેન્દ્ર સિંહ ધોની સાથે જોડાયેલી યાદો વિશે ખુલાસો કરતાં પૉડકાસ્ટમાં કહ્યું હતું કે ‘હું જ્યારે ચોથા-પાંચમા ધોરણમાં હતો ત્યારે લાંબા વાળવાળો ધોની પાકિસ્તાન સામે સદી ફટકારીને છવાઈ ગયો હતો. ત્યારથી હું તેનો સૌથી મોટો ચાહક બન્યો હતો. પોસ્ટરો, મીડિયા અને જાહેરખબરોમાં ધોની જ દેખાતો. હું બૂસ્ટની બૉટલ ઘરે લાવતો અને એના પર લાગેલા સ્ટિકરમાંથી માહીનો ફોટો કાપીને મારી ડાયરીમાં ચોંટાડતો હતો. જોકે હવે હું ધોનીની સાથે બેસું છું, રમું છું અને તેની રૂમમાં જઈને કોઈ પણ સલાહ લઈ શકું છું.’

Whatsapp-channel Whatsapp-channel

11 May, 2026 02:57 PM IST | Chennai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK