ઇનામી રકમ આર્થિક અને રાજકીય કટોકટીની અસર પામેલા શ્રીલંકાનાં અસરગ્રસ્ત બાળકો અને પરિવારોના લાભાર્થે દાનમાં આપી

ઑસ્ટ્રેલિયાના તમામ ક્રિકેટરોનું શ્રીલંકામાં ડોનેશન
ઑસ્ટ્રેલિયાના તમામ ક્રિકેટરોનું શ્રીલંકામાં ડોનેશન
ઑસ્ટ્રેલિયાની મેન્સ ક્રિકેટ ટીમે ગઈ કાલે જણાવ્યું હતું કે તાજેતરમાં તેમણે તમામ ત્રણેય ફૉર્મેટની સિરીઝ રમવા શ્રીલંકાનો જે પ્રવાસ કર્યો હતો એમાંથી ઊપજેલી ઇનામી રકમ આર્થિક અને રાજકીય કટોકટીની અસર પામેલા શ્રીલંકાનાં અસરગ્રસ્ત બાળકો અને પરિવારોના લાભાર્થે દાનમાં આપી દીધી છે. ટેસ્ટ કૅપ્ટન પૅટ કમિન્સ યુનિસેફ ઑસ્ટ્રેલિયાનો ઍમ્બૅસૅડર છે. તેણે તેમ જ લિમિટેડ ઓવર્સની શ્રેણી માટેની ટીમના સુકાની ઍરોન ફિન્ચ સહિતના ઑસ્ટ્રેલિયન ખેલાડીઓએ કુલ ૪૫,૦૦૦ ઑસ્ટ્રેલિયન ડૉલર (અંદાજે પચીસ લાખ રૂપિયા) ડોનેટ કર્યા છે.
રિયલ મૅડ્રિડનું ટાઇટલ, બેન્ઝેમાના ગોલ બીજા નંબરે
રિયલ મૅડ્રિડના કરીમ બેન્ઝેમાએ બુધવારે યુરોપિયન સુપર કપ ફુટબૉલ સ્પર્ધામાં નવો ઇતિહાસ રચ્યો હતો. રિયલ મૅડ્રિડે ફાઇનલમાં આઇનથ્રાથ ફ્રૅન્કફર્ટને ૨-૦થી હરાવીને ટાઇટલ જીતી લીધું હતું, બેન્ઝેમાએ ૬૫મી મિનિટમાં જે ગોલ કર્યો હતો એ રિયલ મૅડ્રિડ વતી તેનો ૩૨૪મો ગોલ હતો એ સાથે તે આ ક્લબના રાઉલ ગૉન્ઝાલેઝને પાછળ રાખીને ક્લબનો સેકન્ડ હાઇએસ્ટ સ્કોરર બન્યો હતો. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ૪૫૦ ગોલ સાથે આ લિસ્ટમાં મોખરે છે. રાઉલ હવે ૩૨૩ ગોલ સાથે ત્રીજા નંબરે છે. બુધવારની ફાઇનલમાં રિયલ મૅડ્રિડ વતી પ્રથમ ગોલ ડેવિડ અલાબાએ ૩૭મી મિનિટે કર્યો હતો.
મુરલી ડાયમન્ડ લીગમાં છેક છઠ્ઠે
યુરોપના મોનેકોમાં આયોજિત ડાયમન્ડ લીગની લૉન્ગ જમ્પની હરીફાઈમાં ભારતનો કૉમનવેલ્થ મેડલિસ્ટ મુરલી શ્રીશંકર બુધવારે ૭.૯૪ મીટરના પોતાના બેસ્ટ જમ્પ સાથે છઠ્ઠા સ્થાને આવ્યો હતો. તે ગયા અઠવાડિયે કૉમનવેલ્થ ગેમ્સમાં ઐતિહાસિક સિલ્વર મેડલ જીત્યો હતો. તે જુલાઈની વર્લ્ડ ઍથ્લેટિક્સમાં સાતમા નંબર પર રહ્યો હતો.