મળતી માહિતી અનુસાર ટેસ્ટ ક્રિકેટ રમતા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે બીસીસીઆઇ સૅલેરી સ્ટ્રક્ચર ફરીથી તૈયાર કરી શકે છે
રવીન્દ્ર જાડેજા
રોહિત ઍન્ડ કંપનીએ રાંચી ટેસ્ટમાં પાંચ વિકેટથી જીત મેળવીને ઇતિહાસ રચ્યો હતો. ભારતમાં ૧૭મી સિરીઝ જીતનાર ભારતીય ટીમને બીસીસીઆઇ તરફથી મોટી ભેટ મળી શકે છે. મળતી માહિતી અનુસાર ટેસ્ટ ક્રિકેટ રમતા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે બીસીસીઆઇ સૅલેરી સ્ટ્રક્ચર ફરીથી તૈયાર કરી શકે છે. જો કોઈ ખેલાડી એક કૅલેન્ડર વર્ષમાં તમામ ટેસ્ટ સિરીઝ રમે તો તેને કૉન્ટ્રૅક્ટ રિટેન્શન સાથે બોનસ મળશે. આઇપીએલ ૨૦૨૪ બાદ બીસીસીઆઇ આ સંદર્ભે નિર્ણય લઈ શકે છે. હાલમાં બીસીસીઆઇ ટેસ્ટ ક્રિકેટ રમનાર ક્રિકેટરને એક મૅચના ૧૫ લાખ, વન-ડે રમનાર ખેલાડીને ૬ લાખ અને ટી૨૦ રમનાર ખેલાડીને ૩ લાખ રૂપિયા આપે છે.
મોટા ભાગના યુવા ક્રિકેટરનું ધ્યાન હમણાં રણજી અને ટેસ્ટ ક્રિકેટથી હટીને આઇપીએલ જેવી ટી૨૦ ટુર્નામેન્ટમાં વધારે છે. રણજી ટ્રોફી જેવી ટુર્નામેન્ટ ભારતીય ક્રિકેટનો આધારસ્તંભ છે. યુવા ક્રિકેટર રણજી ટ્રોફીને નજરઅંદાજ ન કરે એવી સલાહ બીસીસીઇએ આપી હતી. રોહિત શર્માએ પણ રાંચી ટેસ્ટ બાદ જણાવ્યું કે જે ક્રિકેટરને ટેસ્ટ ક્રિકેટ રમવાની ભૂખ હશે તેને જ ભારતીય ટીમમાં સ્થાન મળશે.
ADVERTISEMENT
હિટમૅન બનશે નેક્સ્ટ ધોની
સુરેશ રૈનાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે રોહિત શર્મા નેક્સ્ટ એમએસ ધોની બનશે. તે ધોનીની જેમ જ યુવા ક્રિકેટર્સને રમવાની તક આપે છે. સૌરવ ગાંગુલી બાદ ધોનીએ પણ કૅપ્ટન તરીકે આ જ કામ કર્યું હતું અને હવે રોહિત શર્મા પણ સાચી દિશામાં ચાલીને શ્રેષ્ઠ કૅપ્ટન બનશે. ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં રોહિત શર્માએ સરફરાઝ, ધ્રુવ જુરેલ, આકાશદીપ અને રજત પાટીદરા જેવા યુવા ક્રિકેટરને રમવાની તક આપી હતી.
ડબ્લ્યુટીસીમાં જાડેજાએ રચ્યો ઇતિહાસ
રાંચીમાં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટની બે ઇનિંગ્સમાં જાડેજાએ ક્રમશ: ૧૨ અને ૪ રન બનાવ્યા હતા. જ્યારે બે ઇનિંગ્સ મળીને કુલ પાંચ વિકેટ લીધી હતી. રાંચી ટેસ્ટમાં પાંચ વિકેટ લઈને તેણે ૧૦૦ વિકેટ પૂરી કરી હતી. ૩૫ વર્ષનો ઑલરાઉન્ડર જાડેજા વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ૧૦૦૦ રન અને ૧૦૦ વિકેટ લેનાર દુનિયાનો પ્રથમ ક્રિકેટર બન્યો છે. તેણે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ૩૦ મૅચમાં ૧૫૩૬ રન બનાવ્યા છે અને ૧૦૦ વિકેટ લીધી છે.
શ્રેયસ ઐયર રણજી માટે ફિટ
મુંબઈ ક્રિકેટ અસોસિએશને આ વાતની પુષ્ટિ કરી છે કે શ્રેયસ ઐયર સેમી ફાઇનલમાં મુંબઈ તરફથી રમવા માટે ફિટ છે. શ્રેયસ ઐયર ખરાબ પ્રદર્શનને કારણે ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો હતો. તે કમરના દુખાવાનું કારણ આપીને રણજી ટ્રોફીથી દૂર રહ્યો હતો.