Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આજે જીતતાં ભારત શ્રીલંકાને વન-ડેમાં સૌથી વધુ વાર પરાસ્ત કરનાર ટીમ બનશે

આજે જીતતાં ભારત શ્રીલંકાને વન-ડેમાં સૌથી વધુ વાર પરાસ્ત કરનાર ટીમ બનશે

20 July, 2021 12:16 PM IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આજે બીજી વન-ડેમાં ધવનસેનાનો ટાર્ગેટ સિરીઝ-વિજય, લંકનો સામે ૯૩મી જીત સાથે ટીમ ઇન્ડિયા પાકિસ્તાનને પાછળ છોડશે.

જો ભારત આજે મૅચ જીતી ગયું તો એ શ્રીલંકા સામેની ભારતની સતત આટલામી જીત હશે

જો ભારત આજે મૅચ જીતી ગયું તો એ શ્રીલંકા સામેની ભારતની સતત આટલામી જીત હશે


શિખર ધવનના નેતૃત્વમાં ‘બી’ ગ્રેડની ભારતીય ટીમે પહેલી વન-ડેમાં યજમાન  શ્રીલંકા સામે ‘એ’ ગ્રેડનો પર્ફોર્મન્સ દેખાડી ૭ વિકેટે જીત મેળવી હતી. હવે આજે બીજી વન-ડેમાં પણ ધવનસેના એ જુસ્સા સાથે મેદાનમાં ઊતરીને સિરીઝ જીતશે એવી અપેક્ષા છે. 

બદલાવની શક્યતા ઓછી
પહેલી મૅચમાં ટીમના પર્ફોર્મન્સને જોતાં આજે પ્લેઇંગ ઇલેવનમાં બદલાવની શક્યતા બહુ ઓછી છે. મનીષ પાન્ડે અને ભુવનેશ્વરકુમાર સિવાય દરેકે અપેક્ષા પ્રમાણે અથવા એથી વધુ પર્ફોર્મ કરીને ચાહકોને ચૂપ કરી દીધા હતા. ભુવનેશ્વરકુમારે ૯ ઓવરમાં એકેય વિકેટ ન લેતાં ૬૩ રન આપ્યા હતા અને મનીષ પાન્ડે ૪૦ બૉલમાં ૨૬ રન જ બનાવી શક્યો હતો. ટીમ મૅનેજમેન્ટ કદાચ તેમને આજે વધુ એક માકો આપી શકે છે. ટીમ મૅનેજમેન્ટનું પ્રથમ લક્ષ્ય આજે જીત સાથે સિરીઝ કબજે કરી લેવાનું હશે. ત્યાર બાદ જ ત્રીજી  અને છેલ્લી વન-ડેમાં વધુ યંગસ્ટાર્સને ટૅલન્ટ બતાવવાનો મોકો આપશે.   



ચમકારો બતાવ્યો, ચમત્કાર ન કરી શક્યા
બીજી તરફ લંકન ટીમના બિનઅનુભવી ખેલાડીઓએ ૨૬૨ રન બનાવીને તેમની ટૅલન્ટનો ચમકારો બતાવ્યો હતો, પણ તેઓ જીત નહોતા મેળવી શક્યા. મોટા ભાગના બૅટ્સમેનો સારી શરૂઆતને મોટા સ્કોરમાં બદલી નહોતા શક્યા. લંકન કૅપ્ટન દાસુન શનાકાએ જોકે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બૅટ્સમેનો પહેલી મૅચમાં અનુભવથી શીખીને આજે ૩૦૦ પ્લસનો સ્કોર બનાવશે. 


ટીમ ઇન્ડિયા ઑન ટૉપ
રવિવારની શ્રીલંકાની જીત એ ભારતની એની સામેની ૧૬૦મી મૅચમાં ૯૨મી જીત હતી. આ સાથે ભારત શ્રીલંકા સામે વન-ડેમાં સૌથી વધુ જીત મેળવનાર ટીમમાં પાકિસ્તાન સાથે સંયુક્ત રીતે પહેલા નંબરે પહોંચી ગઈ છે. પાકિસ્તાને પણ શ્રીલંકાને ૧૫૫ મૅચમાં ૯૨ વાર પરાસ્ત કરી છે. જોકે આજે ધવનસેના વધુ એક વિજય મેળવીને આ બાબતે ૯૩ જીત સાથે પાકિસ્તાનને પછાડીને પ્રથમ નંબરે પહોંચી જશે. આ બાબતે ત્રીજા નંબરે ઑસ્ટ્રેલિયા છે જેણે ૯૭ મૅચમાં ૬૧ જીત મેળવી છે. 

પહેલા બૉલે સિક્સર, બર્થ-ડે બૉય કિશને પ્રૉમિસ પાળ્યું
રવિવારે બર્થ-ડેના દિવસે જ ઈશાન કિશને પહેલા જ બૉલમાં સિક્સર ફટકારીને વન-ડેમાં ધમાકેદાર ડેબ્યુ કર્યું હતું. મૅચ બાદ ઈશાને કહ્યું હતું કે ડ્રેસિંગરૂમમાં મેં બધાને કહી દીધું હતું કે પહેલો બૉલ ગમે તેવો હોય, સિક્સર ફટકારીને જ વન-ડે કરીઅરની શરૂઆત કરીશ અને તેણે ધનંજય ડિસિલ્વાના પહેલા જ બૉલમાં આગળ આવીને શાનદાર સિક્સર ફટકારીને આપેલું પ્રૉમિસ પાળ્યું હતું. 


