ખરેખર તો ૨૦૧૪માં ઓપનર ફિલ હ્યુઝનું માથા પર બૉલ વાગ્યા બાદ મૃત્યુ થયું એને પગલે નેકગાર્ડ (સ્ટેમગાર્ડ) પહેરવાની ક્રિકેટર્સને સલાહ આપવામાં આવતી હતી

ફાઇલ તસવીર
ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે પોતાના તમામ ક્રિકેટર્સ માટે નવો નિયમ બનાવ્યો છે જેમાં તેમણે ડોમેસ્ટિક ક્રિકેટ તથા ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં રમતા તમામ ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ માટે નેકગાર્ડ પહેરવું ફરજિયાત કરી નાખ્યું છે. આ નિયમ પહેલી ઑક્ટોબરથી અમલમાં આવી રહ્યો છે.
ખરેખર તો ૨૦૧૪માં ઓપનર ફિલ હ્યુઝનું માથા પર બૉલ વાગ્યા બાદ મૃત્યુ થયું એને પગલે નેકગાર્ડ (સ્ટેમગાર્ડ) પહેરવાની ક્રિકેટર્સને સલાહ આપવામાં આવતી હતી. ગયા અઠવાડિયે સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર કૅગિસો રબાડાનો બૉલ બૅટર કૅમેરન ગ્રીનને ગરદન પર વાગ્યો અને કંકશન તરીકે ઓળખાતી આ ઈજાને પગલે તેણે એ દાવમાં બૅટિંગ છોડી દીધી ત્યાર બાદ ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ સત્તાધીશોએ પોતાના તમામ ખેલાડીઓ માટે હેલ્મેટ સાથે જોડાયેલું નેકગાર્ડ ફરજિયાત બનાવ્યું છે.
જોકે સ્ટીવ સ્મિથ, ડેવિડ વૉર્નર અને ઉસ્માન ખ્વાજા નેકગાર્ડ પહેરવાની વિરુદ્ધમાં રહ્યા છે. જોકે હવે ફરજિયાત બનાવાતાં તેમણે પહેરવું જ પડશે. વૉર્નરે થોડાં વર્ષ પહેલાં જાહેરમાં કહ્યું હતું કે ‘હું નેકગાર્ડ ક્યારેય નહીં પહેરું. મેં નેકગાર્ડ પહેર્યું હોય અને જો હું માથું ફરાવું તો એ ગાર્ડને કારણે પૂરું ફરાવી નથી શકતો. નેકગાર્ડને કારણે મારી ગરદનની મૂવમેન્ટ પર પણ અસર થાય છે.’