આ ઘટનાને દુર્ઘટનામાં ખપાવીને જ્યારે તેણે ભાઈના નામે ૪.૧૪ કરોડ રૂપિયાના વીમાની રકમ ક્લેમ કરી ત્યારે પોલીસને શંકા ગઈ અને કડક પૂછપરછમાં ભાંડો ફૂટી ગયો હતો.
બન્ને ભાઈઓ
તેલંગણના કરીમનગર જિલ્લામાં એક ભાઈએ પોતાનું દેવું ઉતારવા માટે ભાઈનો જીવ દાવ પર લગાવી દીધો હતો. શૅરબજારમાં ખોટ જતાં તેને ૧.૫ કરોડ રૂપિયાનું ભારે નુકસાન થયું હતું. બીજી તરફ ધંધો પણ બરાબર ચાલી નહોતો રહ્યો એટલે એની ભરપાઈ કરી શકાય એ માટે ૩૦ વર્ષના નરેશ નામના યુવકે પોતાના જ ભાઈની હત્યાનું કાવતરું ઘડ્યું. તેનો ૩૭ વર્ષનો ભાઈ માનિસક રીતે અસ્વસ્થ હતો. નરેશે ભાઈના નામે બે મહિના પહેલાં જ ૪ કરોડ રૂપિયાની વીમા પૉલિસી લીધી. આ વીમાની રકમ મળી શકે એ માટે ભાઈનું મૃત્યુ હત્યા નહીં પણ અકસ્માત લાગે એ માટે તેણે પોતાના લેણદારને પણ વિશ્વાસમાં લીધો હતો. તેને દેવાની રકમ ઉપરાંત બીજા રૂપિયા પણ આપશે એમ કહીને લેણદારને પણ હત્યાની સાઝિશમાં જોતર્યો. વીમો લઈ લીધા પછી નરેશે પોતાના ભાઈ વેન્કટેશને એક લૉરી રિપેર કરવા માટે બોલાવ્યો હતો. વેન્કટેશ જેવો લૉરીની નીચે જઈને તપાસ કરવા ગયો એટલે ડ્રાઇવરે લૉરી ચાલુ કરી દીધી અને વેન્કટેશને ચગદી નાખ્યો. આ ઘટનાને દુર્ઘટનામાં ખપાવીને જ્યારે તેણે ભાઈના નામે ૪.૧૪ કરોડ રૂપિયાના વીમાની રકમ ક્લેમ કરી ત્યારે પોલીસને શંકા ગઈ અને કડક પૂછપરછમાં ભાંડો ફૂટી ગયો હતો.


