ઉત્તર પ્રદેશના ગોંડામાં એક મહિલાએ પતિથી છુપાવીને આઠ વર્ષમાં ૧૨ લાખ રૂપિયા બચાવ્યા હતા. ઘરેણાં ખરીદવાનું સપનું જોઈને પેટીમાં સાચવેલા પૈસા જ્યારે ખોલ્યા ત્યારે મોટાભાગની નોટો ઉંદરોએ કાતરી નાખી હતી.
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના ગોંડામાં એક મહિલાએ ૨૦૧૯ની સાલથી પૈસા બચાવીને એક પેટીમાં રાખવાનું શરૂ કર્યું હતું. સમય જતાં નાની-નાની રકમની બચત એક મોટી રકમમાં તબદીલ થઈ ગઈ. પતિએ આપેલા ઘરખર્ચમાંથી પૈસા બચાવીને પતિની જાણબહાર પત્ની બચત કરી રહી હતી. તેને હતું કે ભવિષ્યમાં તે પોતાની પસંદગીનાં ઘરેણાં ખરીદશે. રૂપિયા સાચવીને પેટીમાં રાખ્યા હોવાથી તેને બીજી કોઈ ચિંતા પણ નહોતી. જોકે ૮ વર્ષ પછી જ્યારે તેણે પેટી ખોલી તો અંદરનું દૃશ્ય જોઈને પગ નીચેથી જમીન સરકી ગઈ. નોટોની થપ્પીઓ સાવ ખરાબ થઈ ચૂકી હતી. મોટા ભાગની નોટો ઉંદરોએ કાતરી નાખી હતી. આ થયા પછી પતિને કહેવું જ પડે એમ હતું એટલે પતિને જાણ કરી. પરિવારે મળીને સાબૂત ચલણી નોટો અલગ કરી, પરંતુ બહુ જ ઓછી રકમ રિકવર થઈ શકી હતી.
