સૌથી ઓછા ૩૭ બૉલમાં જીત મેળવવાનો રેકૉર્ડ પણ રચ્યો : સિરાજની વિક્રમની વણજાર

ગ્રાઉન્ડ્સમેનને ૧.૬૦ કરોડ રૂપિયાનું ઇનામ : સિરાજે પણ આખી ઇનામી રકમ ડોનેટ કરી
(૧) ભારત ગઈ કાલે વન-ડેના ઇતિહાસમાં (બે મોટા દેશ વચ્ચે રમાયેલી મૅચોમાં) સૌથી વધુ ૨૬૩ બૉલ બાકી રાખીને મૅચ જીત્યું હતું. શ્રીલંકા સામેની આ જીત બીજી રીતે પણ ઐતિહાસિક છે, કારણ કે સૌથી વધુ બૉલ બાકી રાખીને જીતવામાં આવેલી ફાઇનલ્સમાં પણ ભારતનો આ વિશ્વવિક્રમ છે.
(૨) ટીમ ઇન્ડિયાએ ફક્ત ૩૭ બૉલ રમીને મૅચ જીતી લીધી હતી. વન-ડેની ફાઇનલમાં જીત સાથે સૌથી ઓછા બૉલમાં લક્ષ્ય સફળતાથી ચેઝ કરવાનો રેકૉર્ડ ભારતે સુધાર્યો છે. અગાઉનો ૬૯ બૉલનો વિક્રમ હતો જે ભારતે ૨૦૦૧માં કેન્યા સામે નોંધાવ્યો હતો.
(૩) શ્રીલંકાની ટીમનો ગઈ કાલે ફક્ત ૫૦ રનમાં વીંટો વળી ગયો હતો. વન-ડે ક્રિકેટની કોઈ પણ ફાઇનલનું આ લોએસ્ટ ટીમ-ટોટલ છે. અગાઉનો ભારતના નામે હતો. ૨૦૦૦ની સાલમાં શારજાહમાં શ્રીલંકા સામે ભારત ફક્ત ૫૪ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. જોકે ૫૦ રન શ્રીલંકાનો સેકન્ડ લોએસ્ટ સ્કોર પણ છે. ૨૦૧૨માં સાઉથ આફ્રિકા સામે શ્રીલંકા ૪૩ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું.
(૪) ભારત બે વખત વન-ડેની ફાઇનલ ૧૦ વિકેટના માર્જિનથી જીત્યું છે અને એ વિશ્વવિક્રમ છે. બીજો કોઈ દેશ બે ફાઇનલ ૧૦ વિકેટથી નથી જીત્યો. ભારતનો ૧૦ વિકેટની જીતનો પ્રથમ કિસ્સો ૧૯૯૮માં શારજાહમાં ઝિમ્બાબ્વે સામે (વિના વિકેટે ૧૯૭) બન્યો હતો.
(૫) મોહમ્મદ સિરાજ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં એક ઓવરમાં ૪ વિકેટ લેનારો ભારતનો પ્રથમ બોલર છે.
(૬) શ્રીલંકા વન-ડેમાં ભારત સામેના લોએસ્ટ સ્કોર (૫૦ રન)માં ઑલઆઉટ થઈ ગયું. એક તબક્કે શ્રીલંકાનો સ્કોર ૬ વિકેટે ફક્ત ૧૨ રન હતો.
(૭) શ્રીલંકાનો સ્કોર જ્યારે ૬ વિકેટે ૧૨ રન હતો ત્યારે આઇસીસીના ફુલ મેમ્બર-રાષ્ટ્રોમાં છઠ્ઠી વિકેટે નોંધાયેલો આ સૌથી ઓછો સ્કોર હતો.
(૮) સિરાજે ગઈ કાલે કરીઅરની ૫૦મી વિકેટ ૧૦૦૨મા નંબરના બૉલ પર લીધી અને એ રીતે તે વન-ડે ક્રિકેટમાં સૌથી ઓછા બૉલમાં ૫૦ વિકેટ લેનારો સેકન્ડ ફાસ્ટેસ્ટ બોલર બન્યો હતો. અજંથા મેન્ડિસે ૫૦ વિકેટ માત્ર ૮૪૭ બૉલમાં લીધી હતી.
(૯) ભારતે શ્રીલંકાની પહેલી ૬ વિકેટ શરૂઆતની ફક્ત ૧૦ ઓવરમાં લઈ લીધી હતી જે આ ફૉર્મેટમાં પ્રથમ ૧૦ ઓવરમાં લીધેલી સૌથી વધુ વિકેટનો વિશ્વવિક્રમ કહેવાય.
(૧૦) એશિયા કપની વન-ડેમાં મોહમ્મદ સિરાજ એક દાવમાં ૬ વિકેટ લેનાર અજંથા મેન્ડિસ પછીનો બીજો બોલર છે.
