છેલ્લા ત્રણ વખતથી ઑસ્ટ્રેલિયા બૉર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી શક્યું નથી તો ભારત માટે ડબ્લ્યુટીસીમાં સ્થાન મેળવવા આ ટેસ્ટ સિરીઝ જીતવી મહત્ત્વની
કોની થશે આ ટ્રોફી? નાગપુરમાં ભારતીય કૅપ્ટન રોહિત શર્મા અને ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન પૅટ કમિન્સ.
બૉર્ડર-ગાવસકર ટ્રોફી માટે ચાર ટેસ્ટ મૅચની સિરીઝની પહેલી મૅચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ અસોસિએશનના સ્ટેડિયમમાં રમાશે. ઑસ્ટ્રેલિયા ૨૦૦૪થી ભારતમાં કોઈ પણ સિરીઝ જીતી શક્યું નથી. જોકે ઑસ્ટ્રેલિયા માટે સૌથી વધુ આધાતજનક હકીકત એ છે કે બૉર્ડર-ગાવસ્કર સિરીઝની છેલ્લી ત્રણ એડિશન ભારત જીત્યું છે એ પણ ઑસ્ટ્રેલિયામાં જ. ભારત છેલ્લે ઑસ્ટ્રેલિયા સામે ૨૦૧૪-૧૫માં હાર્યું હતું. આમ આ સિરીઝ જીતીને ઑસ્ટ્રેલિયા હિસાબ ચૂકતે કરવા માગશે.
પડકારજનક પ્રવાસ
ADVERTISEMENT
ઑસ્ટ્રેલિયાને એવું લાગે છે કે એમને હરાવવા માટે ભારત ચારેય મેદાનોમાં સ્પિનરોને મદદગાર સાબિત થાય એવી પિચો બનાવશે. વળી સૌથી ખરાબ હાલત થવાની શરૂઆત નાગપુરથી શરૂ થશે. મૅચની પૂર્વ સંધ્યાએ ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન પૅટ કમિન્સ મીડિયા સાથે વાતચીત કરવા માટે આવ્યો ત્યારે મોટા ભાગની વાતચીત સ્પિનિંગ ટ્રક, સૂકી પિચ તેમ જ છેલ્લા બે દાયકાથી ટીમ માટે ભારતમાં સિરીઝ જીતવી કેટલી પડકારજનક હતી એની આસપાસ જ હતી. કમિન્સે કહ્યું હતું કે અમને ખબર છે કે ભારતમાં પ્રવાસ પડકારજનક છે. એ ઘરઆંગણે એક મજબૂત ટીમ છે. અમે અમારી શ્રેષ્ઠ રમત રમીશું.’
ફાસ્ટ બોલરો પર નિર્ભર
ઑસ્ટ્રેલિયાએ પણ એની ટીમમાં ચાર સ્પિનરોનો સમાવેશ કર્યો છે, જેમાં ટોડ મર્ફીનો સમાવેશ થાય છે. જોકે સૌથી વધુ આશા નૅથન લાયન પર હશે. તેનો ભારતમાં સ્ટ્રાઇક રેટ સારો રહ્યો છે. જોકે ઑસ્ટ્રેલિયા એના ફાસ્ટ બોલરો પર જ વધુ નિર્ભર છે. નાગપુર ટેસ્ટમાં તેઓ બે અથવા ત્રણ સ્પિનરો સાથે મેદાનમાં ઊતરશે એ વિશે કોઈ ફોડ પાડ્યો નહોતો. સાઉથ આફ્રિકા સામેની સિડની ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલો જોસ હેઝલવુડ સંપૂર્ણપણે સાજો ન થતાં ઑસ્ટ્રેલિયાની હાલત ખરાબ થઈ છે. ઈજાગ્રસ્ત થયેલા ઑલરાઉન્ડર કૅમરોન ગ્રીનના સ્થાને મૅથ્યુ રેનશોને રમાડવામાં આવશે. જો ઑસ્ટ્રેલિયા ત્રણ ફાસ્ટરો સાથે ઊતરવાનું નક્કી કરશે તો કમિન્સ સાથે સ્કૉટ બોલૅન્ડ અને લાન્સ મોરિસને તક અપાશે. લાયન સાથે બીજો સ્પિનર કોઈ હશે એનો ફોડ પાડવામાં આવ્યો નથી.
આ પણ વાંચો : ભારત ૪-૦થી જીતશે : શાસ્ત્રી
કુલદીપ કે અક્ષર?
