અન્ડર-19 વર્લ્ડ કપ જીત્યા પછી આપણે બધા પ્રકારના ક્રિકેટમાં નંબર વન છીએ એવું ગર્વપૂર્વક કહીને અમિતાભ બચ્ચને વર્ણવ્યો એક આંચકાજનક પ્રસંગ
ભારતની અન્ડર-19 મેન્સ ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીત્યો એ બદલ અમિતાભ બચ્ચને સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરીને ટીમ ઇન્ડિયાની જીતની ખુશી વ્યક્ત કરી
ભારતની અન્ડર-19 મેન્સ ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીત્યો એ બદલ અમિતાભ બચ્ચને સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરીને ટીમ ઇન્ડિયાની જીતની ખુશી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું, ‘અન્ડર-19 ક્રિકેટ ઇન્ડિયા વર્લ્ડ ચૅમ્પિયન. દુશ્મનને ઠોકી દીધો. બ્લાઇન્ડ, મહિલા, પુરુષ... બધા વર્લ્ડ ચૅમ્પિયન. આપણે નંબર વન છીએ, ટોચ પર છીએ, વિશ્વમાં પ્રથમ છીએ. આપણે ત્રીજા દરજ્જાના નથી, આપણે વિશ્વમાં પ્રથમ છીએ. ભારત માતા કી જય.’
જોકે આ અભિનંદન સાથે-સાથે બિગ બીએ એવું પણ લખ્યું કે આપણે ત્રીજા દરજ્જાના નથી, આપણે વિશ્વમાં પ્રથમ છીએ. અમિતાભે પોતાના બ્લૉગમાં આ નિવેદન પાછળનો આખો ઘટનાક્રમ જણાવ્યો છે.
અમિતાભે પોતાના બ્લૉગમાં લખ્યું છે, ‘એક વખત મને એક વિદેશી દેશે યોજેલા ફિલ્મ ફેસ્ટિવલ માટે આમંત્રણ મળ્યું. મેં એ આમંત્રણ સ્વીકાર્યું અને ત્યાં જવા માટે વિમાનમાં બેઠો. વિમાનમાં મને ત્યાંનું અખબાર દેખાયું, જેમાં મારી એક ફિલ્મનો ફોટો છપાયેલો હતો. મને એ ભાષા આવડતી નહોતી એટલે મેં ઍર-હૉસ્ટેસને પૂછ્યું કે એમાં શું લખ્યું છે. તેણે કહ્યું કે અખબારમાં લખ્યું છે કે એક ભારતીય ફિલ્મનો અભિનેતા આ દેશમાં આવી રહ્યો છે.’
અમિતાભે વિદેશમાં થયેલા પોતાના અનુભવ વિશે લખ્યું કે ‘મને આશ્ચર્ય થયું કે આ વિદેશી દેશને અમારી ફિલ્મોમાં એટલો રસ કેમ છે, પરંતુ જ્યારે વિમાન લૅન્ડ થયું ત્યારે મને એનું સાચું કારણ સમજાયું. ઍરપોર્ટ પર લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા. પ્લેનમાંથી ઇમિગ્રેશન ડેસ્ક સુધી પહોંચવું પણ મુશ્કેલ બની ગયું. ભીડ એટલી વધી ગઈ કે ચાલવું પણ અઘરું હતું. પરિસ્થિતિ કાબૂ બહાર જતાં પોલીસે હસ્તક્ષેપ કર્યો. તેમણે મને ભીડમાંથી બહાર કાઢ્યો, સીધો કારમાં બેસાડ્યો અને પોલીસ-સુરક્ષા સાથે હોટેલ લઈ ગયા. મારા જીવનમાં પહેલી વખત એવું બન્યું કે મારું ઇમિગ્રેશન હોટેલમાં કરવામાં આવ્યું. આ પછી જ્યારે પણ હું કોઈ કાર્યક્રમમાં ગયો કે ફરવા નીકળ્યો ત્યાં ભારે ભીડ ઊમટી પડતી. હંમેશાં પોલીસ-એસ્કોર્ટ અને પોલીસ કાર્સ મારી સાથે રહેતી, પરંતુ આ વાત ત્યાંના એક વરિષ્ઠ પત્રકારને પસંદ આવી નહીં.’
અમિતાભે પોતાની સાથે થયેલા અપમાનજનક વર્તન વિશે કહ્યું કે ‘મને મળેલા મહત્ત્વથી નારાજ થયેલા પત્રકારે બીજા દિવસે અખબારમાં હેડલાઇન આપી કે ‘થર્ડ વર્લ્ડના દેશમાંથી આવેલા થર્ડ રેટના અભિનેતાને આટલું મહત્ત્વ શા માટે?’ આ સમયે મને ‘થર્ડ રેટ અભિનેતા’ કહેવાયું એ મને સ્વીકાર્ય હતું, પરંતુ ભારતને ‘થર્ડ વર્લ્ડનો દેશ’ કહેવાયું એ વાત મને ખૂબ દુઃખદ લાગી અને દિલને ઠેશ પહોંચાડી.’


