પાળેલો શ્વાન લાંબા સમયથી બીમાર રહેતો હોવાથી બે બહેનોએ ડિપ્રેશનમાં ફિનાઇલ પીને મોત વહાલું કરી લીધું, ઉત્તર પ્રદેશમાં દોદાખેડા નામના ગામમાં ૨૪ વર્ષની રાધા સિંહ અને બાવીસ વર્ષની જિયા સિંહે ફિનાઇલ પીને સુસાઇડ કરી લીધું હતું.
પાળેલો શ્વાન લાંબા સમયથી બીમાર રહેતો હોવાથી બે બહેનોએ ડિપ્રેશનમાં ફિનાઇલ પીને મોત વહાલું કરી લીધું
ઉત્તર પ્રદેશમાં દોદાખેડા નામના ગામમાં ૨૪ વર્ષની રાધા સિંહ અને બાવીસ વર્ષની જિયા સિંહે ફિનાઇલ પીને સુસાઇડ કરી લીધું હતું. ગ્રૅજ્યુએશન પતાવ્યા પછી બન્ને બહેનો પરિવાર સાથે જ રહેતી હતી. તેમના ઘરે ટોની નામનો જર્મન શેફર્ડ ડૉગી પાળેલો હતો. તેમના ભાઈ વીર સિંહનું કહેવું હતું કે બન્ને બહેનો ટોની સાથે ખૂબ લગાવ ધરાવતી હતી. જોકે ટોની છેલ્લા એક મહિનાથી બીમાર હતો અને તે કોઈ રીતે સાજો નહોતો થતો. બન્નેને લાગતું હતું કે હવે ટોની બચી નહીં શકે. ટોનીને ગુમાવવો પડશે એ વિચારે બન્ને બહેનો ખૂબ ડિપ્રેશનમાં રહેતી હતી. ટોનીની માંદગી વધુ ગંભીર થતાં તેને ગુમાવવાના ડરથી બન્ને બહેનોએ સાથે જ ફિનાઇલ પી લીધું હતું. એક બહેનનું મૃત્યુ હૉસ્પિટલ પહોંચતાં થયું હતું અને બીજી બહેન સારવાર દરમ્યાન મૃત્યુ પામી હતી. બન્ને બહેનોની અરથી એકસાથે ઊઠતાં આખા ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી.


