શ્રીલંકાની ૪૧મી ઓવરમાં ફક્ત ૪ રન બનતાં સ્કોર ૨૪૪/૭ રહ્યો હતો અને ૪૨મી (છેલ્લી) ઓવરમાં જીતવા માટે ૮ રન બનાવવાના હતા.

ફાઈલ તસવીર
ગુરુવારે કોલંબોના એશિયા કપમાં અત્યંત મહત્ત્વની સુપર-ફોર મૅચમાં વરસાદનાં વિઘ્નો વચ્ચે મૅચ ૪૫-૪૫ ઓવરની અને પછી ૪૨-૪૨ ઓવરની થયા બાદ સ્પર્ધાના મુખ્ય યજમાન પાકિસ્તાને રિઝવાનના અણનમ ૮૬ રનની મદદથી ૭ વિકેટે ૨૫૨ રન બનાવ્યા ત્યાર પછી ડકવર્થ લુઇસ મેથડના આધારે શ્રીલંકાને જીતવા માટે ૨૫૨ રનનો લક્ષ્યાંક મળ્યો ત્યાર બાદ એને માટે જીતવું વારંવાર મુશ્કેલ થઈ ગયું હતું અને છેલ્લી ઓવરમાં તો અભૂતપૂર્વ રસાકસી થઈ હતી.
શ્રીલંકાની ૪૧મી ઓવરમાં ફક્ત ૪ રન બનતાં સ્કોર ૨૪૪/૭ રહ્યો હતો અને ૪૨મી (છેલ્લી) ઓવરમાં જીતવા માટે ૮ રન બનાવવાના હતા. અગાઉ એક રનઆઉટ મિસ થવા સહિતની પાકિસ્તાનની ફીલ્ડિંગ સારી તો નહોતી અને આ નિર્ણાયક ઓવરમાં વધુ કચાશ જોવા મળી હતી. પહેલી જ મૅચ રમેલા ઝમાન ખાનની એ ઓવરના પ્રથમ બૉલમાં લેગ બાયમાં રન થયો હતો. ચરિથ અસલન્કા (૪૯ અણનમ, ૪૭ બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) સ્ટ્રાઇક પર આવ્યો અને બીજો ડૉટ-બૉલ હતો. ત્રીજા બૉલમાં અસલન્કાએ એક રન લીધો અને ચોથા બૉલમાં પ્રમોદ મદુશન રનઆઉટ થયો હતો. છેલ્લા બે બૉલમાં ૬ રન બનાવવાના હતા જે મુશ્કેલ હતા, પરંતુ પાંચમા બૉલમાં ઑફ બહારના લેન્ગ્થ બૉલમાં અસલન્કાના બૅટની થિક એજ વાગ્યા બાદ બૉલ વિકેટકીપરની નજીકથી અને શૉર્ટ થર્ડ મૅનની જમણી બાજુએથી પસાર થઈને બાઉન્ડરીલાઇનની બહાર જતો રહ્યો હતો. આ ફોર ટર્નિંગ પૉઇન્ટ સાબિત થઈ હતી, કારણ કે છેલ્લા બૉલમાં ચૅમ્પિયન અસલન્કાએ સ્લોઅર લેન્ગ્થ બૉલને ડીપ સ્ક્વેર લેગ ફેન્સ તરફ મોકલીને બે રન લઈ લીધા અને શ્રીલંકા ૪૨ ઓવરમાં બનેલા ૨૫૨/૮ના સ્કોર સાથે જીતીને ૧૧મી વાર એશિયા કપની ફાઇનલમાં પહોંચી ગયું હતું.
૮૭ બૉલમાં ૯૧ રન બનાવનાર કુસાલ મેન્ડિસને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. સદીરા સમરાવિક્રમા (૪૮ રન)એ મેન્ડિસ સાથે ત્રીજી વિકેટ ૧૦૦ રનની મૅચ-વિનિંગ ભાગીદારી કરી હતી.