સાઉથ આફ્રિકા પહેલા દાવમાં ફક્ત ૧૮૯ રનમાં ઑલઆઉટ : ઑસ્ટ્રેલિયાના ૧ વિકેટે ૪૫
ડેવિડ વૉર્નર (તસવીર એ.એફ.પી.)
ઑસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને બ્રિસબેનની પહેલી ટેસ્ટમાં માત્ર દોઢ દિવસમાં હરાવી દીધું અને ત્યાર બાદ ગઈ કાલે મેલબર્નમાં શરૂ થયેલી બીજી ટેસ્ટમાં મહેમાન ટીમને છેલ્લો દોઢ કલાક બાકી રહ્યો એ પહેલાં માત્ર ૧૮૯ રનમાં તંબુભેગી કરી દીધી હતી. ડીન એલ્ગરના સુકાનમાં સાઉથ આફ્રિકાને નબળી બૅટિંગની ચિંતા હજીયે સતાવી રહી છે. લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર માર્કો યેન્સેન (૫૯ રન) અને વિકેટકીપર કાઇલ વેરેઇન (બાવન રન)ની હાફ સેન્ચુરીને બાદ કરતાં બીજો કોઈ બૅટર ૩૦ રન સુધી નહોતો પહોંચી શક્યો.
તાજેતરમાં આઇપીએલ માટેના પ્લેયર્સ ઑક્શનમાં મુંબઈ ઇન્ડિયન્સે ૧૭.૫૦ કરોડ રૂપિયાના સેકન્ડ-હાઇએસ્ટ ભાવે ખરીદેલા ૨૩ વર્ષના ઑલરાઉન્ડર કૅમેરન ગ્રીને ફક્ત ૨૭ રનના ખર્ચે સાઉથ આફ્રિકાના પાંચ બૅટર્સને આઉટ કર્યા હતા. વન-ડે બાદ હવે તેણે ટેસ્ટમાં પણ પાંચ વિકેટની સિદ્ધિ મેળવી છે. થોડા સમયથી તેણે બોલિંગ જ નથી કરી છતાં પાંચ વિકેટ લેવામાં તે સફળ થયો હતો.
ADVERTISEMENT
મિચલ સ્ટાર્કે બે તેમ જ સ્કૉટ બોલૅન્ડ અને નૅથન લાયને એક-એક વિકેટ લીધી હતી. કૅપ્ટન પૅટ કમિન્સને એક પણ વિકેટ નહોતી મળી.
ગઈ કાલની રમતના અંતે ઑસ્ટ્રેલિયાના પ્રથમ દાવમાં એક વિકેટે ૪૫ રન હતા. ૧૦૦મી ટેસ્ટ રમી રહેલો ડેવિડ વૉર્નર ૩૨ રને રમી રહ્યો હતો. ૧૦૦મી ટેસ્ટમાં સદી ફટકારીને ઇતિહાસમાં ચમકી જવાનો તેને બહુ સારો મોકો છે. તેની સાથે માર્નસ લબુશેન પાંચ રને રમી રહ્યો હતો. ઉસ્માન ખ્વાજા એક રન બનાવીને કૅગિસો રબાડાના બૉલમાં વિકેટકીપર વેરેઇનને કૅચ આપી બેઠો હતો.
ઑસ્ટ્રેલિયા ત્રણ ટેસ્ટની સિરીઝમાં ૧-૦થી આગળ છે. આ સિરીઝ બાદ પૅટ કમિન્સની ટીમ ભારતમાં ચાર ટેસ્ટ રમવા આવશે.
64,876
ગઈ કાલે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડના સ્ટેડિયમમાં કુલ આટલા પ્રેક્ષકોએ પ્રથમ દિવસની રમત માણી હતી.
૧૦૦મી ટેસ્ટમાં આજે સેન્ચુરી પાકી?
૯૯ ટેસ્ટમાં ૧૧,૧૨૮ રન બનાવનાર ઓપનર ડેવિડ વૉર્નર ગઈ કાલે ૩૨ રને રમી રહ્યો હતો અને તેને ૧૦૦મી ટેસ્ટમાં સદી ફટકારનાર વિશ્વનો ૧૧મો પ્લેયર બનવાનો મોકો હતો. છેલ્લે ઇંગ્લૅન્ડનો જો રૂટ ૧૦૦મી ટેસ્ટમાં ડબલ સેન્ચુરી ફટકારનાર વિશ્વનો પ્રથમ બૅટર બન્યો હતો.
સ્ટાર્ક આંગળીમાં ઈજા થયા બાદ સ્કૅન માટે હૉસ્પિટલમાં

ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કે ગઈ કાલે ૩૯ રનમાં બે વિકેટ લીધી હતી. જોકે પોતાની ૧૩મી ઓવર બાદ એક બૅટરનો કૅચ પકડવા જતાં તેને આંગળીમાં ઈજા થઈ હતી, જેને પગલે તેને સ્કૅન માટે હૉસ્પિટલ લઈ જવાયો હતો. તસવીર એ.એફ.પી.


