યુરિનમાં વીર્ય વહી જાય છે એ ખોટી ભ્રમણા જ છે
સંબંધ-સરિતા - ડૉ. રવિ કોઠારી
પેશાબના માર્ગે ધાતુ વહી જવાને કારણે આવેલી નબળાઈ, નામર્દગી અને શીઘ્રસ્ખલનની સમસ્યા માટે મળો... એક અઠવાડિયામાં ફાયદો થવાની ગૅરન્ટી... પુરુષાતનમાં વૃદ્ધિ થશે...
આવી જાહેરાતો તમને ભારતમાં જ જોવા મળશે. એ પણ અંતરિયાળ ગામો અને અલ્પશિક્ષિત વિસ્તારોમાં જ. શરીરની એક સામાન્ય ક્રિયાને રોગ ગણાવીને એ વિશે માણસોમાં જાતજાતની ગ્રંથિઓ હાથે ઊભી કરીને કમાણી ઊભી કરતા લોકોનો તોટો નથી. એમાં જાતે બની બેઠેલા અને ઊંટવૈદું કરતા લોકોનાં ગજવાં ભરવા સિવાય કોઈ ફાયદો નથી થતો.
ઘણા લોકો ફરિયાદ લઈને આવે છે:
પેશાબની સાથે ધાતુ વહી જાય છે. એને કારણે ખૂબ નબળાઈ લાગે છે... ધાતુ વહી જવાને કારણે સુસ્તી અને કમજોરી લાગ્યા કરે છે. કામ કરવાનું મન નથી થતું અને થોડુંક કામ કરીને થાક લાગી જાય છે...
પોતાની આ સમસ્યા દૂર કરવા પુરુષો જાતજાતના નુસખાઓ અપનાવવા તૈયાર થઈ જાય છે. આ વાતમાં ખરેખર તથ્ય કેટલું છે એ સમજવું જરૂરી છે.
એક વાત સમજવાની જરૂર છે કે વિશ્વભરમાં રહેતા માનવોની શરીરરચના એકસરખી જ હોય છે. એમ છતાં માત્ર ભારતના પુરુષોને જ આવી ધાતુ વહી જવાની તકલીફ કેમ થતી હશે? આ સિન્ડ્રૉમ આપણે ત્યાં ફૂલવા-ફાલવાનું મુખ્ય કારણ માત્ર દેખ્યાનું ઝેર છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આપણે ત્યાં ઇંગ્લિશ સ્ટાઇલના બેઠકવાળા ટૉઇલેટ કમોડનું ચલણ વધ્યું છે. બાકી એ પહેલાં અને હજીયે મોટા ભાગનાં ઘરોમાં ઇન્ડિયન સ્ટાઇલનું ઉભડક બેસવાનું ટૉઇલેટ કમોડ હોય છે. ઉભડક બેસવાને કારણે મળત્યાગ દરમ્યાન પેઢુના સ્નાયુઓ પર વધુ પ્રેશર આવે છે. ઘણી વાર પુરુષોમાં પેશાબ કરતી વખતે અથવા તો મળત્યાગ દરમ્યાન ઇન્દ્રિયના માર્ગેથી સફેદ રંગના ચીકણા અને ઘટ્ટ પ્રવાહીનાં બે-ચાર ટીપાં નીકળી જાય છે. લોકો આ લિક્વિડને ધાતુ અથવા તો વીર્ય માને છે. વીર્ય એમ જ નીકળી જાય તો નબળાઈ આવી જાય એવી માન્યતાને કારણે આ લક્ષણને રોગ માનીને તેઓ એની ચિકિત્સા કરાવવા દોડી જાય છે. આ લિક્વિડ વીર્ય નથી પરંતુ યુરેથ્રલ ગ્રંથિમાંથી નીકળતો એક સ્રાવ છે. જેમ આપણા શરીરના વિવિધ અવયવોમાં સ્નિગ્ધતા જાળવવા માટે આંસુ, લીંટ, લાળ જેવાં લિક્વિડ ઉત્પન્ન થાય છે એ જ રીતે આ ગ્રંથિઓની સ્નિગ્ધતા માટે પણ એની અંદર સફેદ રંગનું પ્રવાહી એની મેળે ઉત્પન્ન થાય છે.
જાહેરાતો વાંચી હોવાને કારણે તે નીચે જુએ છે કે ખરેખર ધાતુ જાય છે? જે જુએ છે તે ફસાઈ જાય છે અને જે નથી જોતા તે બચી જાય છે. અંગ્રેજીમાં કહેવાયું છે કે What the eyes do not see, the mind does not perceive.
અંતરિયાળ ગામોમાં કેટલાક પુરુષો બેસીને યુરિન પાસ કરે છે. ક્યારેક મળત્યાગ દરમ્યાન જોર કરવું પડે છે. બેસવાથી તેમ જ મળત્યાગ દરમ્યાન કરવામાં આવેલા જોરને કારણે મળદ્વાર પર પ્રેશર આવે છે. એ પ્રેશર પ્રોસ્ટેટ અને મૂત્રનલિકાઓ પર આવે છે. આ પ્રેશરને કારણે એમાંથી સ્રવતું અને એકત્રિત થયેલું સફેદ ચીકણું પ્રવાહી પેશાબની સાથે ઇન્દ્રિય વાટે નીકળી જાય છે.
યુરિન અને વીર્યનો નીકળવાનો માર્ગ એક જ છે. વીર્યનો રંગ અને યુરેથ્રલ ગ્લૅન્ડમાંથી નીકળતા આ પ્રવાહીનો રંગ પણ સરખો છે એટલે એવું ધારી લેવામાં આવે છે કે આ પ્રવાહી એ જ વીર્ય છે. ઇન્દ્રિયની મેકૅનિઝમ એવી છે જેમાં યુરિન અને વીર્ય બન્ને એકસાથે નીકળી નથી શકતાં. મૂત્રાશયને અંતે એક વાલ્વ જેવું સ્ફિન્ક્ટર હોય છે જે સાધારણ રીતે બંધ રહે છે. જ્યારે બ્લૅડર ભરાઈ જાય અને યુરિન પાસ કરવું હોય ત્યારે આ મૂત્રાશય તરફનું સ્ફિન્ક્ટર ખૂલી જાય છે અને યુરિન પાસ થયા પછી એ ફરીથી બંધ થઈ જાય છે. એવી જ રીતે મૈથુન અને હસ્તમૈથુન પછી સ્ફિન્ક્ટર ખૂલીને વીર્યસ્ખલન થાય છે એ વખતે વીર્ય સાથે પેશાબ બહાર આવી નથી શકતો. વાલ્વનું મેકૅનિઝમ જ એવું છે જે વીર્ય અને યુરિનને એક જ સમયે મિક્સ નથી થવા દેતું. એટલે નૉર્મલી પણ પુરુષને પેશાબમાં વીર્ય જાય એવું નથી બનતું. ઘણી વખત ઓછું પાણી પીવાથી કે રાતે વધારે માત્રામાં ગળી ચીજો ખાવાથી પેશાબ ધૂંધળો, ગાઢો અને ચીકણા પદાર્થ સાથે આવે છે.

