સ્વીડનની કંપનીએ પોતાના કર્મચારીઓને મિત્રોની હૂંફ મળી રહે એ માટે આ પહેલ કરી છે અને આશા છે કે એનાથી કર્મચારીઓનું માનસિક સ્વાસ્થ્ય સુધરશે.
પ્રતીકાત્મક તસવીર
સ્વીડનની સૌથી મોટી ફાર્મસી કંપનીએ પોતાના કર્મચારીઓની મેન્ટલ હેલ્થ સુધારવા માટે એક અનોખી પહેલ શરૂ કરી છે. કંપનીએ પોતાના સ્ટાફનું એકલાપણું દૂર કરવા માટે ફ્રેન્ડ કૅર પૉલિસી શરૂ કરી છે. આ પૉલિસી અંતર્ગત કંપની કર્મચારીઓને પેઇડ બ્રેક આપે છે. રોજ ૧૫ મિનિટ અથવા તો મહિનામાં એક કલાક તેઓ કર્મચારીઓને તેમના મિત્રો સાથે વાતચીત કરવાનો સમય આપે છે. કર્મચારીઓ આ સમય દરમ્યાન પોતાના મિત્રોને ફોન કરી શકે છે અથવા તો મળવા જઈ શકે છે. જો તેઓ આમ કરે તો તેમને વર્ષે ૮૩૦૦ રૂપિયાની આર્થિક મદદ પણ મળે છે. મતલબ કે લોકો પોતાના ફ્રેન્ડ્સ સાથે હળેભળે એ માટે કંપનીએ પહેલ કરી છે. જો કર્મચારીઓ મિત્રોને ન મળે તો તેમને આ અલાઉન્સ મળતું નથી. આવી પૉલિસીની જરૂર કેમ પડી? એનું કારણ છે સ્વીડનની સરકારે કરેલો એક સર્વે. આ સર્વેમાં એવું જાણવા મળ્યું હતું કે દેશના ૧૮ ટકા લોકોના કોઈ અંગત દોસ્તો નથી. અંગત મિત્રોના અભાવે લોકો પોતાના દિલની વાત કોઈને શૅર નથી કરી શકતા જે લાંબા ગાળે માનસિક સ્ટ્રેસમાં પરિણમે છે. સ્વીડનની કંપનીએ પોતાના કર્મચારીઓને મિત્રોની હૂંફ મળી રહે એ માટે આ પહેલ કરી છે અને આશા છે કે એનાથી કર્મચારીઓનું માનસિક સ્વાસ્થ્ય સુધરશે.


