2023ના એશિયા કપ (Asia Cup 2023)ની ફાઈનલમાં ટીમ ઈન્ડિયા (India)એ શ્રીલંકા (Sri Lanka)ને આસાનીથી હરાવીને ટાઈટલ જીત્યું છે

તસવીર સૌજન્ય: બીસીસીઆઈનું એક્સ એકાઉન્ટ
2023ના એશિયા કપ (Asia Cup 2023)ની ફાઈનલમાં ટીમ ઈન્ડિયા (India)એ શ્રીલંકા (Sri Lanka)ને આસાનીથી હરાવીને ટાઈટલ જીત્યું છે. ભારતે રેકૉર્ડ આઠમી વખત એશિયા કપ ટ્રોફી જીતી છે. ફાઈનલ મેચમાં શ્રીલંકાની ટીમ માત્ર 50 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી ભારતીય ટીમે માત્ર 6.1 ઓવરમાં જ સરળતાથી લક્ષ્યનો પીછો કરી લીધો હતો.
શ્રીલંકા પહેલાં રમ્યા બાદ ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાને માત્ર 51 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ભારતીય ટીમે આ સાધારણ લક્ષ્યાંક માત્ર 37 બોલમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી લીધો હતો. શુભમન ગિલ 19 બોલમાં 27 રન બનાવીને અણનમ પાછો ફર્યો હતો અને ઈશાન કિશન 18 બોલમાં 23 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. ગિલે 6 ફોર અને ઈશાને ત્રણ ફોર ફટકાર્યા હતા.
આ પહેલાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ માત્ર 15.2 ઓવરમાં 50 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત સામે કોઈપણ વિપક્ષી ટીમનો આ સૌથી ઓછો સ્કોર છે. ભારત તરફથી મોહમ્મદ સિરાજે સૌથી વધુ 6 વિકેટ લીધી હતી.
શ્રીલંકાના 9 બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યા ન હતા
ભારતીય ઝડપી બોલરોની ઘાતક બોલિંગ સામે શ્રીલંકાના 9 ખેલાડીઓ ડબલ ફિગર સુધી પહોંચી શક્યા ન હતા. માત્ર કુસલ મેન્ડિસ (17) અને દુષણ હેમંથા (13) જ ડબલ ફિગરને સ્પર્શી શક્યા હતા, જ્યારે પથુમ નિસાંકા 02, કુસલ પરેરા 00, સદિરા સમરવિક્રમા 00, ચારિથ અસલંકા 00, ધનંજય ડી સિલ્વા 04, દાસુન શનાકા 00, દુનિથ વેલાલાગે 08 અને પ્રમોદ મધુશન 1 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા.
ઝડપી બોલરોએ તમામ 10 વિકેટ ઝડપી
ફાઈનલ મેચમાં સિરાજ સામે શ્રીલંકાના બેટ્સમેનો લાચાર દેખાતા હતા. રસપ્રદ વાત એ હતી કે શ્રીલંકાની તમામ 10 વિકેટ ભારતના ફાસ્ટ બોલરોએ લીધી હતી. એશિયા કપના ઈતિહાસમાં આવું બીજી વખત બન્યું છે, જ્યારે ફાસ્ટ બોલરોએ તમામ 10 વિકેટ ઝડપી હોય. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 6, હાર્દિક પંડ્યાએ 3 અને જસપ્રિત બુમરાહે એક વિકેટ ઝડપી હતી. મેચ ખૂબ જ ઓછા સમયમાં સમાપ્ત થઈ ગઈ હતી, ત્યાર બાદ ઈન્ટરનેટ પર મીમ્સનું ઘોડાપૂર જોવા મળ્યું હતું.
રતની ODIમાં બોલની દૃષ્ટિએ સૌથી મોટી જીત
શ્રીલંકા સામેની આ ફાઈનલ મેચમાં ભારતીય ટીમે તેના ODI ક્રિકેટ ઈતિહાસમાં બોલ બાકી હોવાના સંદર્ભમાં સૌથી મોટી જીત નોંધાવી છે. ટીમ ઈન્ડિયાએ આ મેચ 263 બોલ બાદ જીતી લીધી હતી. આ પહેલા વર્ષ 2001માં ભારતીય ટીમે સૌથી વધુ બોલ બાકી રહીને ODI જીતી હતી. કેન્યા સામેની મેચમાં ટીમે બ્લૂમફોન્ટેન મેદાન પર 231 બોલમાં મેચ જીતી લીધી હતી.