મેડિકલ કે પછી એન્જિનિયરિંગ જેવાં ક્ષેત્રમાં આગળ વધવાનું ઘણા વિદ્યાર્થીઓનું સપનું હોય છે. વળી, વિદ્યાર્થીઓ તનતોડ મહેનત પણ કરતાં હોય છે. પરંતુ એવા ઘણા અવરોધો હોય છે જે આવા વિદ્યાર્થીઓને ભાંગી પાડે છે. એવો જ એક અવરોધ એટલે શરૂઆતના ફર્સ્ટ યરમાં બાઉન્સર જતાં નવા કોન્સેપ્ટ. વળી, જો વિદ્યાર્થી વર્નાક્યુલર મીડિયમના દાદરા ઉતરીને આવ્યો હોય તો એની માટે એક તો ભાષા અને બીજું જે-તે નવા વિષયની ટર્મિનોલૉજી સમજવાનું કપરું થઈ પડતું હોય છે. પરંતુ આજે મારે એના રામબાણ ઈલાજની વાત કરવી છે અને એ રામબાણ ઈલાજને શોધનાર મૂળ વડોદરાની ધરાના દંપતીની પણ વાત કરવી છે. આ દંપતી છે કેદાર દેસાઇ અને તેમના ધર્મપત્ની અમીષા દેસાઇ. તેઓ વડોદરા શહેરમાં એક અનુવાદ કંપની ADEZINES® ચલાવી રહ્યા છે. હવે, તેઓએ પોતાની આ કંપની હેઠળ MedMeanings® અને TechMeanings® જેવાં નવતર શબ્દકોષ ઍપ્લિકેશન્સ તૈયાર કર્યા છે. આ એપ્લિકેશન્સના માધ્યમથી કોઈપણ વિદ્યાર્થી ખૂબ જ સહજ રીતે એલોપથી, હોમિયોપેથી, સાયન્સ, ટેકનોલોજી તેમ જ એન્જિનિયરિંગને લગતા અઘરા ટર્મ્સ કે કોન્સેપ્ટને અંગ્રેજીથી ગુજરાતી શબ્દકોશના માધ્યમે સમજી શકે છે. એન્ડ્રોઇડ તેમ જ અને આઇઓએસ એમ બંને પ્લૅટફોર્મ પર એકમાત્ર અંગ્રેજીથી ગુજરાતી શબ્દકોશ ધરાવતી આ ઍપ્સે વર્લ્ડ રેકૉર્ડ પણ સ્થાપિત કર્યો છે. આ બંને નવતર એપ્લિકેશન તૈયાર કરનાર કેદાર દેસાઇએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે પોતાના કાર્યો વિશે રોચક માહિતી શૅર કરી હતી. આવો, જાણીએ શું કહે છે કેદાર દેસાઈ...
18 February, 2024 03:12 IST | Vadodara | Dharmik Parmar