ચીનના આઇસ સિટી ગણાતા હાર્બિનમાં મરચાંનો હૉટપૉટ સ્પા ખૂબ ફેમસ છે
ગરમાગરમ હૉટપૉટ સ્પા
સામાન્ય રીતે સ્પાનું નામ સાંભળીને આપણને સુકૂન, આરામ અને રિલૅક્સેશનનો ખ્યાલ આવે; પણ ચીનમાં એક એવું સ્પા ફેમસ છે જ્યાં નહાવાનો અનુભવ એકદમ જુદો જ છે. એમાં સ્પાના લિક્વિડમાં દૂધ અને મરચાંનું મિશ્રણ કરવામાં આવે છે. તીખાંતમતમતાં મરચાંના પાણીમાં કોઈને આરામ કઈ રીતે મહેસૂસ થતો હશે? એમ છતાં ચીનના આઇસ સિટી ગણાતા હાર્બિનમાં મરચાંનો હૉટપૉટ સ્પા ખૂબ ફેમસ છે. આ એટલું ઠંડું શહેર છે કે એમાં વ્યક્તિ ઠંડીથી લિટરલી થીજી જઈ શકે છે. એવામાં દૂધની અંદર મરચાંનું મિશ્રણ શરીરને ગરમાટો આપવાનું કામ કરે છે. મૅપલ લીફ વિલેજ હૉટસ્પ્રિન્ગ રિસૉર્ટમાં આવો સ્પા થાય છે. અહીં ચાઇનીઝ હૉટપૉટ એટલે કે મસાલેદાર સૂપ જેવી વાનગી પરથી પ્રેરાઈને સ્પાની થીમ તૈયાર કરવામાં આવી છે.

ADVERTISEMENT
તાજેતરમાં સોશ્યલ મીડિયા પર ટ્રાવેલ-બ્લૉગર જૉર્ડન ઍગ્બર્ટે વિડિયો શૅર કર્યો છે જેમાં સ્પાના ટબમાં વપરાયેલું પાણી લાલચટક છે અને એમાં અસલી મરચું અને આલપીનો તરતાં જોવા મળે છે. બીજી તરફ દૂધિયા રંગનું પાણી છે જેમાં લાલ ખજૂર, ગોજીબેરી અને અમુક શાકભાજી તરતાં જોવા મળે છે. સ્પાના બન્ને હિસ્સામાં લોકો વારાફરતી ડૂબકી લગાવે છે. આ સ્પા એક થેરપી જેવું કામ આપે છે એવો દાવો રિસૉર્ટ દ્વારા કરવામાં આવે છે. તેમનું કહેવું છે કે મરચાંવાળું પાણી બ્લડ-સર્ક્યુલેશન વધારે છે અને ત્વચામાં ગ્લો લાવે છે. દૂધવાળા હિસ્સાના સ્પાથી ત્વચા મુલાયમ અને નરમ બને છે. અલબત્ત, એક્સપર્ટ્સનું કહેવું છે કે મરચાંથી બળતરા, લાલાશ અને ખૂબ પીડા થઈ શકે છે જે ત્વચા માટે ખતરનાક પણ સાબિત થઈ શકે છે.


