વિરાટ કોહલી ગઈ કાલે મુંબઈથી એક પ્રાઇવેટ ચાર્ટર્ડ ફ્લાઇટમાં તેની પત્ની અને બાળકોને મળવા લંડન રવાના થઈ ગયો હતો
ગુરુવારે મુંબઈમાં બાળપણના કોચ રાજકુમાર શર્મા સાથે વિરાટ કોહલી.
મુંબઈમાં T20 વર્લ્ડ કપની ઓપન બસમાં મરીન ડ્રાઇવ પર થકવી નાખે એવી વિજયની ઉજવણી પૂરી કર્યા બાદ સ્ટાર બૅટર વિરાટ કોહલી ગઈ કાલે મુંબઈથી એક પ્રાઇવેટ ચાર્ટર્ડ ફ્લાઇટમાં તેની પત્ની અને બાળકોને મળવા લંડન રવાના થઈ ગયો હતો. વિજયી સરઘસ બાદ વાનખેડે સ્ટેડિયમમાં પણ સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમારંભ બાદ વિરાટ કોહલી લંડન જતો રહ્યો હતો. સૂત્રોએ જણાવ્યા મુજબ કોહલી એક પ્રાઇવેટ ચાર્ટર્ડ ફ્લાઇટમાં વહેલી સવારે ૩.૧૫ વાગ્યે લંડન જવા રવાના થયો હતો અને ભારતીય સમય મુજબ બપોરે ૧૨.૪૫ વાગ્યે લંડન પહોંચી ગયો હતો.
ADVERTISEMENT
કોહલીની પત્ની અને બૉલીવુડ-ઍક્ટ્રેસ અનુષ્કા શર્મા તથા બે બાળકો પુત્રી વામિકા અને પુત્ર અકાય લંડનમાં તેની રાહ જોઈ રહ્યાં હતાં. અનુષ્કા શર્મા પાકિસ્તાન સામેની ભારતની મૅચ વખતે ન્યુ યૉર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં જોવા મળી હતી, પણ ત્યાર બાદ તે આ ટુર્નામેન્ટથી દૂર રહી હતી.
આ ટુર્નામેન્ટમાં કોહલીની સફર પડકારજનક હતી. આઉટ ઑફ ફૉર્મ રહેલા કોહલીએ તેનું ફૉર્મ મેળવવા ઘણી સ્ટ્રગલ કરવી પડી હતી અને આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં પહેલી વાર ઓપનિંગમાં આવીને પહેલી ૭ મૅચમાં તેણે માત્ર ૭૫ રન બનાવ્યા હતા.
જોકે ફાઇનલ મૅચમાં વિન્ટેજ વિરાટ કોહલીનું પુનરુત્થાન જોવા મળ્યું હતું. એક સમયે ભારતની ઇનિંગ્સમાં ૪.૩ ઓવરમાં ૩૪ રનમાં ૩ વિકેટ પડી જવા છતાં તેણે માસ્ટર ક્લાસ ઇનિંગ્સ રમીને ૫૯ બૉલમાં મૅચ-વિનિંગ ૭૬ રન બનાવ્યા હતા એને કારણે ભારત સન્માનજનક અને સ્પર્ધાત્મક ૭ વિકેટે ૧૭૬ રનનો સ્કોર કરી શક્યું હતું.