ભારત માટે આ સિરીઝ જીતવી જરૂરી છે, તો જ તે વર્લ્ડ ટેસ્ટ-ચૅમ્પિયનશિપની ફાઇનલમાં સ્થાન મેળવી શકશે. ઑસ્ટ્રેલિયા પોતાનું સ્થાન પાકું કરી ચૂક્યું છે. ભારતે આ સિરીઝ ૨-૦ અથવા તો ૩-૦થી જીતવી પડશે. રોહિત શર્માએ આ મુદ્દાને મહત્ત્વ ન આપતાં કહ્યું હતું કે ‘હાલ અમે માત્ર નાગપુર ટેસ્ટ વિશે જ વિચાર રહી રહ્યા છે. ડ્રેસિંગ રૂમમાં પણ ટેસ્ટ ચૅમ્પિયનશિપને લઈને કોઈ વાતચીત થતી નથી.’ ભારત માટે પણ ચાર પૈકી કયા ત્રણ સ્પિનરોને રમાડવા એ મામલે ચર્ચા ચાલી રહી છે. રવિચન્દ્રન અશ્વિન સાથે ફિટ થયેલા જાડેજાને ભારત રમાડશે. એથી કુલદીપ કે અક્ષર પૈકી કોને તક આપશે એની ખબર આજે ટૉસ પહેલાં પડશે. રિષભ પંતને બદલે કેએસ ભરત અથવા ઈશાન કિશનને લઈને પણ ચર્ચા ચાલી રહી છે. પિચ સૂકી દેખાય છે એ જ બીજા દિવસના અંત સુધી સ્પિનરો માટે મદદગાર બનશે. બીજી તરફ ઑસ્ટ્રેલિયાને લાગે છે પહેલા દિવસથી સ્પિનરોને મદદગાર સાબિત થશે.
43
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે કુલ ૧૦૨ ટેસ્ટ રમાઈ છે જે પૈકી ઑસ્ટ્રેલિયા આટલી ટેસ્ટ જીત્યું છે તો ભારત ૩૦ જીત્યું છે, ૨૮ મૅચ ડ્રૉ અને એક ટાઇ થઈ છે.
4
જામથાના મેદાનમાં ભારત કુલ છ પૈકી આટલી ટેસ્ટ જીત્યું છે.
કોણ રમશે ફાઇનલ ઇલેવનમાં?
સંભવિત ભારતીય ટીમ : રોહિત શર્મા (કૅપ્ટન), લોકેશ રાહુલ (વાઇસ કૅપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએસ ભરત, ઈશાન કિશન, રવિચન્દ્ર અશ્વિન, અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ અને સૂર્યકુમાર યાદવ
સંભવિત ઑસ્ટ્રેલિયન ટીમ : પૅટ કમિન્સ (કૅપ્ટન), સ્ટીવ સ્મિથ (વાઇસ કૅપ્ટન), એશ્ટન અગર, સ્કૉટ બોલૅન્ડ, એલેક્સ કૅરી, કૅમરોન ગ્રીન, પીટર હૅન્ડ્સકૉમ્બ, જાશ હૅઝલવુડ, ટ્રૅવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લબુશૅન, નૅથન લાયન, લાન્સ મોરિસ, ટોડ મર્ફી, મૅથ્યુ રેનશો, મિશેલ સ્વેપ્શન અને ડેવિડ વૉર્નર
ઓવલમાં રમાશે ડબ્લ્યુટીસી ફાઇનલ
આઇસીસીએ ગઈ કાલે જાહેર કર્યું હતું કે ટોચની બે ટેસ્ટ ટીમો વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ ૭થી ૧૧ જૂન દરમ્યાન ઇંગ્લૅન્ડના ધ ઓવલ મેદાનમાં રમાશે. ૧૨મી જૂનનો દિવસ રિઝર્વ દિવસ હશે. ધ ઓવલમાં ૧૦૦ કરતાં વધુ ટેસ્ટ મૅચ રમાઈ ચૂકી છે. જૂનમાં આ મેદાનમાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના પૉઇન્ટ ટેબલમાં ટોચ પર રહેલી બે ટીમો વચ્ચે ટક્કર થશે. ટેસ્ટ ચૅમ્પિયનશિપની ટોચની બે ટીમોનો નિર્ણય ૨૪ સિરીઝ અને ૬૧ ટેસ્ટ મૅચ રમ્યા બાદ થશે. હાલ પ્રથમ ક્રમાંક પર ઑસ્ટ્રેલિયા તો બીજા ક્રમાંક પર ભારત છે.


