હરિયાણાથી આવેલો ‘વિધાયક’ નામનો આખલો મેળાનું સ્ટાર આકર્ષણ બન્યો હતો
હરિયાણાથી આવેલો આખલો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો
મેરઠની એક યુનિવર્સિટીમાં ખેડૂતો માટે મેળો ભરાયો હતો. એમાં હરિયાણાથી આવેલો આખલો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. મેળામાં હરિયાણા, પંજાબ, દિલ્હી, ઉત્તરાખંડ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના ખેડૂતો પોતપોતાનાં ઉત્તમ પશુઓને લઈને આવ્યા હતા. એમાં હરિયાણાથી આવેલો ‘વિધાયક’ નામનો આખલો મેળાનું સ્ટાર આકર્ષણ બન્યો હતો. એની કદ-કાઠી અને ચાલવાનો ઠસ્સો જોઈને દર્શકો ઓવારી ગયા હતા. આ આખલો અત્યાર સુધીમાં એના માલિકને ૮ કરોડ રૂપિયા રળી આપી ચૂક્યો છે. એનું વીર્ય એટલું ઉચ્ચ સ્તરનું છે કે એક વાર તે વીર્ય આપે તો એના ૬૦ લાખ રૂપિયા ઊપજે છે. આ આખલો હરિયાણાના પદ્મશ્રી અવૉર્ડથી સન્માનિત નરેન્દ્ર સિંહનો છે. નરેન્દ્ર સિંહ લાંબા સમયથી ઉચ્ચ સ્તરનાં પશુઓનો ઉછેર અને સંવર્ધન કરે છે. તેમનું કહેવું છે કે વિધાયક માત્ર નામ અને દેખાવથી જ ઠસ્સાદાર નથી. એની કાળી ચમકીલી ત્વચા, કસાયેલું શરીર અને વિશાળ કાયા જોઈને ભલભલા મંત્રમુગ્ધ થઈ જાય છે. લોકો આ આખલાની સાથે તસવીર ખેંચાવવા લાઇન લગાવી રહ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ કૃષિ યુનિવર્સિટીના ડિરેક્ટર ડૉ. પી. કે. સિંહના કહેવા મુજબ આખલાની કિંમત એના સીમેન એટલે કે વીર્યની ગુણવત્તા અને એની ડિમાન્ડ પરથી નક્કી થાય છે. આ આખલાનું વીર્ય વેચીને વર્ષે ૫૦થી ૬૦ રૂપિયા મળે છે અને અત્યાર સુધીમાં વિધાયક સીમેન વેચીને ૮ કરોડ રૂપિયા કમાવી આપી ચૂક્યો છે એને કારણે એની કિંમત કરોડોમાં અંકાઈ રહી છે. એનો રોજનો ખોરાક શાહી દાવત જેવો હોય છે. એ રોજ વીસ લીટર દૂધ પી જાય છે. એને કાજુ-બદામ અને પ્રોટીન સપ્લિમેન્ટ્સ પણ ભરપૂર માત્રામાં આપવામાં આવે છે. મુર્રા પ્રજાતિના આખલા દેશભરમાં ખૂબ ફેમસ છે.


