પપ્પાએ વધાવ્યો ખરો, પણ કહ્યું કે તું ૨૩ રન માટે ચૂકી ગયો ફેરારી
આર્યવીર સેહવાગ
ભારતના ભૂતપૂર્વ સ્ફોટક ક્રિકેટર વીરેન્દર સેહવાગના ૧૭ વર્ષના દીકરા આર્યવીર સેહવાગે ગુરુવારે અન્ડર-૧૯ ક્રિકેટરો માટેની કૂચ બિહાર ટ્રોફીની મૅચમાં ૨૯૭ રનની જોરદાર ઇનિંગ્સ રમી હતી. ચાર દિવસની મૅચમાં દિલ્હી વતી ઓપનિંગમાં આવીને આર્યવીરે મેઘાલય સામે શિલ્લોંગમાં આ સિદ્ધિ નોંધાવી હતી. ૩૦૯ બૉલમાં ૫૧ ફોર અને ત્રણ સિક્સર મારીને આર્યવીર ત્રણ રન માટે ટ્રિપલ સેન્ચુરી ચૂકી ગયો હતો.
દીકરાની આ સિદ્ધિ પર પપ્પા સેહવાગે સોશ્યલ મીડિયા પર તેને વધાવતાં કહ્યું હતું કે તું ૨૩ રન માટે ફેરારી ચૂકી ગયો.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે સેહવાગે ૨૦૦૪માં પાકિસ્તાન સામે મુલતાનમાં ભારત વતી પહેલી ટ્રિપલ સેન્ચુરી ફટકારી હતી. ૪ વર્ષ પછી સાઉથ આફ્રિકા સામે ચેન્નઈમાં તેણે પોતાનો જ રેકૉર્ડ તોડીને ૩૧૯ રનની ઇનિંગ્સ રમી હતી. આ તેનો હાઇએસ્ટ ટેસ્ટ-સ્કોર હતો. સેહવાગે ૨૦૧૫માં તેના દીકરાઓને પ્રૉમિસ કર્યું હતું કે તેઓ જો તેનો ૩૧૯ રનનો ટેસ્ટ-રેકૉર્ડ તોડશે તો તેમને ગિફ્ટમાં ફેરારી કાર મળશે. ગુરુવારે આર્યવીરે જો ૨૩ રન વધુ કર્યા હોત તો તેના ૩૨૦ રન થઈ ગયા હોત અને તે પપ્પાથી આગળ નીકળી ગયો હોત. એટલે જ સેહવાગે તેને સંબોધીને લખ્યું હતું કે તું ૨૩ રન માટે ફેરારી ચૂકી ગયો.


