બીજી ટેસ્ટ-મૅચના બીજા દિવસે ૯ રન ઉમેરી ઇંગ્લૅન્ડે પહેલા દાવમાં ૧૦ વિકેટે ૩૩૪ રન કર્યા, આૅસ્ટ્રેલિયાએ ૬ વિકેટે ૩૭૮ રન કરીને ૪૪ રનની લીડ મેળવી લીધી.
જૅક વેધરાલ્ડે ૧૨ ફોર અને એક સિક્સરની મદદથી ૭૨ રનની ઇનિંગ્સ રમી હતી
બ્રિસબેનના ધ ગૅબા સ્ટેડિયમમાં આયોજિત ઍશિઝની બીજી ટેસ્ટ-મૅચમાં ઑસ્ટ્રેલિયાએ ૪૪ રનની લીડ સાથે ફરી ઇંગ્લૅન્ડ પર પ્રભુત્વ સ્થાપિત કર્યું છે. જો રૂટ અને જોફ્રા આર્ચરની દસમી વિકેટની રેકૉર્ડ ૭૦ રનની ભાગીદારીના આધારે ઇંગ્લૅન્ડે ૭૬.૨ ઓવરમાં ૩૩૪ રને તમામ વિકેટ ગુમાવી હતી. ઑસ્ટ્રેલિયાએ ૩ વ્યક્તિગત ફિફ્ટી પ્લસના સ્કોર સાથે બીજા દિવસના અંતે ૭૩ ઓવરમાં ૬ વિકેટે ૩૭૮ રન કરીને બીજા જ દિવસે લીડ મેળવી લીધી હતી.
બીજા દિવસે ઇંગ્લૅન્ડે ૭૫મી ઓવરમાં ૩૨૫/૯ના સ્કોરથી ઇનિંગ્સને આગળ વધારવાની શરૂઆત કરી પણ ૯ રન ઉમેરીને અંતિમ વિકેટ ગુમાવી હતી. ૩૬ બૉલમાં ૩૮ રન કરીને જોફ્રા આર્ચર બ્રેન્ડન ડૉગેટનો વર્તમાન મૅચનો પહેલો શિકાર બન્યો હતો. જો રૂટ ૨૦૬ બૉલમાં ૧૩૮ રન કરીને અણનમ રહ્યો હતો. ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કે પોતાના ૨૦ ઓવરના સ્પેલમાં ૭૫ રનમાં ૬ વિકેટનું યાદગાર પ્રદર્શન નોંધાવ્યું હતું.
ઑસ્ટ્રેલિયા તરફથી ઓપનર જૅક વેધરાલ્ડે ૭૮ બૉલમાં ૧૨ ફોર અને એક સિક્સરની મદદથી ૭૨ રનની મોટી ઇનિંગ્સ રમી હતી. ત્રીજા ક્રમે રમી માર્નસ લબુશેને ૭૮ બૉલમાં ૯ ફોર અને એક સિક્સરના આધારે ૬૫ રન કર્યા હતા. આઇ બ્લૅક ઍન્ટિ ગ્લૅર સ્ટિકર પહેરીને ઊતરેલા ઇન્ચાર્જ કૅપ્ટન સ્ટીવ સ્મિથે ૮૫ બૉલમાં પાંચ ફોર અને બે સિક્સર ફટકારીને ૬૧ રનની ઇનિંગ્સ રમી હતી. ટ્રૅવિસ હેડે ૩૩ રન, કૅમરન ગ્રીને ૪૫ રન અને ઍલેક્સ કૅરીએ ૪૬ રનનું યોગદાન આપ્યું છે.
ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર બ્રાયડન કાર્સે ૧૭ ઓવરના સ્પેલમાં ૧૧૩ રન આપીને સૌથી વધુ ૩ વિકેટ ઝડપી હતી. ફાસ્ટ બોલર બેન સ્ટોક્સને બે અને જોફ્રા આર્ચરને એક સફળતા મળી હતી. અંગ્રેજ ટીમના બોલિંગ-યુનિટ માટે આ દિવસ સૌથી નિરાશાજનક રહ્યો હતો, કારણ કે ટીમના ફીલ્ડર્સે પાંચ જેટલા કૅચ છોડીને યજમાન ટીમને કન્ટ્રોલમાં કરવાની તક ગુમાવી હતી.


