નવી પરણેલી વહુઓ આ ગામમાં આવીને પોતાનાં માતા-પિતાની યાદમાં પણ અહીં વૃક્ષ વાવે છે
વૃક્ષ અને સ્ત્રીઓ
છત્તીસગઢનું પિસેગાંવ ઇકો-ફ્રેન્ડ્લી ગામ તરીકે જાણીતું છે. એનું કારણ એ છે કે ગામવાસીઓનો કુદરત પ્રત્યેનો પ્રેમ જ અનોખો છે. આ ગામની પરંપરા મુજબ પ્રિયજનના મૃત્યુ પછી તેમના નામે લોકો પોતાની ક્ષમતા મુજબ વૃક્ષો વાવે છે. માત્ર વાવે જ નહીં, એને ઉછેરવાની જવાબદારી પણ લે છે. આ જ કારણોસર હવે પિસેગાંવની ભાગોળે એક મજાનું જંગલ જેવું બની ગયું છે. આ જંગલનું દરેક વૃક્ષ ગામના કોઈક ઘરના સદસ્યના નામે હોય છે. અહીંની મહિલાઓ પોતાના પરિવારે વાવેલા આ વૃક્ષ માટે ખૂબ માયા ધરાવે છે. કોઈકનો પતિ ગુજરી ગયો હોય તો તેની યાદમાં અને માતા-પિતા ગુજરી ગયાં હોય તો તેમની યાદમાં અહીં અનેક વૃક્ષો ઊગ્યાં છે. મહિલાઓ આ વૃક્ષમાં પોતાનું સ્વજન જુએ છે એટલે અવારનવાર આ વૃક્ષને મળવા આવે છે. એની સાથે બેસીને પોતાના જીવનની વાતો કરે છે. છત્તીસગઢની રાજધાની રાયપુરથી ૬૦ કિલોમીટર દૂર આવેલું આ ગામ શિવનાથ નદીના કિનારે છે. પૂરતું પાણી નજીકમાં જ હોવાથી અહીં વૃક્ષો અને વનરાજીનો વિકાસ પણ બહુ સરસ થયો છે. નવી પરણેલી વહુઓ આ ગામમાં આવીને પોતાનાં માતા-પિતાની યાદમાં પણ અહીં વૃક્ષ વાવે છે. ગામ માટે કંઈક સારું કામ કરી જનારા લોકો માટે પણ અહીં વૃક્ષ વાવવાની પરંપરા છે. કોરોના દરમ્યાન એક યુવકે ગામલોકોની ખૂબ સેવા કરી હતી, પણ કોરોનાના બીજા વાયરામાં તેનું મૃત્યુ થઈ ગયું. આ યુવકના નામે પણ ગામજનોએ પીપળાનું વૃક્ષ વાવ્યું છે. આ શિરસ્તો ૨૦૧૧ની સાલથી ચાલ્યો આવે છે. ગામના મુખિયા પંડિત શ્રીરામ શર્માએ પોતાના જન્મદિવસે વૃક્ષારોપણ કર્યું હતું અને ત્યારથી તેમણે ગામજનોને પણ દરેક સારા-માઠા પ્રસંગે વૃક્ષ વાવવાનું આહ્વાન કર્યું હતું.