આ સાથે સિક્સર ફટકારીને વન-ડે કરીઅરની શરૂઆત કરનાર તે પ્રથમ ભારતીય બૅટ્સમૅન બન્યો હતો. મુંબઈ ઇન્ડિયન્સનો તેનો સાથીખેલાડી અને વન-ડે તેમ જ ટી૨૦માં તેની સાથે ડેબ્યુ કરનાર સૂર્યકુમાર યાદવે પણ આવી કમાલની એન્ટ્રી કરી હતી. સૂર્યકુમારે ઇંગ્લૅન્ડ સામે તેની કરીઅરની પ્રથમ ટી૨૦માં પહેલા જ બૉલમાં સિક્સર ફટકારી હતી.

રણતુંગાની બોલતી બંધ કરી દીધી
ભારતની ‘સેકન્ડ ગ્રેડ’ની ટીમ સામે રમવાને શ્રીલંકાનું અપમાન ગણાવનાર ભૂતપૂર્વ શ્રીલંકન કૅપ્ટન અર્જુન રણતુંગા રવિવારે હાર્યા બાદ સોશ્યલ મીડિયામાં ભારે ટ્રોલ થયો હતો. મૅચમાં લંકનો સાવ જ વામણા પુરવાર થયા હતા અને ‘સેકન્ડ ગ્રેડ’ની ભારતીય ટીમે ૧૩ ઓવર બાકી રાખીને ૭ વિકેટે ‘એ ગ્રેડ’નો વિજય મેળવ્યો હતો.

૨૫ના આંકડાનો અનોખો સંયોગ
પ્રથમ વન-ડેમાં બન્ને ટીમમાં ૨૫ના આંકડાનો એક અનોખો સંયોગ જોવા મળ્યો હતો, જે બન્નેના કૅપ્ટન અને વિકેટકીપર સાથે જોડાયેલા છે. મુખ્ય ભારતીય ટીમ ઇંગ્લૅન્ડમાં વ્યસ્ત હોવાથી યુવા ખેલાડીઓ સાથેની શ્રીલંકા ગયેલી ભારતીય ટીમના કૅપ્ટનની જવાબદારી શિખર ધવનને સોંપવામાં આવી છે, જ્યારે સ્ટ્રગલ કરી રહેલી અને પરિવર્તનકાળમાંથી પસાર થઈ રહેલી લંકન ટીમની કમાન દસુન શનાકાને મળી છે. આ બન્ને ખેલાડીઓ બન્ને વન-ડે ટીમના ૨૫મા કૅપ્ટન હતા. બીજી તરફ બન્નેના યુવા વિકેટકીપર ઈશાન કિશન અને મિનોદ ભાનુકા પણ બન્ને દેશના વન-ડેમાં ૨૫મા વિકેટકીપર છે. 

શ્રીલંકા સામે સૌથી વધુ વન-ડે જીતનાર ટીમ
ટીમ               મૅચ    જીત    હાર    ટાઈ     પરિણામ નહીં
ભારત             ૧૬૦    ૯૨    ૫૬    ૧          ૧૧    
પાકિસ્તાન    ૧૫૫    ૯૨    ૫૮    ૧             ૪
ઑસ્ટ્રેલિયા    ૯૭    ૬૧    ૩૨    ૦               ૪


શિખર ધવનના ઓપનર તરીકે ૧૦,૦૦૦ રન

અણનમ ૮૬ રનની કૅપ્ટન્સ ઇનિંગ્સ રમીને ધવને રવિવારે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૧૦,૦૦૦ રનનો માઇલસ્ટોન પાર કરી લીધો હતો. આવી કમાલ કરનાર તે ભારતનો પાંચમો ઓપનર અને ઓવરઑલ ૧૪મો ખેલાડી બન્યો હતો. આ પહેલાં ઓપનર તરીકે આવી કમાલ વીરેન્દ્ર સેહવાગ, સચિન તેન્ડુલકર, સુનીલ ગાવસકર અને રોહિત શર્મા કરી ચૂક્યા છે. 
આ ઉપરાંત ધવનની આ હાફ સેન્ચુરી વન-ડેમાં તેની ૫૦મી વાર ૫૦ પ્લસનો સ્કોર બની હતી. ધવને ૧૭ સેન્ચુરી અને ૩૩ હાફ સેન્ચુરી ફટકારી છે. આવી કમાલ કરનાર ધવન ૧૦મો ભારતીય ખેલાડી બન્યો છે. આ પહેલાં સચિન તેન્ડુલકર (૧૪૫), સૌરવ ગાંગુલી (૯૩), રોહિત શર્મા (૭૨), રાહુલ દ્રવિડ (૯૪), મહેન્દ્ર સિંહ ધોની (૮૨), યુવરાજ સિંહ (૬૬), મોહમ્મદ અઝહરુદ્દીન (૬૫) અને વીરેન્દર સેહવાગ (બાવન) આવી કમાલ કરી ચૂક્યા છે. 

Whatsapp-channel Whatsapp-channel

20 July, 2021 12:16 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK