Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ૧૦૦મી ટેસ્ટમાં ૨૫મી સદી અને એ પણ ઐતિહાસિક ૨૦૦ રન!

૧૦૦મી ટેસ્ટમાં ૨૫મી સદી અને એ પણ ઐતિહાસિક ૨૦૦ રન!

Published : 28 December, 2022 02:26 PM | IST | Melbourne
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડેવિડ વૉર્નર ટેસ્ટની સેન્ચુરીમાં ડબલ સેન્ચુરી ફટકારનાર વિશ્વનો બીજો ખેલાડી બન્યો : ચાર દિવસ પહેલાં પત્રકારને કહ્યું હતું એવું જ રમ્યો : ઑસ્ટ્રેલિયાની ૧૯૭ની લીડ

ડેવિડ વૉર્નર

Australia Vs South Africa

ડેવિડ વૉર્નર


મેલબર્નમાં ગઈ કાલે બીજી ટેસ્ટના બીજા દિવસે ઑસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં ત્રણ વિકેટે ૩૮૬ રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકાના ૧૮૯ રન સામે યજમાન ટીમે ૧૯૭ રનની સરસાઈ લઈને મૅચ પર મજબૂત પકડ જમાવી હતી. રેકૉર્ડ મુજબ પચીસમી સેન્ચુરી નોંધાવનાર ઓપનર ડેવિડ વૉર્નર (૨૦૦ રિટાયર્ડ હર્ટ, ૨૫૪ બૉલ, બે સિક્સર, સોળ ફોર) ગઈ કાલનો સુપરહીરો હતો.

વૉર્નર કરીઅરની ૧૦૦મી ટેસ્ટમાં ૨૦૦ રન બનાવનાર વિશ્વનો બીજો જ ખેલાડી છે. ફેબ્રુઆરી ૨૦૨૧માં ચેન્નઈમાં ઇંગ્લૅન્ડનો જો રૂટ પોતાની ૧૦૦મી ટેસ્ટમાં ડબલ સેન્ચુરી (૨૧૮ રન) ફટકારનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો હતો. અગાઉ ૯ ક્રિકેટરે કરીઅરની ૧૦૦મી ટેસ્ટમાં સદી ફટકારવાની સિદ્ધિ મેળવી છે.



‘હાઉસિંગ કૉલોનીનો છોકરો જ છું’


વૉર્નરે ટેસ્ટ-ટીમમાં સ્થાન જાળવી રાખવાના માનસિક દબાણ વચ્ચે આ સિરીઝમાં રમવાની શરૂઆત કરી હતી. જોકે તેણે ચાર જ દિવસ પહેલાં espncricinfo.comને મુલાકાતમાં (બૅટ બતાવતાં) કહ્યું હતું કે ‘હું બહુ મોટી ઇનિંગ્સ રમવાનો છું. જૂનો વૉર્નર રમી રહ્યો હોય એવું પણ તમને લાગે તો નવાઈ ન પામતા. મને સાઉથ આફ્રિકાના બોલિંગ-આક્રમણનો કોઈ ડર નથી, કારણ કે નેટમાં તો હું દરરોજ વિશ્વના બેસ્ટ બોલિંગ-અટૅક સામે પ્રૅક્ટિસ કરતો હોઉં છું. હું હજી પણ પોતાને સિડનીના મેટ્રાવિલ વિસ્તારની હાઉસિંગ કૉલોનીનો છોકરો માનું છું. નાનપણથી હું જ્યારે પણ કોઈ સમસ્યાઓમાં ઘેરાયેલો હોઉં ત્યારે હરીફોને જોરદાર લડત આપતો હોઉં છું.’

સ્મિથ ૩૦મી સેન્ચુરી ચૂક્યો


સ્ટીવ સ્મિથ (૮૫ રન, ૧૬૧ બૉલ, એક સિક્સર, નવ ફોર) ગઈ કાલે ૩૦મી ટેસ્ટ-સદી ચૂકી ગયો હતો. જોકે તેણે મેલબર્નના મેદાન પર ૧૦૦૦ રન પૂરા કર્યા હતા. ટ્રેવિસ હેડ ૪૮ રને રમી રહ્યો હતો. આઇપીએલના તાજેતરના ઑક્શનનો સ્ટાર કૅમેરન ગ્રીન આંગળીની ઈજાને કારણે માત્ર ૬ રન બનાવીને પૅવિલિયનમાં જતો રહ્યો હતો, જ્યારે વિકેટકીપર ઍલેક્સ કૅરી ૯ રને રમી રહ્યો હતો. એક વિકેટ કૅગિસો રબાડાએ અને એક ઍન્રિક નૉર્કિયાએ લીધી હતી.

