Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઑસ્ટ્રેલિયાના હેડ કોચ ઍન્ડ્ર‍‍‍યુ મૅક્ડોનલ્ડે સંકેત આપ્યો, IPL ૨૦૨૭માં કાંગારૂઓ કદાચ રમતા જોવા નહીં મળે

ઑસ્ટ્રેલિયાના હેડ કોચ ઍન્ડ્ર‍‍‍યુ મૅક્ડોનલ્ડે સંકેત આપ્યો, IPL ૨૦૨૭માં કાંગારૂઓ કદાચ રમતા જોવા નહીં મળે

Published : 10 August, 2026 03:25 PM | Modified : 10 August, 2026 03:27 PM | IST | Canberra
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑસ્ટ્રેલિયાના હેડ કોચ ઍન્ડ્રયુ મૅક્ડોનાલ્ડે વ્યસ્ત ઇન્ટરનૅશનલ શેડ્યૂલને કારણે ટેસ્ટ ખેલાડીઓ IPL 2027માં રમવા અંગે મુશ્કેલ નિર્ણય લઈ શકે તેવા સંકેત આપ્યા છે.

એન્ડ્રુ મેકડોનાલ્ડ

એન્ડ્રુ મેકડોનાલ્ડ


ઑસ્ટ્રેલિયાના હેડ કોચ ઍન્ડ્રયુ મૅક્ડોનલ્ડે સંકેત આપ્યો છે કે દેશના પ્રમુખ ટેસ્ટ-ક્રિકેટરોને આગામી વર્ષે યોજાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પોતાની ભાગીદારીને લઈને મુશ્કેલ અને મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવા પડી શકે છે. ખેલાડીઓ વિદેશી T20 લીગના બદલે ઇન્ટરનૅશનલ ક્રિકેટને મહત્ત્વ આપતા જોવા મળશે. ઑસ્ટ્રેલિયન ટીમ પોતાના ઇન્ટરનૅશનલ કૅલેન્ડરના સૌથી વ્યસ્ત સમયગાળામાંથી એક માટે તૈયારી કરી રહી હોવાથી ખેલાડીઓની ફિટનેસ અને વર્કલોડ ક્રિકેટ ઑસ્ટ્રેલિયા (CA) માટે પ્રાથમિકતા બની રહેશે. ઑસ્ટ્રેલિયાએ આગામી ૧૨ મહિનામાં ૨૦ ટેસ્ટ અને ૧૪ વાઇટ-બૉલ ઇન્ટરનૅશનલ મૅચો રમવાની છે. આમાં ભારતમાં યોજાનારી પાંચ મૅચોની ટેસ્ટ-સિરીઝ પણ સામેલ છે. IPL 2027 માર્ચના મધ્યથી મે મહિનાના અંત સુધી ચાલવાની સંભાવના છે. જૂનમાં સંભવિત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) ફાઇનલ પહેલાંનો સમય જ એવો હોય છે જ્યારે ઑસ્ટ્રેલિયન ટીમ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી થોડા સમય માટે બ્રેક લે છે. જોકે ઍન્ડ્રયુ મૅક્ડોનલ્ડે એ વાત પર ભાર મૂક્યો હતો કે IPL ઑસ્ટ્રેલિયાની પ્લેયર મૅનેજમેન્ટ વ્યૂહરચનાનો એક મહત્ત્વનો ભાગ છે.

