સ્ત્રી અને પુરુષોના પ્રાઇવેટ પાટ્ર્સ પર આવેલા વાળ દૂર કરી શકાય ખરા?
તન-મન ને સંવનન - ડૉ. મુકુલ ચોકસી
સ્ત્રી-પુરુષને પ્યુબર્ટી બાદ યુવાનીમાં પ્રવેશતાંની સાથે જ પ્રાઇવેટ પાટ્ર્સ ફરતે વાળ ઊગવાના શરૂ થઈ જાય છે. કેટલાકને એ અલ્પ માત્રામાં હોય છે તો કેટલાકને ઘેરા હોય છે. આ વાળને વ્યક્તિની સેક્સ્યુઅલિટી સાથે ઝાઝો સંબંધ હોતો નથી, પણ જે પુરુષમાં હૉર્મોન ટેસ્ટોસ્ટેરોનનો સ્રાવ ઓછો થતો હોય તેને વાળ ઓછા હોય છે. જોકે આવા પુરુષને દાઢી-મૂછ કે બગલના વાળ પણ અલ્પ માત્રામાં હોય છે. વાળ ઇવૉલ્યુશનરી સેક્સમાં કદાચ પ્રાઇવેટ પાટ્ર્સને રક્ષણ પૂરું પાડતા હશે. માનવી નગ્નાવસ્થામાં જીવતો હશે ત્યારે પ્રાગૈતિહાસિક કાળમાં પ્રાઇવેટ પાટ્ર્સ પરના વાળ એને ગરમી અને ઠંડીથી બચાવવા ઉપરાંત અન્યોની નજરથી બચાવવાનું પણ કાર્ય કરતા હોય તો નવાઈ નહીં.
ADVERTISEMENT
પ્યુબિક હેરને પણ શરીરની અન્ય કેશરાશિઓની જેમ ટ્રીટ કરવા પડે. એને સ્વચ્છ રાખવા પડે અને નિયમિત સાબુથી ધોવા પડે. એને કાતર યા રેઝરથી દૂર કરી શકાય. સેક્સ-પાર્ટનરને જો એસ્થેટિકલી સારા ન લાગે તો આ વાળને દૂર કરવામાં કોઈ ખાસ વાંધો નથી. છોકરીઓ પણ ઇચ્છે તો અને ત્યારે આ પ્યુબિક હેરને શેવ કરી શકે છે. ઘણાં છોકરા-છોકરીઓ શરમના માર્યા આ હેરનું શેવિંગ કરતાં અચકાય છે તો ઘણાં કેવળ એ હોવાથી શરમ અનુભવે છે. પ્યુબિક હેરના શેવિંગ બાબતે પાર્ટનર વચ્ચે માનસિક ખટરાગ ઊભો થયો હોવાના કિસ્સાઓ પણ જાણવા મળે છે.
જથ્થાબંધ પ્યુબિક હેર યુવાન છોકરાઓમાં એક વિચિત્ર સમસ્યા ઊભી કરે છે. તેમને જ્યારે શિશ્નોત્થાન થાય છે ત્યારે સુન્ન્ાત ન થઈ હોય એવા છોકરાના શિશ્નની અગ્રત્વચા નૅચરલી રોલબૅક થઈને ઉપર સરકી જાય છે એટલે શિશ્નનો ઊતરતો ટોચનો ભાગ (ગ્લાન્સ પેનિસ) ખુલ્લો થાય છે અને અન્ડરવેઅરની અંદર પ્યુબિક હેરના સંપર્કમાં આવે છે. હવે જ્યારે શિશ્ન શિથિલ થાય ત્યારે પેલી ત્વચા પાછી નીચે સરકીને ગ્લાન્સને કવર કરી દે છે. આ વખતે પેલા વાળ ગ્લાન્સ અને ફોરસ્કિનની વચ્ચે ભેરવાઈ જાય છે એટલે ત્યાર બાદ પેશાબ માટે છોકરો શિષ્નને ઍડ્જસ્ટ કરવા જાય ત્યારે પેલા અંદર ભેરવાયેલા વાળ ખેંચાવાથી દુખાવો થઈ શકે છે. જોકે આ કોઈ બીમારી નથી અને એની કોઈ સારવાર જરૂરી નથી, સિવાય શેવિંગ. શેવિંગમાં બીજી એક નાની મૂંઝવણ એ થાય છે કે પ્યુબિક હેર શેવ કર્યા બાદ ફોરપ્લે દરમ્યાન એ ભાગને પાર્ટનરનું શરીર અડે ત્યારે નવા ઊગતા વાળ ખરબચડા અને અણિયાળા હોવાથી વાગે છે જે તેમના કામાનુભાવમાં અડચણ પેદા કરી શકે છે. જોકે આવું શેવિંગ કર્યાના બે-ત્રણ દિવસથી માંડીને અઠવાડિયા-દસ દિવસ સુધી રહે છે. ત્યાર બાદ વાળની સાઇઝ વધવાથી એ બરછટતાપણું દૂર થઈ જાય છે.
