વર્ષે એક જ વાર દિવસ ને રાત એકસરખાં હોય
(સાયન્સ પ્લીઝ - જગદીશચંદ્ર ભટ્ટ)
અનંત, અફાટ અને રહસ્યમય અંતરીક્ષમાં અને આપણી પૃથ્વી પર સતત અનેક અજીબોગરીબ ઘટનાઓ બનતી રહે છે. દિવસ અને રાત્રિ, શિયાળો, ઉનાળો અને ચોમાસું, ધરતીકંપ, સુનામી જ્વાળામુખીના વિસ્ફોટ વગેરેથી લઈને નવા-નવા તારા અને ગ્રહોનું સર્જન વગેરે કુદરતી પ્રક્રિયાઓ ખરેખર કલ્પનાતીત છે. સામાન્ય લોકોને તો દિવસ એટલે સૂર્યનો ઉદય અને રાત એટલે સૂરજનો અસ્ત એટલી જ સમજ હોય છે. વળી, પ્રત્યેક દિવસ અને રાત એક જ સરખાં હોય છે. એટલે કે દરેક દિવસનો અને દરેક રાત્રિનો સમય એક જ સરખો હોય એવું પણ માનતા-સમજતા હોય છે. હા, જૂની પેઢીના લોકોને એટલી જાણકારી હોય છે કે શિયાળાના દિવસો ટૂંકા અને રાત લાંબી હોય. આ ખગોળીય પરિવર્તનને સરળ રીતે સમજીએ તો અમુક ચોક્કસ દિવસ અને ચોક્કસ રાતનો સમય જ એકસરખો હોય. તો વળી, અમુક દિન આખા વરસમાં સૌથી લાંબો હોય, જ્યારે અમુક દિવસ આખા વર્ષમાં સૌથી નાનો એટલે કે ટૂંકો પણ હોય છે.
ADVERTISEMENT
હજી હમણાં જ ગયેલી ૨૦૧૨ની ૨૦ માર્ચે દિવસ અને રાત્રિ એક જ સરખાં હતાં. એટલે કે ૨૦ માર્ચે દિવસ અને રાત્રિ બન્નેનો સમય એક જ સરખો હતો. વળી, પ્રકૃતિની આવી કરામત ૨૨ જૂને પણ જોવા મળે છે. એટલે કે દર ૨૨ જૂનનો દિવસ આખા વર્ષમાં સૌથી લાંબો હોય અને રાત સૌથી ટૂંકી હોય. ઉપરાંત પ્રત્યેક ૨૨મી ડિસેમ્બરે દિવસ સૌથી નાનો હોય જ્યારે રાત સૌથી લાંબી હોય. જોકે દિવસ અને રાતનું આવું અજીબોગરીબ પરિવર્તન શા માટે અને કઈ રીતે થતું હોય તેની ખગોળીય, પરંતુ રસપ્રદ માહિતી જાણવા-સમજવા જેવી છે.
૨૦ માર્ચે દિવસ-રાત એકસરખાં આપણી પૃથ્વી તેની ધરી પર ૨૩.૫ અંશે ઝૂકેલી રહીને સૂર્યની પ્રદક્ષિણા કરે છે અને ૩૬૫ દિવસમાં એટલે કે એક વર્ષમાં એક ચક્કર પૂરું કરે છે. બીજી બાજુ સૂરજ પણ ખગોળીય વિષુવવૃત્ત પર ૨૩.૫ ડિગ્રીનો કોણ બનાવીને ગતિ કરે. પરિણામે પૃથ્વી અને સૂરજ બન્નેની ગતિના ખૂણા એક જ સરખા એટલે કે ૨૩.૫ થાય. આવી સ્થિતિમાં પૃથ્વી અને સૂર્ય બન્નેનાં સર્કલ્સ એકબીજાને બે બિંદુએ છેદે. પૃથ્વી અને સૂર્યનારાયણની ગતિની આવી વિશિષ્ટ ઘટના બરાબર ૨૦ માર્ચે એકસરખી થતી હોવાથી એ તબક્કે દિવસ અને રાત પણ એકસરખાં રહે. સરળ રીતે સમજીએ તો દર ૨૦ માર્ચે દિવસ અને રાત્રિનો સમય એક જ સરખો એટલે કે ૧૨ કલાકનો દિવસ અને ૧૨ કલાકની રાત હોય.
જોકે કોઈક વખત પ્રકૃતિના આ સમયપત્રકમાં બહુ થોડોક ફેરફાર પણ થતો હોવાથી ૧૯ માર્ચે તથા ૨૧ માર્ચે પણ દિવસ અને રાત્રિ એકસરખાં રહે છે. હજી હમણાં સુધી પ્રકૃતિની આ વિશિષ્ટ ઘટના ૨૧ માર્ચે થતી હતી, પરંતુ આ વર્ષે આ કરામત ૨૦ માર્ચે થઈ હતી. દિન અને રાત બન્ને એકસરખાં એટલે કે બન્નેનો સમય બાર-બાર કલાકનો હોય તે ખગોળીય ઘટનાને ઇક્વિનોક્સ કહેવાય છે. ઇક્વિનોક્સ શબ્દ મૂળ લેટિન ભાષાનો છે, જેમાં aequus એટલે equal (સમાન) અને nox એટલે night (રાત) એવો અર્થ થાય છે.
