શિશ્નોત્થાન ઓછું હોય એ જાણીતું છે, પણ વધુપડતું હોય એ બીમારી અસાધારણ છે

ADVERTISEMENT
જોકે દેશી-વિદેશી વાયેગ્રાના આગમનને એક દાયકો થઈ ગયો હોવાથી હવે વધુપડતા ઉત્થાન તથા કાયમી ઉત્થાન જેવી આ અસામાન્ય બીમારી વિશે ભાગ્યે જ જોવા-સાંભળવા મળે છે.
આજના જમાનામાં ક્યારેક નપુંસકતાની સારવાર લેતા ઘણા પુરુષો સેલ્ફ ઇન્જેક્શનની પદ્ધતિ અપનાવે છે. એમાં ક્યારેક અકસ્માતે કોઈકને અતિશય ઉત્થાન અથવા ર્દીઘકાલીન ઉત્થાન થાય છે જેને પ્રાયાપિઝમ કહે છે.
શિશ્ન સમાગમ બાદ પણ એટલે કે સ્ખલન બાદ પણ જો ઢીલું ન પડે અને પાંચ-છ કલાક બાદ પણ પૂર્ણ ઉત્થાનિત અવસ્થામાં રહે તો એને પ્રાયાપિઝમ કહેવાય છે. આ એક ગંભીર કૉમ્પ્લીકેશન ગણાય છે અને ઇમર્જન્સી સારવાર માગી લે છે. પ્રાયાપિઝમ બે પ્રકારનાં હોય છે : એક, કુદરતી અથવા અન્ય કોઈ શારીરિક રોગને કારણે થતું અને બીજું, દવા અથવા ઇજેક્શન થેરપી (પાપાવરીન, ફેન્ટોલેમાઇન, પ્રોસ્ટામ્લેન્ડિન જેવાં ડ્રગ્સ)ને કારણે થતું (આયેટ્રોજેનિક).
શિશ્નોત્થાન થાય છે ત્યારે સામાન્ય સંજોગોમાં લોહી ઇન્દ્રિયની લોહીની નળીઓમાં ભરાયેલું રહે છે. ઉત્થાનિત અવસ્થામાં ઇન્દ્રિયની લોહીની નળીઓ ખુલ્લી રહેવાથી લોહી એમાં જમા થાય છે, જે સ્ખલન બાદ શિરાઓના ખૂલવાથી દૂર થાય છે. સિકલ સેલ ડિસીઝ, પોલિસાઇથેમિયા, લ્યુકેમિયા સિકલ સેલ જેવા રોગોમાં લોહીની ઘટ્ટતા વધારે હોવાથી લોહીના લાલ કણો શિશ્નની અમુક મુખ્ય રક્તવાહિનીઓમાં જૅમ થઈ જવાથી ઇરેક્શન લાંબા સમય સુધી રહી જાય છે.
નપુંસકતા માટે વપરાતાં કેટલાંક ઇન્જેક્શનોથી પણ આવી આડઅસરો આવી શકે છે. ઇન્ટ્રાકૅવર્નોઝલ વાઝોડાઇલેટર થેરપી તરીકે જાણીતી આ ટ્રીટમેન્ટમાં ઇમ્પોટન્સીથી પીડાતા પુરુષો જાતે શિશ્નમાં પાપાવરીન, ફેન્ટોલેમાઇન, ક્લોઓમેઝિન, ફિનોક્સિબેન્ઝેમાઇન, પ્રોસ્ટાગ્લેન્ડિન નામની દવાઓનાં ઇન્જેક્શન્સ મૂકે છે જેની આડઅસરોમાંની એક પ્રાયાપિઝમ છે. પ્રાયાપિઝમ એટલે સતત લાંબો સમય ચાલતું પેઇનફુલ ઇરેક્શન. સમાગમ પછી પણ આ ઉત્થાન કાયમી રહે છે. ચાર-છ કલાક બાદ દુખાવો-પીડા શરૂ થાય છે. જો આ સ્થિતિમાં તત્કાળ સારવાર ન કરવામાં આવે તો શિશ્નમાં કાયમી અને કોઈ ઉપાય ન થઈ શકે એવી નપુંસકતા આવી શકે છે.