પ્યુબિક હેરને ધોવા માટે ગરમ પાણી અને સાદો સાબુ બહુ છે. એને માટે કોઈ વિશેષ શૅમ્પૂની જરૂર હોતી નથી. પ્યુબિક હેર અફર્કોસ યોગ્ય રીતે જો સ્પર્શ પામે તો વિશેષ જાતીય અનુભૂતિઓ પણ જન્માવી શકે છે. મુખમૈથુન કરનારા યુગલે પ્યુબિક હેરની સવિશેષ સ્વચ્છતા રાખવી જરૂરી છે. એમાં ગૂંચ, પરસેવો, ખોડો, જૂ વગેરે ન હોવાં જોઈએ. પ્યુબિક હેર સમાગમમાં કદી કોઈને નડતા નથી, પણ સ્ત્રીમાં વધુપડતા પ્યુબિક હેર ક્લિટોરિસને ઢાંકી દઈ શકે છે. જોકે એ સ્રીના આનંદમાં ખલેલજનક બાબત નથી.
ગેરસમજ
ગર્ભવતી સ્ત્રી જાતીય સમાગમ ન કરી શકે. એનાથી ગર્ભને નુકસાન થાય છે
હકીકત
ગર્ભવતી સ્ત્રી કામ-સમાગમ કરી શકે છે. જો વારંવાર અબૉર્શન થતું હોય અથવા અન્ય કોઈ કારણસર સ્ત્રીરોગનિષ્ણાતે ના કહી હોય તો એ અપવાદ બાદ કરતાં તેમ જ ગર્ભાવસ્થાનો પ્રથમ અને અંતિમ મહિનો બાદ કરતાં વચ્ચેના સમયગાળામાં ગર્ભવતી સ્ત્રી જાતીય આનંદ લઈ શકે છે
પ્રાઇવેટ પાર્ટ્સની સ્વચ્છતા માટેની કાળજી
જેમ આપણે હાથ-પગ, આંખ-કાન, ત્વચા-વાળ-નખને સ્વચ્છ અને ફ્રેશ રાખીએ છીએ એમ પ્રાઇવેટ પાર્ટ્સની પણ યોગ્ય માવજત કરવી અને સ્વચ્છતા જાળવવી ખૂબ જ જરૂરી છે.
રોજ નાહતી વખતે સ્ત્રીઓએ પ્રાઇવેટ પાર્ટ્સને બહારથી પાણીથી કે નાહવાના સાબુથી સાફ કરવા જરૂરી છે. યોનિમાર્ગની અંદર સાબુનું પાણી કે વજાઇનલ ડૂશ વગેરે નાખવાનું ટાળવું. એમ કરવાથી અંદરની ત્વચાને નુકસાન થઈ શકે છે.
પ્રાઇવેટ પાર્ટ્સમાં બહારની ધૂળ, રજકણ કે પ્રદૂષણની અસર નથી થતી; પણ પરસેવો, વાળ, ચીકાશવાળો યોનિસ્રાવ અને ત્વચાના મૃતકોષોને કારણે દુર્ગંધ કે ચેપની શક્યતાઓ રહે છે. એ માટે નિયમિત સફાઈ જરૂરી છે.
સિન્થેટિક કે અત્યંત ચુસ્ત આંતરવjાો પહેરવાને બદલે થોડાંક લૂઝ, હવાની અવરજવર થઈ શકે એવાં અને કૉટનનાં અન્ડરગાર્મેન્ટ્સ પહેરવાં જોઈએ. એ પરસેવાને શોષી શકે છે અને ભીનાશ ઘટતાં સ્વચ્છતા જાળવવામાં પણ મદદરૂપ બને છે.
મળોત્સર્જન બાદ મળમાર્ગની સફાઈ કરતી વખતે સ્ત્રીઓએ યોનિમુખ તરફથી શરૂ કરીને મળદ્વાર તરફ આગળ વધારવી જોઈએ. ઊલટી દિશામાં હાથ ફેરવવાથી મળમાર્ગના જંતુઓ યોનિમાર્ગના સંપર્કમાં આવતાં ઇન્ફેક્શન થવાની શક્યતાઓ રહે છે.
પુરુષોએ પણ દિવસમાં એક વાર અને બને તો બે વાર નાહવાના સાબુ અને હૂંફાળા પાણી વડે પ્રાઇવેટ પાર્ટ્સને ધોઈ સ્વચ્છ કપડા વડે લૂછીને કોરા કરવા. સફાઈ દરમ્યાન શિશ્નની ઉપર આવેલી સરકતી અગ્રત્વચાને હળવેથી સરકાવીને શિષ્નમણિના ટોચ જેવા ભાગને પણ સાફ કરવાનું ભૂલવું નહીં. ટોચના ભાગને સાફ કરતી વખતે ખાંચામાં આવેલા સફેદ ચીકાશયુક્ત ચોંટેલા મેલને પણ સાફ કરવો. આ મેલને સ્મેગ્મા કહેવાય છે જે જમા થવાથી દુર્ગંધ અને ચેપ ફેલાઈ શકે છે. આ મેલ પરસેવો, ધૂળ, રજકણ, સ્રાવો, વાળ અને પેશાબનાં ટીપાં જેવા કચરામાંથી બનેલો હોવાથી એને રોજેરોજ દૂર કરવો જરૂરી બને છે.
માત્ર નાહતી વખતે જ નહીં, સમાગમ પછી પણ સ્ત્રી અને પુરુષ બન્નેએ પોતાના પ્રાઇવેટ પાર્ટ્સને સ્વચ્છ પાણીથી સાફ કરવા જરૂરી છે.


