હવે નવાં જન્મતાં બાળકોમાં આનો પ્રભાવ ઓછો જોવા મળે છે. માત્ર પચીસ ઘરના આ ગામમાં ૩૦થી વધુ લોકો ઠીંગણા છે અને અનેક લોકોનાં હાડકાં વાંકાંચૂકાં થઈ ગયાં છે.
ગ્રામવાસીઓ
બિહારના ગયાજી જિલ્લાથી ૬૫ કિલોમીટર દૂર જંગલ અને પહાડોની વચ્ચે આવેલું ભોક્તોરી ગામ અજીબોગરીબ સમસ્યાથી પીડાઈ રહ્યું છે. અહીં જન્મતું બાળક ડ્વાર્ફ એટલે કે ઠીંગણું ન રહી જાય એ માટે પેરન્ટ્સ અનેક માનતાઓ માને છે, પણ ખાસ સફળતા મળતી નથી. વાત એમ છે કે આ ગામમાં જન્મતા લોકોની હાઇટ પાંચ-સાત વર્ષની વય પછી વધતી અટકી જાય છે. લોકોને હવે તો આશાનું કોઈ કિરણ નથી દેખાઈ રહ્યું. આ ગામ ખૂબ અંતરિયાળ હોવાથી અહીં બહારના લોકો પણ બહુ ઓછા આવે છે. તેઓ કોઈ અજાણ્યા ચહેરાને જુએ તો આશ્ચર્યચકિત થઈ જાય છે. ગામમાં જે પાણી મળે છે એ ફ્લોરાઇડથી ભરપૂર છે. એને કારણે લોકોના પગ વાંકાચૂકા થવા લાગ્યા છે. ચાર-પાંચ વર્ષ પછી હાઇટ વધતી અટકી જાય છે. હવે તો લોકોનું માનવું છે કે આ ગામનું પાણી જ શાપિત થઈ ચૂક્યું છે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજીએ તો આ ગામના પાણીમાં ફ્લોરાઇડનું પ્રમાણ ખૂબ ઊંચું છે. આ ખનિજનું પ્રમાણ અતિશય વધી જાય તો એનાથી હાડકાંમાં વિકૃતિ આવે છે. ગ્રામીણોનું કહેવું છે કે ૯૦ના દાયકા સુધી ગામલોકો દૂરથી પસાર થતી હડહી નદીનું પાણી પીતા હતા ત્યારે તેમના પગની હાલત ઠીક હતી, પણ જ્યારથી ગામમાં બોરિંગ અને કૂવાનું પાણી પીવાનું શરૂ થયું છે ત્યારથી લોકોમાં આ બીમારી ઘર કરી ગઈ છે. લગભગ ત્રણથી ૪ પેઢીના લોકોમાં ફ્લોરાઇડની તકલીફ થવા લાગી છે. જ્યારથી ફ્લોરાઇડ બાબતે જાગૃતિ આવી છે ત્યારથી હાડકાંની વિકૃતિ અને ઠીંગણાપણામાં પણ ઘટાડો થયો છે અને હવે નવાં જન્મતાં બાળકોમાં આનો પ્રભાવ ઓછો જોવા મળે છે. માત્ર પચીસ ઘરના આ ગામમાં ૩૦થી વધુ લોકો ઠીંગણા છે અને અનેક લોકોનાં હાડકાં વાંકાંચૂકાં થઈ ગયાં છે.


