પાકિસ્તાને હાઇબ્રિડ હોસ્ટ મૉડેલ’ સૂચવ્યું છે જેમાં એવું છે કે સ્પર્ધાની ૧૩માંથી ૪ મૅચ પાકિસ્તાનમાં રાખવી અને ફાઇનલ સહિતની બાકીની બધી મૅચો વિદેશમાં યોજવી.

ચેન્નઈમાં ગુજરાત-ચેન્નઈ વચ્ચેની ક્વૉલિફાયર-વન વખતે બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ, ખજાનચી આશિષ શેલાર અને ઉપ-પ્રમુખ રાજીવ શુક્લા, આઇપીએલના ચૅરમૅન અરુણ ધુમાલ. તસવીર પી. ટી. આઇ.
સપ્ટેમ્બરનો મેન્સ એશિયા કપ પાકિસ્તાનને બદલે ક્યાં રમાશે અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જે હાઇબ્રિડ હોસ્ટ મૉડેલ’ સૂચવ્યું છે એના પર રવિવારે અમદાવાદમાં આઇપીએલની ચેન્નઈ અને મુંબઈ/ગુજરાત વચ્ચેની ફાઇનલ વખતે ચર્ચા કરવામાં આવશે અને કદાચ કામચલાઉ નિર્ણય લઈ લેવામાં આવશે. આ મૅચ વખતે અમદાવાદમાં ક્રિકેટના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ તેમ જ શ્રીલંકા, બંગલાદેશ, અફઘાનિસ્તાનના ક્રિકેટ બોર્ડના વડા હાજર રહેશે અને તેમની વચ્ચે એશિયા કપ સંબંધમાં ચર્ચા થશે. એશિયા કપનું યજમાન પાકિસ્તાન છે, પરંતુ ભારતે પોતાની ટીમને પાકિસ્તાન મોકલવાની સ્પષ્ટ ના પાડી દીધી હોવાથી એ ટુર્નામેન્ટ યુએઇ અથવા શ્રીલંકામાં રાખવામાં આવે એવી સંભાવના છે. પાકિસ્તાને હાઇબ્રિડ હોસ્ટ મૉડેલ’ સૂચવ્યું છે જેમાં એવું છે કે સ્પર્ધાની ૧૩માંથી ૪ મૅચ પાકિસ્તાનમાં રાખવી અને ફાઇનલ સહિતની બાકીની બધી મૅચો વિદેશમાં યોજવી. જોકે પાકિસ્તાન બોર્ડ સાથે હજી નક્કર ચર્ચા ન થઈ હોવાથી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) કોઈ અંતિમ નિર્ણય પર નથી આવી શકી. જય શાહ એસીસીના પ્રમુખ છે. એશિયા કપમાં જે ટીમ ભાગ લેશે એમાં ભારત, પાકિસ્તાન, બંગલાદેશ, શ્રીલંકા, નેપાલ અને અફઘાનિસ્તાનનો સમાવેશ છે.