ત્રણ મૅચની ટેસ્ટ-સિરીઝ બાદ આૅસ્ટ્રેલિયાએ યજમાન ટીમ સામે પાંચેય T20 મૅચ પણ જીતી લીધી
વેસ્ટ ઇન્ડીઝ સામે T20 સિરીઝ જીતી ગયા બાદ ટ્રોફી સાથે સેલિબ્રેશન કરતી ઑસ્ટ્રેલિયન ટીમ.
ગઈ કાલે ઑસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડીઝ સામે અંતિમ T20 મૅચ ૩ વિકેટે જીતીને સિરીઝ ૫-૦થી ક્લીન સ્વીપ કરી હતી. વેસ્ટ ઇન્ડીઝે શિમરન હેટમાયર (૩૧ બૉલમાં બાવન રન)ની ફિફ્ટીના આધારે ઑલઆઉટ થઈને ૧૯.૪ ઓવરમાં ૧૭૦ રન બનાવ્યા હતા. કાંગારૂ ટીમે મિચલ ઓવન (૧૭ બૉલમાં ૩૭ રન)ની ઇનિંગ્સની મદદથી ૧૭ ઓવરમાં ૭ વિકેટે ૧૭૩ રન કરી વિજય મેળવ્યો હતો. ઑસ્ટ્રેલિયા માટે ફાસ્ટ બોલર બેન દ્વારશુઇસ (૪૧ રનમાં ૩ વિકેટ) પ્રભાવશાળી બોલિંગ કરીને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. સિરીઝમાં ૨૦૫ રન ફટકારનાર કૅમરન ગ્રીન પ્લેયર ઑફ ધ સિરીઝ બન્યો હતો.
વેસ્ટ ઇન્ડીઝ સામે ૩ મૅચની ટેસ્ટ-સિરીઝ અને પાંચ મૅચની T20 સિરીઝ જીતીને ઑસ્ટ્રેલિયાએ ૮-૦થી ક્લીન સ્વીપ કરી છે. ૮ ટૉસ અને ૮ મૅચ જીતીને ઑસ્ટ્રેલિયાએ પહેલી વાર એક વિદેશી મલ્ટિ-ફૉર્મેટ ટૂર પર તમામ મૅચ જીતી છે. ૨૦૦૫માં ન્યુ ઝીલૅન્ડ-ટૂર પર કાંગારૂઓએ બે ટેસ્ટ અને પાંચેય વન-ડે જીતી હતી, પણ એક ટેસ્ટ ડ્રૉ રહી ગઈ હતી. ૨૦૧૭માં ભારતે શ્રીલંકા-ટૂર પર તમામ નવ મૅચ જીતવાનો રેકૉર્ડ કર્યો હતો.
ADVERTISEMENT
ઑસ્ટ્રેલિયાએ પહેલી વાર ૫-૦થી T20 સિરીઝ જીતી છે, જ્યારે કૅરિબિયન ટીમ પહેલી વાર ૦-૫થી આ ફૉર્મેટની સિરીઝમાં હાર્યું છે. ફૂલ મેમ્બર દેશોમાં પહેલી વાર ભારતે ન્યુ ઝીલૅન્ડના ટૂર પર ૫-૦થી T20 સિરીઝ જીતી હતી, પણ સિરીઝની ત્રીજી અને ચોથી મૅચ ટાઇ રહી હતી અને એનો નિર્ણય સુપર ઓવરથી આવ્યો હતો.
કાંગારૂ ટીમ ત્રણેય ફૉર્મેટમાં ૫-૦થી ક્લીન સ્વીપ કરનાર પહેલી ટીમ બની છે. આ ટીમે ટેસ્ટ અને વન-ડેમાં પાંચ-પાંચ વાર આ કમાલ કરી છે. કોઈ એક ટીમ સામે પણ ત્રણેય ફૉર્મેટમાં ૫-૦થી સિરીઝ જીતવાનો રેકૉર્ડ ઑસ્ટ્રેલિયાએ કરી બતાવ્યો છે. વેસ્ટ ઇન્ડીઝ સામે ૨૦૦૦માં ટેસ્ટમાં, ૨૦૦૮ અને ૨૦૧૩માં વન-ડેમાં અને T20માં હવે ઑસ્ટ્રેલિયાએ ૫-૦થી જીત નોંધાવી છે.
નંબર-ગેમ
205
આટલા હાઇએસ્ટ રન એક T20 સિરીઝમાં કૅમરન ગ્રીને રન-ચેઝ સમયે કરવાનો રેકૉર્ડ કર્યો.
64
ફૂલ મેમ્બર ટીમો વચ્ચેની એક T20 સિરીઝમાં હાઇએસ્ટ સિક્સના ૨૦૨૩ના રેકૉર્ડની થઈ બરાબરી.
એ સિરીઝ વેસ્ટ ઇન્ડીઝ-ઇંગ્લૅન્ડ વચ્ચે રમાઈ હતી.
15
આટલા હાઇએસ્ટ સિક્સ એક T20 સિરીઝમાં ઑસ્ટ્રેલિયા માટે ફટકારવાનો રેકૉર્ડ કર્યો ટિમ ડેવિડે.


