થોડા મહિના પહેલાં પાણીમાં ડૂબી રહેલા ડૉગીને બચાવવા માટે બ્રિજેશ પાણીમાં ખાબક્યો હતો. એ વખતે તો તેણે ડૉગીને બચાવી લીધો
૨૮ વર્ષના કબડ્ડી પ્લેયર બ્રિજેશ સોલંકીનું કૂતરો કરડવાને કારણે મૃત્યુ થયું હતું.
ઉત્તર પ્રદેશના બુલંદશહર પાસેના ફરાના ગામમાં ૨૮ વર્ષના કબડ્ડી પ્લેયર બ્રિજેશ સોલંકીનું કૂતરો કરડવાને કારણે મૃત્યુ થયું હતું. થોડા મહિના પહેલાં પાણીમાં ડૂબી રહેલા ડૉગીને બચાવવા માટે બ્રિજેશ પાણીમાં ખાબક્યો હતો. એ વખતે તો તેણે ડૉગીને બચાવી લીધો, પરંતુ એ દરમ્યાન ડૉગી તેની આંગળી પર કરડ્યો હતો. ડૉગીના કરડવાની આ ઘટનાને બ્રિજેશે હળવાશથી લીધી અને તરત જ ઍન્ટિ-રૅબીઝ વૅક્સિન લીધી નહીં. તેને હતું કે આ તો સાવ નાનો અને ડૉગી દ્વારા અજાણતાં થયેલો ઘા છે. જોકે એ વખતે તો તેને કંઈ ન થયું, પરંતુ બે મહિના પછી તેના શરીરમાં હડકવાનાં લક્ષણો પેદા થવા લાગ્યાં. પહેલાં જ્યાં ડૉગી કરડ્યો હતો એ આંગળી સુન્ન થઈ ગઈ, એ પછી એ હાથ સુન્ન થયો અને પછી એનાં લક્ષણો આખા શરીરમાં ફેલાઈ ગયાં. હડકવાને કારણે બ્રિજેશનું આખું શરીર ખેંચાવા લાગ્યું. એ પછી તરત જ બ્રિજેશે ડૉક્ટરને કન્સલ્ટ કર્યા, પણ હડકવા શરીરમાં પ્રસરી ચૂક્યો હોવાથી ડૉક્ટરોએ કેસ હાથમાં લેવાની ના પાડી દીધી. ૩ દિવસ સુધી તે હડકવાથી તરફડતો રહ્યો. હડકવામાં માણસને પાણીનો પણ ડર લાગવા લાગે છે અને તે પોતાનું થૂંક સુધ્ધાં ગળવા તૈયાર નથી હોતો. તેનું આખું શરીર અંદરથી ખેંચાય છે. આ રોગનો કોઈ ઇલાજ નથી. ૩ દિવસ છટપટ્યા બાદ બ્રિજેશનું મૃત્યુ થયું હતું. સોશ્યલ મીડિયા પર તેનો હડકવાથી તરફડતો વિડિયો વાઇરલ થયો ત્યારે આ ખબર બહાર આવ્યા હતા. પરિવારજનોએ પોલીસને ખબર કર્યા વિના જ તેના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરી દીધા હતા.