પૃથ્વીની અને સૂરજની વિશિષ્ટ ગતિવિધિને કારણે જે કોઈ નૈસર્ગિક ફેરફાર થાય છે એને સીધી અસર સમગ્ર સૃષ્ટિ સાથે આપણા માનવજીવન પર પણ થાય છે. સરળ રીતે સમજીએ તો ૨૦ માર્ચથી પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં વસંતસંપાત (ગરમીની શરૂઆત) શરૂ થાય, જ્યારે પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં શરદસંપાત (ઠંડીની શરૂઆત) શરૂ થાય.
૨૨ જૂન વર્ષનો સૌથી લાંબો દિવસ
નિસર્ગની કરામત ફક્ત ૨૦ માર્ચે જોવા નથી મળતી, પરંતુ દર ૨૨ જૂનનો દિન આખા વર્ષમાં સૌથી લાંબો હોય. જોકે ૨૨ જૂનની આવી વિશિષ્ટ ઘટના પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં બને. સરળ રીતે સમજીએ તો ૨૨ જૂનનો દિવસ પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબો હોય જ્યારે પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં આ જ તારીખે સૌથી લાંબી રાત હોય. આવી પરિસ્થિતિમાં સૂર્યનારાયણ કર્કવૃત્ત પર હોય એટલે તેનાં કિરણો પૃથ્વી પર ત્રાંસાં પડે. જોકે જે-તે સ્થળ ચોક્કસ કેટલા અક્ષાંશ પર છે તેને આધારે એ સ્થળે સૂર્યપ્રકાશનો સમય નક્કી કરી શકાય. ઉદાહરણરૂપે ૨૨ જૂને મુંબઈમાં લગભગ ૧૩થી સાડાતેર કલાકનો દિવસ હોય. કોઈ પણ સ્થળ જેમ વધુ ઊંચા અક્ષાંશ પર હોય તેમ ત્યાં સૂર્યપ્રકાશ વધુ લાંબા સમય સુધી રહે. ૨૨ જૂને આપણે ઉત્તર ધ્રુવ પર હોઈએ તો ત્યાં ૨૪ કલાકનો અતિ લાંબો દિવસ હોય, જ્યારે આ જ ૨૨ જૂને દક્ષિણ ધ્રુવ પર હોઈએ તો ત્યાં ૨૪ કલાકની અતિ લાંબી રાત્રિ હોય.
૨૨ ડિસેમ્બર વર્ષનો સૌથી ટૂંકો દિવસ પૃથ્વી તેની ધરી પર ૨૩.૫ ડિગ્રીએ ગોળ-ગોળ ઘૂમતી રહીને સૂર્યની પ્રદક્ષિણા કરતી હોવાથી દિવસ-રાત અને ઋતુનું વિશિષ્ટ ચક્ર થાય છે. ૨૨ ડિસેમ્બરે વર્ષના સૌથી ટૂંકા દિવસની વિશિષ્ટ ઘટના બને છે. જોકે આવી ઘટના પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં બને છે, જ્યારે પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં આથી તદ્દન ઊલટી પરિસ્થિતિ હોય. સરળ રીતે સમજીએ તો પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં ૨૨ ડિસેમ્બર વર્ષનો સૌથી ટૂંકો દિવસ હોય, જ્યારે પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં આ જ ૨૨ ડિસેમ્બર વર્ષની સૌથી ટૂંકી રાત હોય. આવી પરિસ્થિતિમાં સૂર્યદેવ મકરવૃત્ત પર હોય અને તેનાં કિરણો ત્રાંસાં પડવાથી ઉત્તર ગોળાર્ધમાં શિયાળાની એટલે કે ઠંડીની શરૂઆત થાય. બીજી બાજુ પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળાની એટલે કે ગરમીની શરૂઆત થાય.
જોકે જેતે સ્થળ ચોક્કસ કેટલા અક્ષાંશ પર છે તેને આધારે તે સ્થળે દિવસ દરમ્યાન કેટલો સૂર્યપ્રકાશ રહે તે નક્કી કરી શકાય. ઉદાહરણરૂપે ૨૨ ડિસેમ્બરે મુંબઈમાં લગભગ સાડાદસથી અગિયાર કલાકનો દિવસ હોય. તો વળી, અમેરિકાના લૉસ ઍન્જલસમાં ૨૨ ડિસેમ્બરે ફક્ત નવથી સાડાનવ કલાકનો દિવસ હોય.
કુદરત કે પ્રકૃતિ કે નિસર્ગ જે કહો તે, પણ તે જેટલી અમાપ, અફાટ અને અગોચર છે તેટલી જ વિવિધતાસભર પણ છે. એટલે જ જે માનવી કુદરતની નજીક રહીને તેને જેટલી સમજે તેટલું તેને વધુ જ્ઞાન પ્રાપ્ત થાય. ચમત્કાર માનવી નહીં, પ્રકૃતિ જ કરી શકે તેનાં આ બધાં નક્કર ઉદાહરણો છે.

