ટેસ્ટ-ડેબ્યુની રાહમાં દિવસો નહીં પણ વર્ષો ગણી રહેલો દીકરો અભિમન્યુ હવે ડિપ્રેસ થઈ ગયો છે
અભિમન્યુ પપ્પા રંગનાથન પરમેશ્વરમ ઈશ્વરન સાથે
ઉત્તર પ્રદેશનો ૨૯ વર્ષનો ટૉપ ઑર્ડર બૅટર અભિમન્યુ ઈશ્વરનના ટેસ્ટ-ડેબ્યુની રાહ હજી લંબાઈ રહી છે. વર્ષ ૨૦૨૨માં પહેલી વાર સ્ક્વૉડમાં સામેલ થયા બાદ ગયા વર્ષે ઑસ્ટ્રેલિયા અને હવે ઇંગ્લૅન્ડ ટૂર પર તેને ડેબ્યુની તક ન મળતાં તેના પપ્પા રંગનાથન પરમેશ્વરમ ઈશ્વરને રોષ વ્યક્ત કર્યો છે.
તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘હું અભિમન્યુના ટેસ્ટ-ડેબ્યુ માટે રાહ જોતાં દિવસો ગણી રહ્યો નથી, હું વર્ષો ગણી રહ્યો છું, હવે ત્રણ વર્ષ થઈ ગયાં છે. મારો દીકરો થોડો ડિપ્રેસ (ઉદાસ) દેખાય છે, પરતું એ સ્વાભાવિક છે. સમગ્ર સિરીઝ દરમ્યાન હું તેના સતત સંપર્કમાં હતો અને તેને પ્રેરિત રાખવાનો પ્રયાસ કરી રહ્યો હતો.’
અનુભવી બૅટર કરુણ નાયરનો ઉલ્લેખ કરતાં તેમણે વધુમાં કહ્યું હતું કે ‘કેટલાક પ્લેયર્સ IPL પ્રદર્શનના આધારે ઝડપથી ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવી લે છે. ટેસ્ટ-ક્રિકેટ માટે ટીમ પસંદ કરતી વખતે IPL પ્રદર્શનને ગણવું જોઈએ નહીં. રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફી અને ઈરાની ટ્રોફી ટેસ્ટ-ટીમમાં પસંદગીનો આધાર હોવો જોઈએ.’
અભિમન્યુ ૧૦૩ ફર્સ્ટ ક્લાસ મૅચમાં ૨૭ સેન્ચુરી અને ૩૧ ફિફ્ટીના આધારે ૭૮૪૧ રન ફટકારી ચૂક્યો છે.


