વૉશિંગ્ટન સ્ટેટના સીએટલમાં આવેલા ઑલ્સન કુડિંગ આર્કિટેક્ટેે ૧૧૦ ફુટ લાંબા રેલવે-ટ્રૅક પર એક હોમ સ્ટુડિયો બનાવ્યો છે, જેને માલિકના ઘરથી નજીકના જંગલ સુધી ખસેડી શકાય છે
રેલવે-ટ્રૅક પર હરતીફરતી ઑફિસ
કોરોનાકાળ દરમ્યાન લોકો ઘરમાંથી જ ઑફિસનું કામ કરતા હતા, પરંતુ કોરોના બાદ પરિસ્થિતિ થાળે પડી ગઈ છે. ઘરેથી ઑફિસ જવું હવે એક કંટાળાજનક પ્રવૃત્તિ લાગે છે. જોકે અમેરિકામાં એક એવી ઑફિસ છે જ્યાં કામ કરતાં પણ તમે મુસાફરી કરી શકો. ટૂંકમાં હરતીફરતી ઑફિસ છે. વૉશિંગ્ટન સ્ટેટના સીએટલમાં આવેલા ઑલ્સન કુડિંગ આર્કિટેક્ટેે ૧૧૦ ફુટ લાંબા રેલવે-ટ્રૅક પર એક હોમ સ્ટુડિયો બનાવ્યો છે, જેને માલિકના ઘરથી નજીકના જંગલ સુધી ખસેડી શકાય છે. એમાં ઘરેથી નીકળવાના અને ઑફિસ પહોંચવાની મુસાફરીના અનુભવને માણી શકાય છે. એક આખી ઑફિસ જ રેલવે-ટ્રૅક પર છે. બે માળની આવી અલગ ઑફિસ બનાવવાની પ્રેરણા ઘરના ખોદકામ દરમ્યાન મળેલા રેલવે-ટ્રૅકના અવશેષો પરથી મળી હતી. ઑફિસની રચના રેલવેના વૅગન જેવી છે. સ્ટુડિયોની અંદર જ એક કન્ટ્રોલ પૅનલ છે, જે મુસાફરી દરમ્યાન વૅગનને આગળ કે પાછળ ખસેડે છે. રેલવેનો આ ટ્રૅક ૨૦મી સદીના અંતમાં રેલવે કંપની બર્લિંગ્ટન નૉર્ધર્ન દ્વારા બનાવવામાં આવ્યો હતો.