વૉર્નર ૨૦૦ રન બાદ ૯૯ ડિગ્રી ગરમી વચ્ચે રિટાયર હર્ટ

ડેવિડ વૉર્નર ગઈ કાલે મેલબર્નમાં ૯૯ ડિગ્રી ફૅરનહાઇટ ગરમી વચ્ચે ઐતિહાસિક ડબલ સેન્ચુરી પૂરી કરીને રાબેતા મુજબના સેલિબ્રેશનમાં ઊંચે કૂદ્યો ત્યારે તેના ડાબા પગના સ્નાયુઓ ખેંચાઈ ગયા હતા અને ઘૂંટણિયે બેસી પડ્યો હતો. તે રિટાયર હર્ટ થઈને મેડિકલ સ્ટાફના સભ્યોની મદદથી મેદાનની બહાર ગયો હતો. એ સમયે ૪૨,૦૦૦ પ્લસ પ્રેક્ષકોએ ઊભા થઈને તેને શાનદાર ઇનિંગ્સ બદલ અભિનંદન આપ્યાં હતાં. તસવીર એ.પી.

મેલબર્નના મેદાન પર સ્પાઇડર કૅમેરા વાગતાં નૉર્કિયા જમીન પર પટકાયો

મેલબર્નના એમસીજી પર ગઈ કાલે વિચિત્ર અને ભયજનક ઘટના બની હતી. સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર ઍન્રિક નૉર્કિયા બૅકવર્ડ સ્ક્વેર લેગ પર ફીલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે ૩૬૦ ડિગ્રી વ્યુ માટે મેદાનની ઉપર ફેરવવામાં આવી રહેલો સ્પાઇડર કૅમેરા (સ્પાઇડર કૅમ) તેને અચાનક ખભા પર વાગતાં તે જમીન પર પટકાયો હતો. સામાન્ય રીતે લાંબા વાયરથી બાંધેલો આ કૅમેરા બે ઓવરની વચ્ચેના સમય દરમ્યાન ખેલાડીઓને કોઈ પણ પ્રકારની પરેશાની ન થાય એ રીતે ફેરવવામાં આવે છે, પરંતુ ગઈ કાલે નૉર્કિયા એનો શિકાર થયો હતો. સદ્નસીબે તેને ગંભીર ઈજા નહોતી થઈ. તરત બધા ખેલાડીઓ અને સલામતી રક્ષકો તેની પાસે દોડી આવ્યા હતા.

ધમાકેદાર ઓપનિંગ બૅટર વૉર્નરના મૅજિક ફિગર્સ

(૧) ૩૬ વર્ષનો વૉર્નર ગઈ કાલે ૩૫૯ મિનિટ સુધી ક્રીઝ પર હતો.

(૨) ૨૦૦ રન (રિટાયર્ડ હર્ટ)ની ઇનિંગ્સમાં તેની બે સિક્સર અને સોળ ફોર તો હતી જ, તેણે ૬૩ રન સિંગલમાં બનાવ્યા હતા, ૧૪ વખત બે રન દોડીને લીધા હતા, ૭ વાર ત્રણ રન દોડીને બનાવ્યા હતા અને ત્રણ વખત ચાર રન દોડીને બનાવ્યા હતા.

(૩) તેણે ટેસ્ટ-ક્રિકેટમાં ૮૦૦૦ રન પૂરા કર્યા હતા. ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં તેણે ૧૭,૦૦૦ રન પૂરા કર્યા હતા અને ટોચના ઑસ્ટ્રેલિયન રન-સ્કોરર્સમાં પાંચમા નંબર પર છે.

(૪) ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં તેની કુલ ૪૫ સેન્ચુરી અને ૮૫ હાફ સેન્ચુરી છે.

42,614

ગઈ કાલે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડના સ્ટેડિયમમાં કુલ આટલા પ્રેક્ષકો હતા અને વૉર્નર રિટાયર હર્ટ થઈને પાછો આવી રહ્યો હતો ત્યારે તેને સ્ટૅન્ડિંગ ઑવેશન આપ્યું હતું.

239

ગઈ કાલે વૉર્નર અને સ્ટીવ સ્મિથ વચ્ચે ત્રીજી વિકેટ માટે આટલા રનની ભાગીદારી થઈ હતી. તેમણે ટીમના સ્કોરને ૭૫/૨ પરથી ૩૧૪/૩ સુધી પહોંચાડ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

28 December, 2022 02:26 PM IST | Melbourne | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK