જર્મનીના ઓછી વસ્તી ધરાવતા ઉત્તર-પશ્ચિમના ખૂણામાં વસેલા ઈસ્ટ ફ્રિસિયામાં લોકોને ચાનું એટલું વળગણ છે કે ત્યાં ચાનું સંગ્રહાલય પણ છે
પ્રતીકાત્મક તસવીર
કોઈ બહુ દારૂ પીતો હોય તો આપણે કહીએને કે પેલો તો દારૂડિયો છે, ગટર છે... પણ જર્મનીનું ઈસ્ટ ફ્રિસિયા નામનું એક નગર છે ત્યાંના લોકો પણ બહુ પીએ છે પણ એ લોકો દારૂ નહીં ચા પીએ છે એટલે અહીંના લોકો દારૂડિયા નહીં, ચારૂડિયા છે. આપણે ચાનો એકાદ પ્યાલો પીએ પણ ઈસ્ટ ફ્રિસિયાના લોકો એકસાથે ત્રણ પ્યાલા ઠપકારી જાય છે. એવો અંદાજ મંડાયો છે કે અહીં એક વ્યક્તિ આખા વર્ષમાં ૩૦૦ લીટર ચા ગટગટાવી જાય છે. આમ તો ચા પીનારા દેશોમાં તુર્કીયે પહેલા નંબરે છે અને આપણે એટલે કે ભારત ૨૯મા ક્રમે છીએ. જર્મનીના ઓછી વસ્તી ધરાવતા ઉત્તર-પશ્ચિમના ખૂણામાં વસેલા ઈસ્ટ ફ્રિસિયામાં લોકોને ચાનું એટલું વળગણ છે કે ત્યાં ચાનું સંગ્રહાલય પણ છે અને એ બીટિંગ ટી મ્યુઝિયમ નામે ઓળખાય છે. અહીંના લોકો ચાને માત્ર પીણું નથી ગણતા. બચ્ચનની ‘શરાબી’ ફિલ્મની જેમ ‘જહાં ચાર યાર મિલ જાયે....’ની જેમ બે-ચાર જણ ભેગા થાય કે તરત રકાબી ખખડવા માંડે.