પ્રાયાપિઝમની સારવારમાં સૌપ્રથમ શિશ્નની એક બાજુની ઉત્તેજક પેશીઓ (કૉર્પોરા કૅવર્નોઝમ)માં મોટી સાઇઝ (૧૮ ગેજ આસપાસની સાઇઝ)ની સ્કાલ્પવેઇન નીડલ દાખલ કરવામાં આવે છે જેથી તંગ પેનિસમાંથી જામી ગયેલા લોહીને બહાર નીકળવાનો માર્ગ મળે છે. આ જંતુમુક્ત કરેલી નીડલ દ્વારા જ આપમેળે, ધીમે-ધીમે જેટલું લોહી ડ્રેઇન થાય એટલું થવા દેવામાં આવે છે. આ પ્રક્રિયામાં શરૂઆતમાં ૫૦થી ૧૦૦ મિલીમીટર જેટલું ભૂરાશ પડતું ઘટ્ટ, અશુદ્ધ, ઑક્સિજનરહિત લોહી ધીમે-ધીમે બહાર વહી આવે છે જેથી શિશ્ન હળવે-હળવે ઢીલું પડે છે. આ દરમ્યાન જો બ્લડ ક્લૉટ થયેલું જણાય તો સ્લો સલાઇનયુક્ત ડ્રેનેજ પણ કરી શકાય છે. ક્યારેક ઢીલાશ આવ્યા બાદ રીફિલિંગ પણ થઈ શકે છે. શિશ્નની ઉત્તેજક પેશીઓ અંદરથી જૉઇન્ટ હોવાથી સામાન્યત: એક જ બાજુ ડ્રેઇન કરવાથી ચાલે છે, પણ ક્યારેક પૂરતો રિસ્પૉન્સ ન મળે તો બીજી બાજુના કૉર્પસને પણ આ જ રીતે ડ્રેઇન કરવું પડે છે.
જો આટલી પ્રક્રિયા બાદ પણ પુરુષ તેના પ્રાયાપિઝમથી રિલીવ ન થાય તો ઍડ્રિનલિન નામનું એક ઇમર્જન્સી દ્રવ્ય અત્યંત લઘુતમ માત્રામાં ઇન્જેક્ટ કરવામાં આવે છે અને એ પણ જો શિશ્નને પૂર્વવત્ રીતે લૂઝ કરવામાં સફળ ન જાય તો છેવટે સર્જિકલ શન્ટ કરીને સારવાર આપવામાં આવે છે.
પ્રાયાપિઝમ ન થાય એ માટે દરદીઓ તથા ડૉક્ટરોએ આટલી કાળજી લેવી જોઈએ : (૧) જેને ડાયગ્નોસ્ટિક યા થેરપ્યુટિક ઇન્જેક્શન વાઝોડાઇલેટર આપવાનાં હોય તે દરદીના લોહીની લૅબોરેટરી તપાસ કરીને સિકલિંગ ટેસ્ટ તથા અન્ય પૉલિસાઇથેમિયા જેવા રક્તકણોના રોગો નથી એની ખાતરી કરી લેવી જોઈએ. (૨) પહેલી વાર માત્ર સાત-આઠ મિલીગ્રામ જેટલું ઓછું પાપાવરિન આપીને ચેક કરી જોવું. પછી ધીમે-ધીમે પ્રત્યેક બેઠકે ડોઝ વધારતા જવું. (૩) મેગાડોઝ એટલે કે ચાલીસ મિલીગ્રામથી વધારે ડોઝ યા બે દવાઓનું મિશ્રણ આપતી વખતે વિશેષ કાળજી રાખવી. (૪) દરદીને લેખિત સૂચના આપવી કે જો ઇરેક્શન થયાના બે-ત્રણ કલાકમાં શિશ્ન પૂર્વવત્ ન થાય તો તત્કાળ ડૉક્ટરનો સંપર્ક કરવો. (૫) ધારેલું ઇન્જેક્શન ન મળે તો બીજું ઇન્જેક્શન તત્કાળ લેવાની ભૂલ ન કરવી. (૬) પાપાવરિન સાથે શિષ્નમાં કડકપણું લાવનારાં અન્ય ડ્રગ્સ જેવાં કે ટાઝાડોન, યોહિમ્બિન કે સિલ્ડેનાફિલ ન લેવાય એની કાળજી રાખવી. (૭) પાપાવરિનના ડોઝના કૅલ્ક્યુલેશનમાં સાવધાની રાખવી. (૮) જો ઇન્જેક્શન લીધાના એકાદ કલાક બાદ, સ્ખલન બાદ પણ પ્રાયાપિઝમ રિલીવ ન થાય તો લિંગ તરફ બરફ લગાવવાથી પણ ક્યારેક જરૂરી સંકોચન મળી રહે છે અને ઉત્થાન દૂર થઈ શકે છે. (૯) ક્યારેક બીજી વાર સ્ખલન કરી નાખવાથી પણ ઉત્થાનને દૂર કરી શકાય છે. જોકે બધા માટે એ શક્ય નથી હોતું. વળી પાપાવરિન પોતે પણ ઇન્જેક્યુલેટરી રિસ્પૉન્સને લંબાવી દે છે. (૧૦) પ્રાયાપિઝમ વિશેની જાણકારી તથા સભાનતા જ એને રોકવામાં સૌથી વધુ મહત્વનાં છે. કેટલાક લોકો રાત્રિની શરૂઆતમાં ઇન્જેક્શન લઈ સમાગમ કરીને ઊંઘી જાય છે અને મળસ્કે શિશ્નમાં પીડા થતાં જાગી જાય ત્યારે જ પ્રાયાપિઝમ થયાની જાણ થાય છે. આમ થતું રોકવા માટે સમાગમ બાદ શિશ્ન ઢીલું ન થાય ત્યાં સુધી જાગતા રહેવું જરૂરી છે.

