શ્યામ તુલસીનાં પાંચ પાન રોજ ચાવો અને સ્વસ્થ રહો

આયુર્વેદનું A 2 Z - ડૉ. રવિ કોઠારી
જેની તુલના કોઈ ઔષધ સાથે થઈ શકે એમ નથી એવી તુલસીમાં ભલભલા રોગોને નાથવાની શક્તિ છે. આવું આયુર્વેદનાં શાસ્ત્રોમાં ચાર હજારથી વધુ વર્ષ પૂર્વે કહેવાઈ ચૂક્યું છે. આજની મૉડર્ન મેડિસિન શાખાએ પણ પ્રયોગો અને પુરાવાઓ સાથે એ વાતને સ્વીકારી લીધી છે. જોકે તુલસીક્યારા ઘરોના આંગણામાં જોવા મળે એ દૃશ્ય દુર્લભ થઈ ગયું છે. મુંબઈમાં તો ખોબા જેવડાં ઘરોમાં લોકો ફૂલછોડ વાવી શકે એવી સવલત ખૂબ ઓછી હોય, પણ બાલ્કનીમાં તુલસીનો એકાદ ક્યારો રાખવાનું સાવ જ અશક્ય નથી. અલબત્ત, શ્યામ એટલે કે કાળી તુલસીનો છોડ વાવો એ જરૂરી છે. હળવા લીલા રંગનાં પાન ધરાવતી રામ તુલસી કરતાં ઘેરો લીલો રંગ અને કાળી ઝાંય ધરાવતી તુલસીનાં પાન વધુ ગુણકારી હોય છે.
તુલસીનાં પાન ચાવતાં સહેજ તીખાશ વર્તાય છે. એમાં સહેજ કડવાશ પણ હોય છે. કાળી તુલસી ઔષધ તરીકે વાપરવી જોઈએ. એ હૃદય માટે ગુણકારી, પાચકઅગ્નિ પ્રદીપ્ત કરનાર, પીડાહર, વિષાણુનાશક અને જંતુનાશક છે. બે ઋતુઓના સંધિકાળ તેમ જ ઠંડી ઋતુમાં થતાં શરદી-ખાંસી, તાવ અને મંદાગ્નિમાં એ ફાયદાકારક છે. ચોમાસામાં એટલે જ તુલસીનાં પાનનું સેવન કરવાથી અનેક રોગોથી બચી શકાય છે. મૉડર્ન મેડિસિને પણ તુલસીને ઍન્ટિ-બૅક્ટેરિયલ અને ઍન્ટિ-મલેરિયલ પ્રૉપર્ટીવાળી ગણી છે. વિટામિન ખ્, વિટામિન ધ્ તેમ જ પોટૅશિયમ, મૅન્ગેનીઝ, કૉપર અને મૅગ્નેશિયમ જેવાં ખનિજો તુલસીમાં છે. આ બધાં ખનિજદ્રવ્યો હૃદય, રક્તવાહિનીઓ, ચેતાતંત્રને સતેજ રાખે છે. માત્ર પાચનની જ નહીં, હૃદય અને ફેફસાંની તકલીફવાળા દરદીઓને પણ તુલસીથી ખૂબ ફાયદો થાય છે.
તુલસી માત્ર પુખ્ત વયના લોકો કે વડીલો માટે જ સારી છે એવું નથી. બાળકોની રોગપ્રતિકારક શક્તિ તેમ જ યાદશક્તિ વધારવા માટે પણ આ પાન કામનાં છે. એમાં મૅન્ગેનીઝ અને મૅગ્નેશિયમ જેવાં ખનિજો ચેતાતંતુઓ માટે ટૉનિક જેવાં હોવાથી મગજ અને શરીરનું કો-ઑર્ડિનેશન સારું થાય છે અને યાદ રાખવાની તેમ જ યાદ રાખેલું રીકૉલ કરવાની ક્ષમતા પણ સુધરે છે.
