લોકપ્રિય અભિનેત્રી ત્રિશા ક્રિષ્નનની. તેની હાજરીને લઈને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર મિશ્ર પ્રતિભાવ જોવા મળી રહ્યા છે
વિજયનાં મમ્મીને શપથવિધિ સમારોહમાં ભેટતી ત્રિશા ક્રિષ્નન.
વિજયે રવિવારે શપથ લીધા ત્યારે ચેન્નઈનું જવાહરલાલ નેહરુ ઇન્ડોર સ્ટેડિયમ અનેક દિગ્ગજોની હાજરીનું સાક્ષી બન્યું હતું. જોકે આ ભવ્ય સમારોહમાં સૌથી વધુ ચર્ચા જો કોઈની થઈ હોય તો એ છે લોકપ્રિય અભિનેત્રી ત્રિશા ક્રિષ્નનની. તેની હાજરીને લઈને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર મિશ્ર પ્રતિભાવ જોવા મળી રહ્યા છે.
ત્રિશા જ્યારે કડક સુરક્ષા વચ્ચે સ્ટેડિયમમાં પ્રવેશી ત્યારે હજારો સમર્થકો અને કૅમેરાની નજર તેના પર અટકી ગઈ હતી. ટૂંક સમયમાં જ X, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ત્રિશા ત્યાં કેમ છે જેવા પ્રશ્નો સાથે હૅશટૅગ ટ્રેન્ડ થવા લાગ્યા હતા. અનેક યુઝર્સે આટલા મોટા રાજકીય કાર્યક્રમમાં અભિનેત્રીની હાજરી સામે સવાલ ઉઠાવ્યા હતા, જ્યારે કેટલાક લોકો એને માત્ર અંગત હાજરી ગણાવી રહ્યા છે.
સોશ્યલ મીડિયા પર કેટલાક લોકોએ દલીલ કરી હતી કે આ એક ગંભીર રાજકીય કાર્યક્રમ છે, જેમાં અભિનેત્રીની હાજરી બિનજરૂરી લાગે છે. આ મુદ્દે અનેક મીમ્સ અને એડિટ કરેલા વિડિયો પણ વાઇરલ થયાં છે.
ADVERTISEMENT
બીજી તરફ વિજય અને ત્રિશાના ચાહકોએ તેનો બચાવ કરતાં કહ્યું હતું કે ‘બન્ને કલાકારો વચ્ચે વર્ષોજૂની મિત્રતા છે અને તેમણે અનેક સુપરહિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આવા મહત્ત્વના પ્રસંગે કોઈ જૂના મિત્ર કે સહકલાકારની હાજરી સ્વાભાવિક છે.’
વિજયની પત્નીએ માર્ચમાં છૂટાછેડાની અરજી કરી હતી
વિજયના શપથગ્રહણ સમારોહમાં તેમનાં પત્ની સંગીતા તથા બે બાળકો જેસન અને દિવ્યાની ગેરહાજરી નોંધનીય હતી. સંગીતાએ માર્ચમાં વિજય પર વ્યભિચારનો આરોપ મૂકીને ડિવૉર્સની અરજી ફાઇલ કરી હતી. આ અરજીમાં સંગીતાએ કહ્યું હતું કે વિજયના એક ઍક્ટ્રેસ સાથે લગ્નબાહ્ય સંબંધ છે. આ ઍક્ટ્રેસ ત્રિશા ક્રિષ્નન હોવાનું કહેવાય છે.
