મિશિગનના પાદરી ગેરાલ્ડ જૉનસને દાવો કર્યો છે કે ભૂતકાળમાં લગભગ ૭ વર્ષ પહેલાં ૨૦૧૬માં જ્યારે હાર્ટ-અટૅકને કારણે તેમના આત્માએ હંગામી ધોરણે શરીરનો સાથ છોડી દીધો હતો ત્યા

આ પાદરી નરકની વિઝિટ કરી હોવાનો દાવો કરે છે
મિશિગનના પાદરી ગેરાલ્ડ જૉનસને દાવો કર્યો છે કે ભૂતકાળમાં લગભગ ૭ વર્ષ પહેલાં ૨૦૧૬માં જ્યારે હાર્ટ-અટૅકને કારણે તેમના આત્માએ હંગામી ધોરણે શરીરનો સાથ છોડી દીધો હતો ત્યારે તેમના આત્માને ત્રાસ આપવા માટે રાક્ષસોને નરકમાં કરાઓકે પર રિહાનાના ‘અમ્બ્રેલા’ અને બૉબી મેકફેરિનના ‘ડોન્ટ વરી બી હૅપી’ ગીત ગાતા જોયા હતા. ગેરાલ્ડ જૉનસને કહ્યું કે પાદરીનું પવિત્ર જીવન જીવવા છતાં મને સ્વર્ગમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરીને મને પૃથ્વીના પાતાળમાં પટકવામાં આવ્યો હતો. ૨૦૧૬માં પોતાની પાતાળની સફર વિશે સમજાવતાં ટિકટૉક પર તેમણે જણાવ્યું હતું કે ‘મૃત્યુ પછીની આવી યાતનાની કલ્પના હું મારા દુશ્મન માટે પણ ન કરું. એ વખતે જ્યારે મારા આત્માએ શરીરનો સાથ છોડ્યો ત્યારે મારું માનવું હતું કે મેં જીવનમાં ઘણાં સારાં કાર્ય કર્યાં છે. અનેક લોકોને મેં મદદ કરી છે અને અનેક સારા ગણી શકાય એવા નિર્ણય લીધા છે એથી મને ચોક્કસ સ્વર્ગમાં જ પ્રવેશ મળશે, પરંતુ મારા આશ્ચર્ય વચ્ચે મને પાતાળમાં પટકવામાં આવ્યો હતો. નરકની આગમાં પ્રવેશ્યા બાદ ઘાતકી સજાના ભાગરૂપે મને એ જ ગીતો સાંભળવા મળ્યાં હતાં જે આપણે અહીં સાંભળીએ છીએ. ફરક એટલો જ છે કે એ ગીતો રાક્ષસ ગાતા હોવાથી કાનમાં ત્રાસ થતો હતો. આ વિચિત્ર અનુભવ એ લોકો માટે ચેતવણીરૂપ છે જેઓ પ્રાર્થના કે સ્તોત્રને બદલે આવાં ગીતો સાંભળવાનું પસંદ કરે છે.’