ડાર્ટ બોર્ડની બરાબર વચ્ચે નિશાન તાકવાની અને બાસ્કેટબૉલ શૂટિંગને લગતા રેકૉર્ડ તોડવાની તૈયારી કરી રહ્યો છે
ઓસ્માન ગુરચુ
પોતાના નામે ૭ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ ધરાવનાર ટર્કીના પ્રાઇવેટ સિક્યૉરિટી ગાર્ડ ૪૩ વર્ષના ઓસ્માન ગુરચુએ આઠમો વર્લ્ડ રેકૉર્ડ બનાવી પોતાની ખરી ઓળખ વર્લ્ડ રેકૉર્ડબ્રેકરની બનાવી દીધી છે. ઓસ્માન ગુરચુએ ૧૮૩ ફુટ ૮.૭૨ ઇંચ દૂર મુકાયેલા ટાર્ગેટ પર બરાબર નિશાન લગાવી સૌથી દૂર કુહાડી ફેંકવાનો રેકૉર્ડ કર્યો છે. આ અંતર ઑલિમ્પિક સાઇઝના સ્વિમિંગ-પૂલના ૧૬૪ ફુટ કરતાં વધુ છે. આ પહેલાંનો ૧૪૩ ફુટનો અમેરિકન જેસી રૂડનો રેકૉર્ડ તોડી ગુરચુએ નવો રેકૉર્ડ કર્યો છે.
ઓસ્માન ગુરચુ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સની વેબસાઇટ પર નજર રાખે છે અને નવી ચૅલેન્જ શોધે છે. હવે તે ડાર્ટ બોર્ડની બરાબર વચ્ચે નિશાન તાકવાની અને બાસ્કેટબૉલ શૂટિંગને લગતા રેકૉર્ડ તોડવાની તૈયારી કરી રહ્યો છે. તેની ઇચ્છા છે કે દર વર્ષે તેનું નામ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં છપાયેલું જોવા મળે.

