જોકે એક્ઝૉસ્ટ ફૅનનું બાકોરું ચોર માટે થોડુંક નાનું પડ્યું. તે એ કાણામાં એવો ફસાયો કે ન બહાર નીકળી શકાયું, ન અંદર જઈ શકાયું.
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
રાજસ્થાનના કોટા જિલ્લાના બોરખેડા ગામમાં ચોરીની અજીબ ઘટના સામે આવી. ચોર આવ્યો હતો ચોરી કરવા, પણ એવો ફસાઈ ગયો કે તેને બહાર કાઢવા માટે પોલીસ બોલાવવી પડી. ચોર બાથરૂમમાં લાગેલા એક્ઝૉસ્ટ ફૅનના બાકોરામાંથી ઘરમાં ચોરી કરવા ઘૂસવાનો પ્લાન બનાવીને આવ્યો હતો. જોકે એક્ઝૉસ્ટ ફૅનનું બાકોરું ચોર માટે થોડુંક નાનું પડ્યું. તે એ કાણામાં એવો ફસાયો કે ન બહાર નીકળી શકાયું, ન અંદર જઈ શકાયું.
આ ઘટના સોમવારની રાતની છે. એ ઘરમાં રહેતા લોકો બહાર ગયા હતા ત્યારે ચોરભાઈએ મેઇન ડોર તોડવાની કોશિશ કરી, પણ એમાં સફળતા ન મળી એટલે તેણે બાથરૂમના એક્ઝૉસ્ટ ફૅનને કાઢીને એમાં પાડેલા બાકોરા મારફત ઘરમાં ઘૂસવાની કોશિશ કરી. તેણે જેમતેમ કરીને પોતાનું માથું અને ધડ તો અંદર નાખી દીધું, પણ પછી કમરનો ભાગ ફસાઈ ગયો. તેનું માથું બાથરૂમમાં અને પગ ઘરની બહાર. ખૂબ કોશિશ કરી પણ નીકળાયું નહીં અને આખરે તેનો શ્વાસ ફૂલવા લાગ્યો એટલે તેણે બૂમાબૂમ કરી મૂકી. અવાજ સાંભળીને આસપાસમાં રહેતા લોકો જાગ્યા. તેમણે પોલીસને બોલાવી. પોલીસે આવીને પહેલાં તો ચોરને શાંત પાડ્યો. પછી ધીમે-ધીમે કરીને બાકોરાને મોટું કરવા માટે દીવાલ વધુ તોડી અને ચોરને રેસ્ક્યુ કર્યો. આ ચોર પોલીસનું સ્ટિકર લાગેલી એક કાર લઈને ચોરી કરવા પહોંચ્યો હતો. પોલીસને લાગે છે કે આ કાર પણ ચોરીની હોઈ શકે છે અને એ બીજી ચોરીઓમાં પણ વપરાઈ હોઈ શકે છે.


