એક જ ટેસ્ટમાં બીજી સદી ફટકારતાં ચોથી ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં, સિરીઝમાં ૪-૦થી લીડ મેળવવા કાંગારૂઓને ૧૦ વિકેટની તો અંગ્રેજોને જીતવા માટે ૩૫૮ રનની જરૂર
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં સેન્ચુરી પૂરી કર્યા બાદ ઉસ્માન ખ્વાજા
સિડનીમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાના બૅટર ઉસ્માન ખ્વાજાએ ઇંગ્લૅન્ડ સામે બીજી ઇનિંગ્સમાં પણ સદી ફટકારી (૧૦૧ નૉટઆઉટ)ને ઍશિઝ સિરીઝમાં ટીમની હાલત મજબૂત કરી દીધી છે. ખ્વાજાની સદીને કારણે ઑસ્ટ્રેલિયાએ ૬૮.૫ ઓવરમાં ૬ વિકેટે ૨૬૫ રન કરીને દાવ ડિક્લેર કર્યો હતો. પરિણામે ઇંગ્લૅન્ડને વિજય માટે ૩૮૮ રનનો ટાર્ગેટ આપ્યો હતો, જવાબમાં ઇંગ્લૅન્ડે વિનાવિકેટે ૩૦ રન કર્યા હતા.
નવમો બૅટર
ઍશિઝ ટેસ્ટની બે ઇનિંગ્સમાં સદી ફટકારનાર તે નવમો ઑસ્ટ્રેલિયન ખેલાડી બન્યો હતો. તેણે ૧૩૮ બૉલમાં બે સિક્સર અને દસ ફોરની મદદથી આટલા રન કર્યા હતા. ખ્વાજા સામે ઇંગ્લૅન્ડની કોઈ યોજના સફળ થઈ નહોતી. ખ્વાજા જ્યારે રમવા આવ્યો ત્યારે ઇંગ્લૅન્ડની હાલત સારી નહોતી. ટીમે ૬૮ રનમાં ૩ વિકેટ ગુમાવી દીધી હતી. શરૂઆતમાં તે થોડું ધીમું રમ્યો, પણ ત્યાર બાદ તેણે આક્રમક રમત બતાવી હતી. ઇંગ્લૅન્ડના બોલર માર્ક વુડે ૬૫ રન આપી બે વિકેટ લીધી હતી, જેમાં તેણે વૉનર (૩) અને માર્નસ લબુશેન (૨૯)ને આઉટ કર્યો હતો. દબાણ હેઠળ માર્ક્સ હૅરિસ (૨૭ રન) જૅક લીચના બૉલમાં આઉટ થયો હતો.
ટ્રેવિસની જગ્યાએ મળી તક
ઑસ્ટ્રેલિયાના બૅટર ટ્રેવિસ હેડને કોરોના થતાં ખ્વાજાને રમવાની તક મળી હતી. કૅમરન ગ્રીન (૭૪ રન) અને ખ્વાજા વચ્ચે ૨૩૮ બૉલમાં ૧૭૯ રનની પાર્ટનરશિપ થઈ હતી. કૅમરને આ જ મેદાનમાં ગયા વર્ષે ભારત સામે હાફ સેન્ચુરી ફટકારી હતી. ખ્વાજાએ પહેલી ઇનિંગ્સમાં ૧૩૭ રન કર્યા હતા. સિડની ક્રિકેટ મેદાનમાં આ પહેલાં ડૉગ વૉલ્ટર્સ અને રિકી પૉન્ટિંગે એક જ ટેસ્ટમાં બે સદી ફટકારી હતી. એ ઉપરાંત સ્ટીવ સ્મિથ, મૅથ્યુ હેડન, સ્ટીવ વૉ, આર્થર મૉરિસ અને વૉરેન બર્ડસ્લી પણ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. સિડની ટેસ્ટમાં ઇંગ્લૅન્ડે રમતના છેલ્લા કલાકમાં વિનાવિકેટે ૩૦ રન કર્યા હતા, જેમાં ઝૅક ક્રૉલી (૨૨) અને હસીબ હમીદ (૮) ક્રીઝ પર હતા.
3
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ખ્વાજા ઉપરાંત ઑસ્ટ્રેલિયાના બૅટર ડૉગ વૉલ્ટર્સ અને રિકી પૉન્ટિંગે એક જ ટેસ્ટમાં બે વખત સદી ફટકારી છે.