(૧૧) સિરાજે ૨૧ રનમાં ૬ વિકેટ લીધી. શ્રીલંકા સામે વન-ડે રમી ચૂકેલા તમામ બોલર્સમાં આ બેસ્ટ બોલિંગ છે. જોકે વન-ડેની ફાઇનલની બેસ્ટ બોલિંગમાં સિરાજ પાકિસ્તાનના અકીબ જાવેદ (૧૯૯૧માં ભારત સામે ૩૭માં ૭) પછી બીજા સ્થાને છે.
(૧૨) સિરાજે પહેલી પાંચ વિકેટ માત્ર ૧૬ બૉલમાં લીધી હતી જે ભારતીય બોલર્સમાં વિક્રમ છે. વિશ્વના તમામ બોલર્સમાં તે ચમિન્ડા વાસ સાથે થયો છે. વાસે ૨૦૦૩માં બંગલાદેશ સામે ૧૬ રનમાં પાંચ વિકેટ લીધી હતી.
(૧૩) એશિયા કપના વન-ડેના ઇતિહાસમાં બીજી જ વાર ઇનિંગ્સની તમામ ૧૦ વિકેટ પેસ બોલર્સે લીધી. સિરાજે ૬, હાર્દિકે ૩ અને બુમરાહે ૧ વિકેટ લીધી હતી. આ જ ટુર્નામેન્ટમાં વરસાદને લીધે ધોવાઈ ગયેલી મૅચમાં ભારત સામે પાકિસ્તાનના તમામ પેસ બોલર્સે ૧૦ વિકેટ લીધી હતી.
(૧૪) શ્રીલંકા એશિયાનું એવું ફુલ મેમ્બર રાષ્ટ્ર છે જેની ટીમ સૌથી ઓછી ૧૫.૨ ઓવરમાં ઑલઆઉટ થઈ ગઈ.
(૧૫) સિરાજ (૭-૧-૨૧-૬)ની બોલિંગ ઍનૅલિસિસ વન-ડેની ફાઇનલમાં રમી ચૂકેલા ભારતીય પેસ બોલર્સમાં
સર્વશ્રેષ્ઠ છે. તમામ ભારતીય બોલર્સમાં તે અનિલ કુંબલે (હીરો કપની ફાઇનલમાં ૧૨ રનમાં ૬ વિકેટ) પછી બીજા નંબરે છે.
(૧૬) સિરાજ શ્રીલંકા સામે એક વન-ડેમાં છ વિકેટ લેનારો આશિષ નેહરા પછીનો બીજો જ ભારતીય બોલર છે.
(૧૭) ગઈ કાલની વન-ડેમાં કુલ મળીને માત્ર ૧૨૯ બૉલ ફેંકાયા હતા. ભારત જેટલી વન-ડે રમ્યું છે એ મૅચમાં સૌથી ઓછા બૉલ ફેંકાયા હોય એમાં આ વિક્રમ છે.
ગ્રાઉન્ડ્સમેનને ૧.૬૦ કરોડ રૂપિયાનું ઇનામ : સિરાજે પણ આખી ઇનામી રકમ ડોનેટ કરી
એશિયા કપનું મુખ્ય યજમાન પાકિસ્તાન હતું, પરંતુ મોટા ભાગની મૅચો શ્રીલંકામાં રમાઈ અને એમાં મેઘરાજા વારંવાર વિલન બન્યા. કેટલીક મૅચો ધોવાઈ ગઈ, પરંતુ જે રમાઈ એમાં શ્રીલંકાના ૧૦૦થી પણ વધુ ગ્રાઉન્ડ્સમેને મેદાન સાફ કરવામાં અને રમવા યોગ્ય બનાવવામાં જે જહેમત ઉઠાવી એ ક્રિકેટના ઇતિહાસમાં અભૂતપૂર્વ ઘટના છે. ગઈ કાલે આયોજક એસીસી અને શ્રીલંકન બોર્ડે કુલ મળીને ૫૦,૦૦૦ ડૉલર (શ્રીલંકન ચલણમાં ૧.૬૦ કરોડ રૂપિયા)નું કુલ ઇનામ પિચ ક્યુરેટર તથા ગ્રાઉન્ડ્સમેનને આપ્યું હતું. બીસીસીઆઇના સેક્રેટરી અને એસીસીના પ્રમુખ જય શાહે તેમને આ ઇનામનો ચેક આપ્યો હતો. એટલું જ નહીં, ગઈ કાલની ફાઇનલના સુપરસ્ટાર અને ૬ વિકેટનો સપાટો બોલાવનાર ભારતીય પેસ બોલર મોહમ્મદ સિરાજે પોતાની ૫૦૦૦ ડૉલરની ઇનામી રકમ (અંદાજે ૧૬ લાખ રૂપિયા) પણ ગ્રાઉન્ડ્સસ્ટાફને ડોનેટ કરી દીધી હતી. twitter.com