તાવ અને મલેરિયા
મલેરિયાનો વાવર શરૂ થાય એ પહેલાં જ જો તમે નિયમિત રોજનાં પાંચ પાન તુલસી લઈને એમાં કાળા મરીનો એક દાણો વીંટીને નરણા કાઠે ચાવી જવાનું રાખો તો એ સીઝનલ ચેપી રોગોથી રક્ષણ કરે છે. તાવ હોય ત્યારે મોંનો સ્વાદ બગડી ગયો હોય, ઊબકા-ઊલટી આવ્યા કરે ત્યારે તુલસીનાં પાન ધીમે-ધીમે ચાવ્યા કરવાથી ફરક પડે છે. તુલસીનાં પાન તાવ અને મલેરિયાનું નિયમિત નિવારણ કરવામાં અને સારવાર કરવામાં પણ એટલાં જ ઉપયોગી છે. ચોમાસામાં ગંદું પાણી ભરાય, મચ્છરનો ઉપદ્રવ થાય અને વાતાવરણમાં અશુદ્ધિ ફેલાય ત્યારે તુલસીનાં પાન નિયમિત ખાવાં એ બેસ્ટ પ્રિવેન્શન ઔષધ છે. તાવ આવ્યો હોય ત્યારે ઝડપી અસર માટે દર ત્રણેક કલાકે એક ચમચી તુલસીનો રસ હૂંફાળા પાણીમાં મેળવીને પીવડાવવો. ફ્લુનો તાવ હોય તો તુલસીનાં પાન, લીમડાનાં પાન, કાળા મરી સમભાગે લઈ ખાંડીને બોર જેવડી ગોળી બનાવીને છાંયડે સૂકવવી. સવાર-બપોર-સાંજ આ ગોળી લેવાથી તાવ ઊતરે છે.
કફ અને શરદી
આયુર્વેદિક કફ સિરપની તમામ બનાવટોમાં પણ તુલસી એક મુખ્ય ઔષધ હોય છે. તુલસીથી બ્રૉન્કિયલ અસ્થમામાં રાહત થાય છે. શરદી-કફ થયો હોય ત્યારે તુલસીનાં પાન ચાવવાં અને ધીમે-ધીમે રસ ઉતારવો. ગળામાં ખિચ-ખિચ હોય તો તુલસીનાં પાન નાખીને ઉકાળેલું પાણી ઘૂંટડે-ઘૂંટડે પીતા રહેવું.
ઊંડો શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો એક-એક પાન તુલસીના અર્ક અને અજમાના અર્કમાં બે-ત્રણ ચમચી પાણી મેળવીને પી જવું.
દુખાવા અને ઘા પર તુલસીમાં ઍન્ટિ-સેપ્ટિક ગુણ પણ છે. એટલે પડવા-વાગવાથી ઊંડો ઘા થયો હોય ત્યારે જખમ સાફ કરવા માટે ડેટોલ ન હોય તો તુલસીના તાજા રસથી ઘા સાફ કરવાથી ઝડપથી રૂઝ આવે છે. કાનમાં શૂળ હોય તો તુલસીના રસનાં ટીપાં નાખવાથી અંદર ઇન્ફેક્શન થતું અટકે છે. વાતરોગો એટલે કે શરીરમાં કોઈ પણ પ્રકારનું શૂળ હોય તો તુલસીના રસમાં મરીનો ભૂકો અને ઘી અથવા મધ નાખીને પીવડાવવાથી પીડાશમન થાય છે. શરીરમાં દુખાવાની સાથે સોજો આવ્યો હોય તો એમાં પણ તુલસીનો રસ તેમ જ પાન ચાવવાથી ફાયદો થાય છે.
ત્વચાના રોગો અને નિખાર
દાદર અને ખરજવા જેવા ચામડીના રોગોમાં જે ભાગ પર અસર થઈ હોય એના પર તુલસીનો રસ ચોપડવાથી ફાયદો થાય છે.
શીળસને કારણે ત્વચા પર ચકામાં થઈ ગયાં હોય ત્યારે તુલસીનો રસ ચોપડવાથી ખૂજલી બેસી જાય છે.
રોજ સવારે શ્યામ તુલસીનાં પાન ચાવવાથી ત્વચાનો રંગ સુધરે છે.
મોંમાંથી ખરાબ વાસ આવતી હોય કે પેઢાંમાંથી લોહી નીકળતું હોય તો તુલસીનું તેલ લગાવવાથી ફાયદો થાય છે.


