નુનુરી નામનો આ મેટાવર્સ અવતાર ૨૦૧૮માં બનાવવામાં આવ્યો હતો ત્યારે એને ૧૮ વર્ષની જાહેર કરાઈ હતી
વર્ચ્યુઅલ પૉપસ્ટાર નુનુરી
પહેલી વખત એક વર્ચ્યુઅલ પૉપસ્ટાર સાથે વૉર્નર મ્યુઝિક કંપની દ્વારા ડીલ કરવામાં આવી છે, પરંતુ જે મ્યુઝિક વિડિયો બનાવવામાં આવ્યો છે એમાં ૧૨ વર્ષની એક કિશોરી જેવો અવતાર દેખાડવા બદલ એની ટીકા કરવામાં આવી છે. નુનુરી નામનો આ મેટાવર્સ અવતાર ૨૦૧૮માં બનાવવામાં આવ્યો હતો ત્યારે એને ૧૮ વર્ષની જાહેર કરાઈ હતી. તેણે અનેક કંપનીના ફૅશન-પ્રચારમાં પણ ભાગ લીધો હતો. નૂનુરીના ઇન્સ્ટાગ્રામ પર ૪ લાખથી વધુ ફૉલોઅર્સ છે. મોટા ભાગના લોકોએ વૉર્નર કંપનીના આ નિર્ણયની ટીકા કરી હતી. કંપનીના પ્રવક્તાએ કહ્યું કે આ પાત્ર લાંબા સમયથી ચાલી રહેલા ડિજિટલ કૅરૅક્ટરની સાથે અમે કરાર કર્યો છે. ઘણા ગીતકાર અને સંગીતકારનો અવાજ રેકૉર્ડ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ એના આધારે એઆઇનો ઉપયોગ કરી તેનો અવાજ બનાવવામાં આવ્યો છે, જેમણે ટ્રૅકમાં ફાળો આપ્યો છે. તેમને રૉયલ્ટી પણ આપવામાં આવશે, જેમ અન્ય લોકોને આપવામાં આવે છે. એઆઇની મદદથી તૈયાર કરવામાં આવેલો નૂનુરીનો અવાજ તીણો છે. એને ટેક્નૉલૉજીના આધારે બનાવવામાં આવ્યો છે. આમ એક ગાયકનું પહેલાં રેકૉર્ડિંગ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ એને પૉપસ્ટારના અલગ અવાજની ઓળખ આપવા માટે ફેરબદલ કરવામાં આવ્યો છે. નૂનુરીનું કૅરૅક્ટર મ્યુનિકના ૪૩ વર્ષના ગ્રાફિક ડિઝાઇનર જૉર્ગ ઝુબેરે બનાવ્યું હતું. પૉપસ્ટાર સાથે કેટલા રૂપિયામાં ડીલ થઈ છે એ મ્યુઝિક કંપનીએ હજી જાહેર કર્યું નથી.


