ચાની હાટડીઓ તો ભારતની દરેક ગલીકૂંચીમાં મળી જશે, પણ પશ્ચિમ બંગાળના શ્રીરામપુર ગામમાં કાલીબાબુ સ્મશાન ઘાટની સામે એક અનોખી ચાની દુકાન છે. આ ચાની દુકાન ભરોસા પર ચાલે છે.
પશ્ચિમ બંગાળના એક સ્મશાનની સામે ૧૦૦ વર્ષથી ચાલે છે સ્વયંસંચાલિત ચાની દુકાન
ચાની હાટડીઓ તો ભારતની દરેક ગલીકૂંચીમાં મળી જશે, પણ પશ્ચિમ બંગાળના શ્રીરામપુર ગામમાં કાલીબાબુ સ્મશાન ઘાટની સામે એક અનોખી ચાની દુકાન છે. આ ચાની દુકાન ભરોસા પર ચાલે છે. એમાં ચા બનાવવાનો સામાન પડ્યો હોય છે. જેમને ચા પીવી હોય તેમણે જાતે ચા બનાવી લેવાની, પીવાની અને જેટલી ચા બનાવી હોય એ મુજબ પૈસા એક બૉક્સમાં નાખી દેવાના. લગભગ આખો દિવસ આ ચાનો સ્ટૉલ ધમધમતો રહે છે. લોકો સ્ટૉલની બહાર મૂકેલી પાટલીઓ પર બેસીને ગ્રુપમાં વાતોનાં વડાં કરતાં-કરતાં ચા પીએ છે અને પૈસા મૂકી જાય છે. ક્યારેક તો કોઈ જ ગ્રાહક પણ આ દુકાને ન હોય એવું બને છે. એમ છતાં ક્યારેય અહીંથી ચોરી થઈ નથી. કોઈ માત્ર ચા પીને જતું રહે અને પૈસા ન મૂકે એવું પણ બન્યું નથી. ભરોસા પર ચાલતી ચાની આ દુકાન ૧૦૦ વર્ષથી જૂની છે. બ્રુક બૉન્ડ કંપની માટે સ્વતંત્રતા સેનાની નરેશ ચંદ્રાએ આની શરૂઆત કરી હતી. હજી પણ એ રેંકડી ચાલે છે. તેના દીકરાઓ રોજ સવારે ચાનો સ્ટૉલ ખોલે છે, જરૂરી સામગ્રીઓ ભરીને મૂકે છે અને સાંજે જઈને સ્ટૉલ બંધ કરી આવે છે.