ટ્રાઈ-સિરીઝના ક્રેઝનું ફરી વન-ડે ક્રિકેટમાં કમબૅક થઈ શકે છે



T20 ક્રિકેટની એન્ટ્રી પહેલાં વન-ડે ટ્રાઈ-સિરીઝનો ભારે ક્રેઝ હતો. આ ક્રેઝનો ફરી એક વખત કમબૅક થઈ શકે છે. ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના ચીફ રિચર્ડ ગોલ્ડે વન-ડે ક્રિકેટમાં 
ટ્રાઈ-સિરીઝ વિશે મોટું નિવેદન આપ્યું છે. રિચર્ડ ગોલ્ડ કહે છે કે ‘આગામી ૧૨થી ૧૮ મહિનામાં વન-ડે ટ્રાઈ-સિરીઝ ઇવેન્ટ્સ માટે યોજનાઓ ઘડવામાં આવી રહી છે. આ 
બહુ-ટીમ ફૉર્મેટ માટે મહત્ત્વપૂર્ણ વહીવટી સમર્થન મળશે. છેલ્લી વખત ૨૦૨૫માં પાકિસ્તાનમાં ન્યુ ઝીલૅન્ડ અને સાઉથ આફ્રિકા સાથે વન-ડે ટ્રાઈ-સિરીઝ યોજાઈ હતી.’  
ઇંગ્લૅન્ડ છેલ્લી વખત ૨૦૧૪-’૧૫માં ઑસ્ટ્રેલિયા અને ભારત સાથે વન-ડે ટ્રાઈ-સિરીઝ રમ્યું હતું. ભારત પણ છેલ્લી વખત આ જ વન-ડે ટ્રાઈ-સિરીઝ રમ્યું હતું. ઑસ્ટ્રેલિયાએ છેલ્લે ૨૦૧૬માં સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝ સાથે વન-ડે ટ્રાઈ-સિરીઝ રમી હતી. 


સૌરવ ગાંગુલી અને યુવરાજ સિંહ દિલ્હી કૅપિટલ્સની ટ્રાયલ્સમાં દેખાયા

IPL 2027માં ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર્સ સૌરવ ગાંગુલી અને યુવરાજ સિંહ દિલ્હી કૅપિટલ્સના કોચિંગ સેટઅપનો ભાગ બનશે એવા અહેવાલો સાચા પડી રહ્યા છે. બૅન્ગલોરમાં હાલમાં દિલ્હી કૅપિટલ્સના પ્લેયર્સ ટ્રાયલ્સ દરમ્યાન સૌરવ ગાંગુલી અને યુવરાજ સિંહ એકસાથે જોવા મળ્યા હતા. 
ફ્રૅન્ચાઇઝીએ હજી સુધી ૨૦૨૭ની સીઝન માટે તેના કોચિંગ માળખા વિશે ઑફિશ્યલ જાહેરાત કરી નથી. જોકે ટ્રાયલ્સમાં સૌરવ ગાંગુલી અને યુવરાજ સિંહની સંયુક્ત હાજરીથી એવી અપેક્ષાઓ વધી ગઈ છે કે તેઓ સુધારેલા સેટઅપમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. દિલ્હીની ટીમ ૧૯ સીઝનમાં ક્યારેય IPL ટ્રોફી જીતી શકી નથી. ૨૦૨૦ની ફાઇનલમાં પહોંચવું એ આજ સુધીનું તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન છે.


ચાર વખતની ચૅમ્પિયન ટીમ જાફના કિંગ્સને હરાવીને ગૉલ ગેલેન્ટ્સે પહેલું ટાઇટલ જીત્યું

લંકા પ્રીમિયર લીગ 2026માં ગૉલ ગેલેન્ટ્સ ચૅમ્પિયન બન્યું છે. જાફના કિંગ્સ ૧૯.૩ ઓવરમાં ૧૨૩ રન કરીને ઑલઆઉટ થયું હતું. જવાબમાં કૅપ્ટન દાસુન શનાકાની ટીમ ગૉલ ગેલેન્ટ્સે ૧૫.૫ ઓવરમાં ૧૨૬/૫નો સ્કોર કરીને જીતી હતી. 
૨૦૨૦થી શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં જાફના કિંગ્સ પહેલી ત્રણ સહિત ૨૦૨૪ની સિઝનમાં ચૅમ્પિયન બન્યું હતું. ગૉલ ગેલેન્ટ્સ અગાઉ ૨૦૨૦, ૨૦૨૧ અને ૨૦૨૪માં ફાઇનલ મૅચ હારીને રનર-અપ રહ્યું હતું. 

Whatsapp-channel Whatsapp-channel

10 August, 2026 03:27 PM IST | Canberra | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK