એલ. રાહુલની ઇનિંગ્સે તમામ ચિત્રને બદલી નાખ્યું, કારણ કે આ બન્ને ખેલાડીઓએ ભારતીય ટીમની ખૂટતી કડીઓને જોડી દેતાં ચિત્ર એકદમ બદલાઈ ગયું હતું.

ફાઈલ તસવીર
એશિયા કપ પહેલાં વન-ડે વર્લ્ડ કપમાં ભારતનું પ્રદર્શન કેવું રહેશે એને લઈને ક્રિકેટ-પ્રેમીઓના મનમાં અનેક પ્રશ્નો અને ચિંતાઓ હતાં, પરંતુ એશિયા કપમાં જસપ્રીત બુમરાહની બોલિંગ અને કે. એલ. રાહુલની ઇનિંગ્સે તમામ ચિત્રને બદલી નાખ્યું, કારણ કે આ બન્ને ખેલાડીઓએ ભારતીય ટીમની ખૂટતી કડીઓને જોડી દેતાં ચિત્ર એકદમ બદલાઈ ગયું હતું. આવતા મહિનાના પહેલા સપ્તાહથી ભારતમાં વન-ડે વર્લ્ડ કપ શરૂ થશે. એક તરફ ભારતીય પ્રેક્ષકોની અપેક્ષાનો ભાર હશે તો સાથે-સાથે ટીમ મૅનેજમેન્ટે ખેલાડીઓના વર્ક-લોડને પણ ધ્યાનમાં રાખવું પડશે. શુક્રવારે રમાયેલી બાંગ્લાદેશ સામેની મૅચમાં ભારતે એટલા માટે જ પાંચ-પાંચ ખેલાડીઓને આરામ આપ્યો હતો. જોકે એશિયા કપની સુપર ફોરની શ્રીલંકા સામેની મૅચમાં બુમરાહ થોડો લંગડાતાં ભારતીય પ્રેક્ષકોને ધ્રાસકો જ લાગ્યો હતો. જોકે પગની ઘૂંટીમાં થયેલી ઈજા વધુ ગંભીર નહોતી. રમતમાં આવી ઈજાઓ થતી જ હોય છે, પણ બુમરાહ જેવા બોલરને જો ઈજા થાય તો ભારતની વર્લ્ડ કપમાં સારા પ્રદર્શનની આશા પર પણ પ્રશ્નાર્થચિહ્ન જરૂર લાગી જાય.
શ્રેયસની ઈજા કેટલી ગંભીર?
ઈજા બદલ લાંબા બ્રેક બાદ પાછા ફરેલા શ્રેયસ ઐયર પણ નેપાલ અને પાકિસ્તાન સામેની મૅચ બાદ કમરમાં થયેલી ઈજાને કારણે ફરી રમી શક્યો નથી. ભારત પાસે એની ફિટનેસની ચકાસણી માટે આજે રમાનારી એશિયા કપની શ્રીલંકા સામેની ફાઇનલ અને ઑસ્ટ્રેલિયા સામેની આગામી વન-ડે સિરીઝની ત્રણ મૅચ જ રહેશે. જોકે ભારત પાસે એના વિકલ્પ તરીકે ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવ જેવા બૅટર્સ હોવાથી એ એટલો ચિંતાનો વિષય નથી બન્યો. ઈજા બાદ પાછો ફરેલો કે. એલ. રાહુલ ભારતનો મુખ્ય વિકેટકીપર કમ મિડલ ઑર્ડર બૅટર રહેશે.
જાડેજાને સ્કી કરવાનું કોણે કહ્યું હતું?
ભારતીય ક્રિકેટરોના વર્ક-લોડ મૅનેજમેન્ટને લઈને ઘણી ટીકા કરવામાં આવી રહી છે. ભારતીય ટીમ આખું વર્ષ ઘણીબધી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેતી હોય છે. વળી બે મહિનાની આઇપીએલ તો રમાતી જ હોય છે. હાલ તો વર્ક-લોડનો અર્થ માત્ર રોટેશન પૉલિસી એવો જ છે, જેમાં કેટલાક ખેલાડીઓને અમુક મૅચો કે સિરીઝમાં આરામ આપવામાં આવે છે, પરંતુ આ સિસ્ટમની ટીકા થાય છે, કારણ કે એમાં પણ સાતત્યનો અભાવ છે. વર્ક-લોડ પણ ખેલાડીની ક્ષમતાને આધારમાં રાખીને તૈયાર કરવામાં નથી આવતો. દરેક ખેલાડીની ક્ષમતા અલગ-અલગ હોય છે. દરેકને એક જ લાકડીએ હાંકી ન શકાય. ગયા વર્ષે રમાયેલી એશિયા કપ ટી૨૦ ટુર્નામેન્ટમાં જાડેજા પાસે વૉટર સ્પોર્ટ્સ ઍક્ટિવિટી કરાવવામાં આવી, જેમાં તે ઈજાગ્રસ્ત થયો. સ્કી કરવા જતાં તેના ઘૂંટણમાં એવી ગંભીર ઈજા થઈ કે તે ત્યાર બાદ ઑસ્ટ્રેલિયામાં રમાયેલા ટી૨૦ વર્લ્ડ કપમાં પણ રમી શકતો નહોતો. આવી ઍક્ટિવિટી કોણે કરાવી, કોણ જવાબદાર હતું એ વિશે હજી પણ કોઈ ખુલાસો મળ્યો નથી. આમ આ મામલે ઘણુંબધું કરવાનું બાકી છે.
દરેક પ્લેયર માટે પ્રૉપર પ્લાન બનાવો
ભારતીય ટીમ મૅનેજમેન્ટે દરેક ખેલાડીને કેટલી ટ્રેઇનિંગ અને સાથોસાથ કેટલો આરામ મળે એનું પણ ધ્યાન રાખવું જોઈએ. કોઈ પણ ખેલાડી વધુપડતો ભાર ન લે. વળી જો ઈજાગ્રસ્ત થાય તો એને પૂરતો આરામ મળે એનું પણ ધ્યાન રાખવું જોઈએ. વર્ષ દરમ્યાન ખેલાડી વધુમાં વધુ કેટલી મૅચો રમે એની સંખ્યા પણ અગાઉથી નક્કી કરી દેવામાં આવી જોઈએ.